BJP MLA from Vaghodia Madhu Shrivastav Threat to Officers
  • Home
  • Featured
  • મધુ શ્રીવાસ્તવની ધમકી- ‘અધિકારીઓ કામ ના કરે તો ફીટ કરાવી શકીએ’

મધુ શ્રીવાસ્તવની ધમકી- ‘અધિકારીઓ કામ ના કરે તો ફીટ કરાવી શકીએ’

 | 11:25 pm IST
  • Share

  • વાઘોડિયામાં મધુ શ્રીવાસ્તવની હાજરીમાં સરપંચોની સભા
  • તાલુકા વિકાસ અધિકારી વિરુદ્ધ 67 ગ્રામ પંચાયતોનો બળવો
  • આ અધિકારીઓ દૂધે ધોયેલા નથી: મધુ શ્રીવાસ્તવ

 
વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠક પરથી સતત ચૂંટણી જીતનારા ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ પોતાના વિવાદિત નિવેદનોના કારણે કાયમ ચર્ચામાં રહે છે. આજે પણ તેઓએ વાઘોડિયા ગેસ્ટ હાઉસમાં ગ્રામ પંચાયતોના સરપંચોની મળેલી બેઠકમાં અધિકારીઓને કામ ના કરે તો ફીટ કરાવી દેવાની ધમકી આપી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વાઘોડિયા સહિત 67 ગ્રામ પંચાયતોના સરપંચોની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. વાઘોડિયા તાલુકાના સરપંચની આગેવાનીમાં મળેલી આ બેઠકમાં આસપાસની 67 ગ્રામ પંચાયતોના સરપંચો સહિત વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ખુદ હાજર રહ્યાં હતા.

વાઘોડિયા તાલુકા વિકાસ અધિકારી તુલસી ઠક્કર વિરુદ્ધ 67 ગ્રામ પંચાયતોએ બળવો પોકાર્યો છે. આ બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી પર સંગીન આક્ષેપ કરવામાં આવ્યા હતા.

આ બેઠકમાં સંબોધન કરતાં સમયે મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, આપણે આ લોકોને એવી રીતે સજા આપીએ. આપણા વડે જ આ લોકો અધિકારી છે અને આજ અધિકારી વિકાસના કામ ના કરે તો કેમ ચાલશે. આ અધિકારીઓ દૂધે ધોયેલા નથી. જે કોઈ અધિકારી પ્રજાના કામ નહીં કરે તેવા અધિકારીને લાંચ રુશ્વતમાં પકડાઈ શકીએ ધારીએ તો એટ્રોસિટીમાં ફીટ કરાવી શકીએ. મેં અગાઉ પણ મીડિયામાં કહ્યું હતું કે, હું આવા અધિકારીને એક વખત કહું, બીજી વખત કહુ અને ત્રીજી વખત ઠોક્યા વગર ના રહું.

અગાઉ પણ મધુ શ્રીવાસ્તવ વિવાદાસ્પદ નિવેદનોના કારણે ચર્ચામાં રહી ચૂક્યા છે. અગાઉ સયાજીપુરામાં જિલ્લા પંચાયતના ઉદ્ઘાટન સમયે મધુ શ્રીવાસ્તવ બોલ્યા હતા કે, પોલીસ તંત્ર અને કલેક્ટર તેઓના ખિસ્સામાં છે. કોઈની તાકાત નથી કે મારો કોલર પકડીને બતાવે. હુ આઝાદ છું.

આ સિવાય કોર્પોરેશનની ચૂંટણી સમયે પણ મધુ શ્રીવાસ્તવ પત્રકારોના પ્રશ્નોથી અકળાઈ ઉઠ્યા હતા. એક પ્રશ્નના જવાબમાં મધુ શ્રીવાસ્તવે મીડિયા કર્મીને ઓન કેમેરા ધમકી પણ આપી હતી કે, સીધા પ્રશ્નો પૂછજે, નહીં તો અહીં માણસને કહીને ઠોકાવી દઈશ.
 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો