BJP Congress protest against Bangladesh Communal Violence In Vadodara
  • Home
  • Featured
  • બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વડોદરામાં પડઘા, ભાજપ-કોંગ્રેસ સાથ-સાથ

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના વડોદરામાં પડઘા, ભાજપ-કોંગ્રેસ સાથ-સાથ

 | 4:23 pm IST
  • Share

  • હિન્દુ ધર્મગુરુઓ અને સંગઠનોએ વિશાળ રેલી યોજી વિરોધ નોંધાવ્યો
  • પોસ્ટર,બેનર અને ભજનાવલી સાથે રેલી નિકળી
  • ભાજપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ પણ રેલીમાં જોડાયા

પાકિસ્તાની સેન્યના અત્યાચાર વિરુદ્ધ ભારતની મદદથી વર્ષ 1971માં સ્વતંત્રતા મેળવનાર પાડોશી દેશ બાંગ્લાદેશ આજકાલ ત્યાં અલ્પસંખ્યક હિન્દુઓ પર હિંસક હુમલાને લઈને ચર્ચામાં છે. બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાના ગુજરાતના વડોદરામાં પણ પડઘા પડ્યાં છે. જો કે આ દરમિયાન કાયમ એકબીજાનો વિરોધ કરનારા ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકસાથે જોવા મળ્યા હતા.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલાના વિરોધમાં વડોદરા ખાતે હિન્દુ ધર્મગુરુઓ અને હિન્દુ સંગઠનોએ વિશાળ રેલી યોજી હતી. પોસ્ટર્સ, બેનર અને ભજનવલી સાથે નીકળેલી આ રેલીમાં ભાજપ અને કોંગ્રેસના અગ્રણી નેતાઓ સામેલ થયા હતા અને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાનો વિરોધ નોંધાવ્યો હતો. 

આ રેલીમાં ભાજપના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત પાર્ટીના નેતાઓ ઉપરાંત કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ તેમજ અન્ય પૂર્વ વિપક્ષી નેતાઓ જોડાયા હતા. આ તમામ લોકોએ કલેક્ટરના માધ્યમથી વડાપ્રધાનને આવેદન આપ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળનું પ્રદર્શન
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હિંસક હુમલાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દિલ્હી સ્થિત બાંગ્લાદેશ એમ્બેસીની બહાર પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિશ્વ હિન્દુ પરિષદે બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર થઈ રહેલા હુમલામાં સંયુક્ત રાષ્ટ્ર પાસે દખલગીરીની માંગ કરી છે.

આ સિવાય બજરંગ દળ સહિત અન્ય હિન્દુ સંગઠનો દ્વારા પણ દેશના વિવિધ ભાગોમાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેઓનું કહેવું છે કે, બાંગ્લાદેશમાં ઘણાં સમયથી હિન્દુ પરિવારો પર હુમલા કરવામાં આવી રહ્યાં છે. હિન્દુ મંદિરોને તોડવામાં આવી રહ્યાં છે. આટલું જ નહીં, ત્યાં રહેતી હિન્દુ મા-દીકરીઓની આબરૂ લૂંટવામાં આવી રહી છે. આ ઈસ્લામિક આતંકવાદ છે, જેનો સફાયો થવો જરૂરી છે. તેઓની માંગ છે કે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાને તાત્કાલિક અસરથી રોકવામાં આવે અને ઈસ્લામિક આતંકવાદ પર અંકુશ લગાવવો જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો