ટૉપ સીક્રેટ હતો 'ચાણક્ય' અમિત શાહનો પ્લાન, પાર્ટીના મંત્રીઓને ગંધ સુદ્ધા ના આવી! - Sandesh
  • Home
  • Featured
  • ટૉપ સીક્રેટ હતો ‘ચાણક્ય’ અમિત શાહનો પ્લાન, પાર્ટીના મંત્રીઓને ગંધ સુદ્ધા ના આવી!

ટૉપ સીક્રેટ હતો ‘ચાણક્ય’ અમિત શાહનો પ્લાન, પાર્ટીના મંત્રીઓને ગંધ સુદ્ધા ના આવી!

 | 5:49 pm IST

જમ્મૂ-કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી અને પીડીપીની ગઠબંધનની સરકાર આખરે પડી ભાંગી છે. મહત્વપૂર્ણ વાત એ છે કે, ભાજપના ટોચના નેતાઓ તરફથી લેવામાં આવેલા આ નિર્ણયની રાજ્યના તેના જ મંત્રીઓ કે નેતાઓને ગંધ સુદ્ધા આવી ન હતી.

ગઈ કાલે સોમવારે જાણવા મળ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે જમ્મૂ-કાશ્મીરમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈના, પાર્ટીના મહાસચિવ (સંગઠન) અશોક કૌલ અને રાજ્ય સરકારમાં શામેલ મંત્રીઓને રાજ્યની સ્થિતિની જાણકારી માટે મહત્વપૂર્ણ બેઠક માટે દિલ્હી બોલાવવામાં આવ્યા છે.

નિર્ણય પહેલા અમિત શાહની NSA સાથે મુલાકાત

પોતાની પાર્ટીના લોકોને મળતા પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોવાલને પણ કાશ્મીરની સ્થિતિ પર ચર્ચા-વિચારણા કરવા કહ્યું. શાહ અને ડોવાલ વચ્ચેની મુલાકાત બાદ જ અટકળો લાગવાની શરૂ થઈ ગઈ હતી કે, કંઈક મોટું થવા જઈ રહ્યું છે. પરંતુ બેઠક માટે દિલ્હી આવનારા રાજ્યના ભાજપન તમામ મોટા નેતાઓને એક ગંધ સુદ્ધા ન હતી કે કેન્દ્રીય નેતૃત્વ તરફથી આટલો મોટો નિર્ણય લેવાવવા જઈ રહ્યો છે.

તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, રાજ્યના ભાજપના તમામ મોટા ગજાના નેતાઓ તરફથી એમ કહેવામાં આવતું હતું કે, રાજ્ય સરકારને કોઈ જ ખતરો નથી. ગઠબંધન અતુટ રહેશે. ખુદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ કહ્યું હતું કે, આ બેઠક 2019ની લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવી હતી. આગામી લોકસભાની ચૂંટણીને લઈને બેઠક પર ચર્ચા થશે. આ ઉપરાંત સંગઠનને લઈને પણ વાતચીત થશે.

પરંતુ બેઠક બાદ રાજ્યમાં પીડીપીની સરકારમાંથી ભાજપે અચાનક જ સમર્થન પાછુ ખેંચીને સૌકોઈને ચોંકાવી દીધા. સમર્થન પાછુ ખેંચવાની જાહેરાત કરતા ભાજપના નેતા રામ માધવે કહ્યુ હતું કે, જે મુદ્દઓને લઈને સરકાર બની હતી, તે તમામ મુદ્દે ચર્ચા થઈ. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી કાશ્મીરમાં સ્થિતિ ખુબ જ કથળી છે, જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ મામલે વડાપ્રધાન, ભાજપ અધ્યક્ષ અમિત શાહની સહમતિ લેવામાં આવી હતી.

અમિત શાહ હવે 23 જુને બે દિવસ માટે જમ્મૂની મુલાકાતે જશે.

અમિત શાહનો માસ્ટર પ્લાન

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગઠબંધનમાં મોટી તિરાડ તે સમયે જોવા મળી જ્યારે પીડીપી તરફથી એ વાતને લઈને દબાણ કરવામાં આવતુ હતું કે અલગાવવાદીઓ સાથે વાતચીત કરવામાં આવે, જ્યારે ભાજપ આમ કરવા સહમત ન હતી. ભાજપનું માનવું હતું કે, અલગાવવાદીઓ સાથે વાતચીત કરવાનો હવે કોઈ અર્થ નથી. છેલ્લા કેટલાક સમયથી કાશ્મીર ખીણમાં સતત ઘટી રહેલી ઘટનાઓ બાદ એ તો સ્પષ્ટ માનવામાં આવતું હતું કે કેન્દ્ર સરકાર કંઈક મોટો નિર્ણય લેવા જઈ રહી છે.

પરંતુ એ તો કહેવું જ ઘટે કે, ભાજપનું ટોચનું નેતૃત્વ આ નિર્ણયની જાહેરાત પહેલા પોતાનો પ્લાન ગુપ્ત રાખવામાં સફળ રહ્યું. રાજ્યના મુખ્યમંત્રી મેહબૂબા મુફ્તી સહિત અનેક લોકોને અમિત શાહે હંમેશાની માફક પોતાની રાજકિય ચાલથી ચિત્ત કરી દીધા હતાં.