મુંબઇ: ભાજપાનો શિવસેનાને જોરદાર ઝાટકો, મહાપાલિકામાં સત્તાના સમીકરણ બદલાશે? - Sandesh
NIFTY 10,565.30 +39.10  |  SENSEX 34,427.29 +95.61  |  USD 65.7900 +0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • મુંબઇ: ભાજપાનો શિવસેનાને જોરદાર ઝાટકો, મહાપાલિકામાં સત્તાના સમીકરણ બદલાશે?

મુંબઇ: ભાજપાનો શિવસેનાને જોરદાર ઝાટકો, મહાપાલિકામાં સત્તાના સમીકરણ બદલાશે?

 | 9:50 pm IST

બૃહદમુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સફળતા મળ્યા બાદ પણ ભાજપે શિવસેનાને સત્તા હાંસલ કરવાનો રસ્તો કરી આપ્યો હોવા છતાં આગામી દોઢેક વરસમાં મહાપાલિકામાં સત્તાના સમીકરણ બદલાઈ શકે છે એવી ચર્ચા રાજકીય વર્તુળમાં શરૃ થઈ છે. ભાંડુપની પેટા ચૂંટણીમાં જીત મેળવી ભાજપ એક કદમ આગળ વધ્યો હોવાથી સેનાએ હવે સાવધ રહેવું પડશે.

બુધવારે ભાંડુપના વોર્ડ ક્રમાંક 116ની થયેલી પેટા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પ્રમિલા પાટિલનાં પુત્રવધૂ જાગૃતિ પાટિલનો પાંચ હજાર મતે ભવ્ય વિજય થયો હતો. જાગૃતિ પાટિલને 11,229 મત મળ્યા હતા જ્યારે શિવસેનાનાં મીનાક્ષી પાટિલને 6,337 મત મળ્યા હતા.

મુંબઈ મહાપાલિકામાં શિવસેનાના 84 નગરસેવક છે. સેનાને ચાર અપક્ષ નગરસેવકોનું પીઠબળ હોવાથી એનું સંખ્યાબળ 88 જેટલું થયું છે. આમ છતાં બહુમતીથી એ દૂર હોવાથી ભાજપે મેયરની ચૂંટણીમાં સેનાને ટેકો આપ્યો હોવા છતાં એ સત્તામાં સહભાગી નથી. અત્યાર સુધી ભાજપનું સંખ્યાબળ શિવસેના કરતાં માત્ર બે બેઠક જેટલું જ ઓછું છે. હવે ભાંડુપની પેટા ચૂંટણીમાં જાગૃતિ પાટીલ વિજયી બનતાં પાલિકામાં ભાજપના નગરસેવકનો આંકડો 83 પર પહોંચ્યો છે. ભાજપને બે અપક્ષ નગરસેવકોએ ટેકો આપ્યો છે.

ભાજપનાં નગરસેવિકા અને મુંબઈના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર શૈલજા ગિરકરનું તાજેતરમાં અવસાન થયું હોવાથી આગામી છ મહિનામાં પેટા ચૂંટણી યોજાશે. એમાં ભાજપના ઉમેદવારનો વિજય થયો તો બંને પક્ષો, સેના અને ભાજપના ઉમેદવારોની સંખ્યા 84 થશે. ત્યાર બાદ પાલિકામાં નવા સમીકરણો રચાવાની શક્યતા છે. એટલે 2019 સુધી સેનાના મેયર પદ પર સંકટ નથી, પરંતુ ત્યાર બાદ ચિત્ર બદલાઈ શકે છે. એમાં જાતિ પ્રમાણપત્ર અંગેનો ચુકાદો પણ મહત્ત્વનો પુરવાર થઈ શકે છે.

પિછલી બાર તો ઉનકો છોડ દિયા થા…પણ હવે અમારો મેયરઃ કિરીટ સોમૈયા
ભાંડુપની પેટા ચૂંટણીમાં દમદાર વિજય મેળવ્યા બાદ ભાજપના સાંસદ કિરીટ સોમૈયાએ ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતા કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની ઉદ્ધતાઈ હવે ઓછી થશે કે? પાલિકામાં શિવસેનાના 84 અને ભાજપના 83 નગરસેવકો છે. અને હું ઉદ્ધવ ઠાકરેને આહ્વાન આપું છું કે ટૂંક સમયમાં આ પરિસ્થિતિ બદલાશે અને ભાજપની 84 અને શિવસેનાની સંખ્યા 83 થશે અને મેયર પદે અમારો ઉમેદવાર બિરાજમાન થશે. એ સાથે તેમણે ઉમેર્યું હતું કે, કોન્ટે્રક્ટર માફિયા વિરુદ્ધ આટલા આક્ષેપો થયા હોવા છતાં શિવસેનાએ એમાંથી બોધપાઠ લીધો નહીં અને એનો પરાજય થયો. મહાપાલિકાની ચૂંટણી ટાણે કિરીટ સોમૈયાએ શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની ઘણી ટીકા કરી હતી અને શિવસેનાએ એનો જવાબ પણ આપ્યો હતો. જોકે ભાંડુપ પેટા ચૂંટણીમાં થયેલા પરાજય બાદ સૌમૈયાએ ફરી શિવસેના પર શાબ્દિક હુમલા શરૂ કર્યા છે.

ભાંડુપમાં વિજય મેળવ્યા બાદ આશિષ શેલારે પૂછયું, હવે કહો કોણ ગાંડો થયો?
વોર્ડ ક્રમાંક 116માં થયેલી પેટા ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભાજપના મુંબઇ પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલારે ટ્વિટર પર શિવસેનાને ટોણો મારતાં કહ્યું હતું કે, ભાડુંપની પેટા ચૂંટણીમાં મોટા મોટા બણગાં ફૂંકનારાઓને મોટી લપડાક પડી છે. આ વિજયને કારણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વ પર મુંબઈગરાનો વિશ્વાસ અટલ હોવાનું સિદ્ધ થયું છે. આ વિજય વિકાસનો છે. હવે કહો કોણ ગાંડું થયું છે?

2019ની લોકસભાની ચૂંટણી પર બધો મદાર
નગરસેવકોની સંખ્યા સમાન થતા ભાજપ અપક્ષોને પોતાના તરફ ખેંચવાના પ્રયાસો કરી શકે છે એવું જાણકારોનું કહેવું છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં જો ફરી ભાજપે બાજી મારી તો મહાપાલિકા પર કબજો મેળવવો ભાજપ માટે આસાન રહેશે.