બિટકોઇન શું ઉન્માદ, ગભરાટ અને દુર્ઘટનાના વક્રપથને અનુસરતો રહેશે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બિટકોઇન શું ઉન્માદ, ગભરાટ અને દુર્ઘટનાના વક્રપથને અનુસરતો રહેશે?

બિટકોઇન શું ઉન્માદ, ગભરાટ અને દુર્ઘટનાના વક્રપથને અનુસરતો રહેશે?

 | 1:33 am IST
  • Share

ઓવર વ્યૂ

૧૧ માર્ચ ૨૦૨૦ના રોજ બિટકોઇનનું મૂલ્ય ૮૦૦૦ ડોલર અંકાતું હતું. ગયા વર્ષે ડિસેમ્બરના અંતભાગ સુધીમાં તે મૂલ્ય વધીને ચાર ગણું વધીને ૨૯,૦૦૦ ડોલર અંકાવા લાગ્યું. અને માર્ચ ૨૦૨૧ના મધ્યભાગ સુધીમાં તો મૂલ્ય ફરી બમણું થઇને ૬૦,૦૦૦ ડોલરની સપાટીએ પહોંચી ગયું. આ મૂલ્ય વધારાને સમજવા આપણે બિટકોઇનના બેઝિકને સમજવું પડશે.

ઓક્ટોબર ૨૦૦૮માં સતોષી નાકામોટોએ ‘બિટકોઇનઃ ઇન્ટરનેટ પરની ઇલેક્ટ્રોનિક કેશ સિસ્ટમ’ વિષયે એક સંશોધન લેખ લખ્યો હતો. લેહમેન બ્રધર્સ જેવી શક્તિશાળી આંતરષ્ટ્રીય નાણાકીય સંસ્થાએ નાદારી નોંધાવતાં વિશ્વમાં ઊભી થયેલી નાણાકીય કટોકટી પછી આ લેખ લખવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૦૮ની નાણાકીય કટોકટીએ સંપૂર્ણ વિશ્વાસભંગની સ્થિતિ સર્જી દીધી હતી અને નાણાકીય કંપનીઓનાં વલણો સામે સવાલ ખડા કરી દીધા હતા.

હયાત નાણાકીય ચલણ અને બેન્કિંગ સિસ્ટમ ભ્રષ્ટ અને ગણતરીનાં પરિબળોના દોરીસંચારથી ચાલતી હોવાનો અહેસાસ થઇ જતાં સંતોષીએ બિટકોઇન નામે એક નવી ડિજિટલ કરન્સી સિસ્ટમનો વિચાર વહેતો મૂક્યો હતો. એવી સિસ્ટમ કે જે ક્રિપ્ટોગ્રાફી અને બ્લોકચેઇનનો ઉપયોગ કરીને નાણાકીય વ્યવહાર કરતી હોય. બિટકોઇન સિસ્ટમ તે નાણાકીય સંચાલનમાં ધડમૂળથી ફેરફાર કરનારી હતી, કારણ કે તેણે વર્તમાન મધ્યસ્થ બેન્કની બેન્કિંગ સિસ્ટમથી અલિપ્ત રહીને નાણાકીય સિસ્ટમ ઊભી કરવાનો સંદેશો આપ્યો હતો. આમ તો રાષ્ટ્રોથી પર રહીને સંચાલિત (ડિનેશનલાઇઝડ) આ ડિજિટલ કરન્સી સિસ્ટમની રચનામાં ટેકનોલોજીએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે, પરંતુ તે આર્થિક પાયો પણ ધરાવે છે. લુડવિગ વોન માઇઝિસ અને ફ્રેડરિક હાયેક જેવા અર્થશાસ્ત્રીઓએ પણ બેન્કોને પોતાની આગવી કરન્સી બહાર પાડવાની છૂટછાટ આપવાની તરફદારી કરીને ડિનેશનલાઇઝડ કરન્સીની તરફેણ કહી હતી. કેન્દ્રીય કૃત બેન્કોની નાણાકીય વ્યવસ્થા પહેલાના ભૂતકાળના યુગમાં લઇ જવાની તે વાત હતી. બિટકોઇન આમ ખૂબ જ રૂઢિચુસ્ત નાણાકીય વ્યવસ્થાની વાત કરે છે.

તે પછી તો બિટકોઇન એક વાસ્તવિકતા બની રહી. અનેક નાણાકીય એજન્સીઓ પોતાની ખાનગી ક્રિપ્ટોકરન્સીની ઓફર કરવા લાગી. પરંતુ આ ઉન્માદમાં બિટકોઇન અને અન્ય ક્રિપ્ટોકરન્સીને નાણાકીય વ્યવહારમાં અમલમાં લાવવાનો મૂળ હેતુ જ વિસરાઇ ગયો.

નાણા મહદઅંશે ત્રણ વ્યાપક ભૂમિકા નિભાવતા હોય છે. પ્રથમ તો તે આદાનપ્રદાનનું માધ્યમ છે, ખાતા એકમ છે અને તે એક સ્ટોર વેલ્યૂ ધરાવે છે. પરંતુ ક્રિપ્ટોકરન્સી આ ત્રણ પૈકીનો એક પણ હેતુ પૂરો નથી કરી રહી. તેના બદલે ક્રિપ્ટોકરન્સીએ ક્રિપ્ટો એસેટનું રૂપ લઇ લીધું. કોઇ બિઝનેસ મોડેલ વિના જ અન્ય સિક્યુરિટીની જેમ તેનું ટ્રેડિંગ પણ શરૂ થઇ ગયું. તે તબક્કે તો આ નવી ડિજિટલ સિસિટમે બાકીના ચલણ સામે કોઇ પડકાર નહોતો ખડો કર્યો અને અસ્તિત્વમાં રહેલી મધ્યસ્થ બેન્ક સંચાલન વ્યવસ્થાએ પણ તે નવી વ્યવસ્થાને નજરઅંદાજ કરી હતી. પરંતુ તે પછી કેટલીક ક્રિપ્ટોકરન્સીનો અપરાધિક હેતુસર ઉપયોગ થવા લાગ્યો અને ભારત સહિતના કેટલાક દેશોએ ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકી દીધો.

વર્ષ ૨૦૧૮માં ફેસબુકે પોતાના સબસ્ક્રાઇબર્સ માટે લિબ્રા નામે નવી ડિજિટલ કરન્સીની દરખાસ્ત મૂકી. લિબ્રા એટલે ફેસબુક સબસ્ક્રાઇબર્સ દ્વારા ચુકવણી અને ટ્રાન્સફરમાં ઉપયોગી થઇ શકે તેવી ક્રિપ્ટોકરન્સી. આ કરન્સી સ્થિર રહેવાની શક્યતા વધુ હતી કારણ કે તે કરન્સી સરકારો દ્વારા વર્તમાનમાં અમલી ચલણોના ભંડોળ આધારિત સંચરના ધરાવતી હતી. પરંતુ તેથી કરીને મધ્યસ્થ બેન્કો જ સફાળા જાગી ગઇ. મધ્યસ્થ બેન્કોએ પોતાની જ અર્થાત સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સી (સીબીડીસી) અમલમાં મૂકવાની દિશામાં વિચારણા કરવાનું શરૂ કરી દીધું. આ તમામ ઘટનાક્રમ સંતોષીને નિરાશ કરી રહ્યા હતા. પ્રથમ તો ક્રિપ્ટોકરન્સીએ ક્રિપ્ટોએસેટ્સનું રૂપ લઇ લીધું અને તે પછી તેમણે કરેલી વિચારણાએ જ સીબીડીસી જેવા ચલણની પહેલને જન્મ આપ્યો.

ક્રિપ્ટોકરન્સીના વર્તમાન મૂલ્ય વધારાને સમજવો અઘરો છે. વિશ્વ જો એક ચલણના રૂપમાં ઇચ્છતું હોત તો આ ઉન્માદ સમજી શકાય તેવો છે. પરંતુ બિટકોઇન યૂઝર બેઝ કાંઇ નોંધપાત્ર સંખ્યામાં નથી જ. એલન મસ્કે બિટકોઇનની તરફેણમાં કરેલી ટ્વિટ સૂચવે છે કે ટેસ્લા બિટકોઇનના સ્વરૂપમાં પેમેન્ટનો સ્વીકાર કરશે. પરંતુ આ તો અપવાદરૂપ ઘટના કહી શકાય. બિટકોઇનર્સ હેયમેન મિનસ્કીએ નાણા વિષે ઉચ્ચારેલા શબ્દો ભૂલી ગયા કે, ‘કોઇપણ વ્યક્તિ નવું ચલણ બહાર પાડી શકે છે, પ્રશ્ન તેના સ્વીકારનો છે.’

નાણા કે ચલણના સ્વીકાર્યતાને મુદ્દે શાસન મહત્ત્વની ભૂમિકા નિભાવે છે. શાસન પોતાના નાગરિકોને માત્ર દેશના ચલણમાં જ કરવેરા ભરવાનો આદેશ કરીને બાકીના તમામ ચલણ પર સરળતાથી પ્રતિબંધિત કરી શકે છે. તેવામાં કોઇ દેશ ક્રિપ્ટોકરન્સીને કાનૂની ચલણ જાહેર ના કરે ત્યાં સુધી બિટકોઇન જેવી ક્રિપ્ટોકરન્સી માટે કદી તક નહીં ઊભી થાય.

બિટકોઇન માટેનો આ ઉન્માદ આપણને ચાર્લ્સ કિંડલબર્જરના નોંધપાત્ર પુસ્તક- ‘મેનિઆસ, પેનિક્સ એન્ડ ક્રેશિસઃ અ હિસ્ટ્રી ઓફ ફાયનાન્સિયલ ક્રાઇસિસ’ની યાદ અપાવે છે. મોટાભાગના નાણાકીય ઉન્માદનું સર્જન ઇઝી મની – ક્રેડિટથી થાય છે. તે થકી ઊભા થયેલા નાણાનું જ નવી રોકાણ વ્યવસ્થામાં રોકાણ થતું હોય છે. તેને કારણે રોકાણકર્તા કંપની કાચી પડતાં કે તેની નીતિઓમાં ફેરફાર થતાં ઉન્માદથી શરૂ થયેલી શરૂઆત રોકાણકારોના ગભરાટમાં તબદીલ થઇ જાય છે અને અંતે દુર્ઘટના સર્જાય છે. વર્ષ ૨૦૦૮ની નાણાકીય કટોકટી અને વર્ષ ૨૦૨૦ મહામારીમાં નાણાકીય બજારોમાંથી તરલતા (લિક્વિડિટી) જ ગાયબ થઇ ગઇ. આ જ સમયગાળામાં માત્ર બિટકોઇન જ નહીં પરંતુ અન્ય એસેટ્સના મૂલ્યમાં પણ અણધાર્યો વધારો થયો. પ્રશ્ન એ છે કે આ ઉન્માદ ક્યારે શમશે?

રોકાણકારો આવી ઉન્માદભરી સ્થિતિમાં લલચાય તે સ્વાભાવિક છે. પરંતુ તેમણે જોન મેનાર્ડ કેયનર્સના શબ્દોને યાદ કરવાની જરૂર છે. મેયનાર્ડ કહે છે કે, ‘બજારો તાર્કિક રહેતા હોય તેની તુલનામાં બિનતાર્કિક લાંબો સમય રહેતા હોય છે.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન