2019ને ધ્યાનમાં રાખી વિરોધ પક્ષોના મહાગઠબંધન સામે BJPએ બનાવ્યો 'કોરોમંડળ પ્લાન' - Sandesh
  • Home
  • Featured
  • 2019ને ધ્યાનમાં રાખી વિરોધ પક્ષોના મહાગઠબંધન સામે BJPએ બનાવ્યો ‘કોરોમંડળ પ્લાન’

2019ને ધ્યાનમાં રાખી વિરોધ પક્ષોના મહાગઠબંધન સામે BJPએ બનાવ્યો ‘કોરોમંડળ પ્લાન’

 | 5:31 pm IST

સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી (બીએસપી) વચ્ચે જોડાણ બાદ ઉતર પ્રદેશમાં લોકસભાની બેઠક ઘટવાની આશંકા વચ્ચે ભાજપે તેની ભરપાઈ કરવા માટેનું પ્લાનિંગ હાથ ધરી દીધું છે. ભાજપ વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે કોરોમંડળ સમુદ્દ્રી કિનારે વસતા દક્ષિણી તથા પૂર્વ તટીય વિસ્તારના રાજ્યોમાં પૂર્વોત્તરની માફક જ નાના રાજકીય પક્ષોને સાથે લાવવાની શક્યતા પર વિચાર કરી રહ્યું છે.

પૂર્વોત્તરના રાજ્યોમાં ભાજપે લગભગ બે વર્ષ પહેલા નાના નાના રાજકીય પક્ષો સાથે નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયંસ (નેડા)ની રચના કરી હતી. આ ગઠબંધનના સંયોજકની જવાબદારી કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા આસામના નેતા હેમંત વિશ્વ શર્માએ નિભાવી હતી અને આ ગઠબંધન પાંચ રાજ્યોમાં સરકાર બનાવવામાં સફળ રહ્યું હતું. આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, કેરળ, તમિળનાડુ ઉપરાંત ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના આ રાજ્યોમાં ક્ષેત્રીય પક્ષોનો દબદબો રહ્યો છે. જેના પર ભાજપે નજર ઠેરવી છે.

રામ માધવ અને મુરલીધર રાવની જવાબદારી વધશે

કર્ણાટકમાં સૌથી મોટી રાજકીય પાર્ટીના રૂપમાં સામે આવ્યા બાદ પણ સરકાર બનાવવામાં નિષ્ફળ રહેલા ભાજપનું નેતૃત્વ દક્ષિણ ભારતની રણનીતિ પર મંથન કરી રહ્યું છે. જેમાં ક્ષેત્રીય દળોની સાથે તાલમેલ બેસાડવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે.

પાર્ટી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દક્ષિણમાં આ રણનીતિને આગળ વધારવા માટે બે મહાસચિવો રામ માધવ અને મુરલીધર રાવને જવાબદારી સોંપવામાં આવી છે.

કોરોમંડલ કિનારે વસતા રાજ્યોમાં 150 લોકસભા બેઠકો

વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપનું જોર કોરોમંડળના કિનારે વસેલા રાજ્યોની 150 જેટલી બેઠકો પર વધારે છે. તેમાં પશ્ચિમ બંગાળ (42), તમિળનાડુ (39) ઓરિસ્સા (21) આંધ્ર પ્રદેશ (25) તેલંગણા (17) બેઠકો મહત્વપૂર્ણ છે જ્યાં ક્ષત્રીય દળોનો દબદબો રહ્યો છે.

ગત લોકસભાની ચૂંટણીમાં આંધ્ર પ્રદેશમાં ભાજપે તેલગૂ દેશમ પાર્ટી (તેદેપા) સાથે ગઠબંધન કર્યું હતું અને આ ગઠબંધનને ચૂંટણીમાં સારી એવી સફળતા પણ મળી હતી. જોકે આંધ્ર પ્રદેશ પુનર્ગઠન અધિનિયમની જોગવાઈને લાગૂ કરવાનન મુદ્દે તેલગૂ દેશમ પાર્ટી અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું.

માનવામાં આવે છે કે, આ બંને રાજ્યોમાં ભાજપનું પ્રદેશ એકમ વાઈએસઆર કોંગ્રેસ સાથે સહયોગ પર ભાર આપી રહ્યું છે.

નાના પક્ષોને સાથે રાખી ભાજપ વિજય ધ્વજ લહેરાવશે

આંધ્ર પ્રદેશમાંથી પાર્ટીના નેતાએ કહ્યું છે કે, તમામ શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. સાથે જ ગઠબંધનને પણ મજબુત કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે.

પૂર્વોત્તરની માફક હવે તમિળનાડુમાં ભાજપ વિજયકાંતના ડીએમડીકે, ઈ આર ઈશ્વરનની કેએમડીકે, એસ રામદાસની પીએમકે, વાયકોની એમડીએમકે, એ સી ષગમુગનન્ની પીએનકે જેવા નાના પક્ષો સાથે જોડાણ કરવા પર પણ વિચાર કરી રહી છે.

ઓરિસામાં ભાજપને ફાયદો થવાની આશા

કેરળમાં કોંગ્રેસના નેતૃવ હેઠળના યૂનાઈટેડ ડેમોક્રેટિક ફ્રંટ (યૂડીએફ) અને સીપીએમના નેતૃત્વ હેઠળના (એલડીએફ) ગઠબંધનનું છેલ્લા ચાર વર્ષમાં શાસન રહ્યું છે. તેવામાં ભાજપ રાજ્યમાં ત્રીજી શક્તિ તરીકે બહાર આવવાનો પ્રયાસ કરી રહી છે. આ ક્રમમાં ભાજપ આ રાજ્યમાં ભારત ધર્મા જના સેના (બીડીજેએસ) જેવા સંગઠન સાથે જોડાણ કરવા પર વિચાર કરી રહી છે.

ઓરિસામાં વર્ષ 200થી બીજેડી પ્રમુખ અને મુખ્યમંત્રી નવીન પટનાયકના નેતૃત્વની સરકાર છે. ભાજપને લાગી રહ્યું છે કે, ઓરિસ્સામાં સરકાર વિરોધી વલણનો તેને લાભ મળી શકે છે કારણ કે કોંગ્રેસ અહીં કમજોર બની છે. આ બાબતને ધ્યાનમાં રાખતા જ ગત વર્ષે ઓરિસ્સામાં પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારીણીની બેઠક ઓરિસ્સામાં જ આયોજીત કરવામાં આવી હતી.

ભાજપ અધ્યક્ષ અમિત શાહ પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા, તેલંગાણા, કેરળ, કર્ણાટક જેવા પ્રદેશો પાર્ટી સંગઠનના કાર્યો પર સીધી નજર રાખી રહ્યાં છે જેમાં બુથ સ્તર સુધીથી ફિડબેક લેવામાં આવી રહ્યાં છે. તેમાં વિસ્તાર યોજના, બૂથ સ્તર પર પાર્ટીને મજબુત કરવા અને શક્તિ કેન્દ્રો તથા શક્તિ પ્રમુખોની સુવ્યવસ્થિત શ્રેણી તૈયાર કરવાનો કાર્યક્રમ પણ શામેલ છે.

દેશની 60 ટકા વસ્તી 35 વર્ષથી ઓછી ઉંમરની હોવાને ધ્યાનમાં રાખીને ભાજપે ખાસકરીને કોરોમંડળના આ રાજ્યોમાં પોતાનું અભિયાનના કેન્દ્રમાં યુવાઓ તથા દલિત સહિત સમાજના કમજોર વર્ગને રાખવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન