BJP MLA Kanti Gamit's granddaughter's wedding violates Corona guidelines
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ભાજપના પૂર્વ MLA કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં છેડેચોક નિયમોનો ભંગ, 6000 લોકોના જીવ જોખમમાં મૂક્યા

ભાજપના પૂર્વ MLA કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં છેડેચોક નિયમોનો ભંગ, 6000 લોકોના જીવ જોખમમાં મૂક્યા

 | 2:52 pm IST
  • Share

આખા ગુજરાતમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યો છે ત્યારે સરકાર અને પોલીસ પણ એક્શનમાં આવી ગઇ છે અને લોકોને કોરોના માહામારીમાં ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી રહી છે. જો કોઇ વ્યક્તિ માસ્ક વગર જાહેરમાં જોવા મળે તો તેને દંડ પણ ફટકારવામાં આવે છે. ત્યાં જ રાજ્ય સરકાર દ્વારા વડોદરા, અમદાવાદ, સુરત અને રાજકોટમાં રાત્રિ કરફ્યૂ પણ લાદી દેવામાં આવ્યું છે. આ ચાર શહેરોમાં તો રાત્રિ દરમિયાન લગ્નનું આયોજન કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ત્યાં જ જો કોઇ લગ્નમાં લોકો માસ્ક વગર હોય અથવા સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતું હોય ત્યાં અધિકારીઓ પહોંચી મસમોટો દંડ પણ ફટકારી રહ્યા છે. જેનો પ્રથમ કિસ્સો સુરતમાં પણ બન્યો હતો.

બીજી તરફ કોરોના મહામારી દરમિયાન ભાજપના નેતાઓ દ્વારા કોરોના ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરવાના અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભાજપ નેતા દ્વારા 6000થી વધુ લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા છે. ભાજપ નેતાએ પોતાની પુત્રીના લગ્નમાં એક જાહેર કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જેમા લગભગ 6000થી વધુ લોકો જોડાયા હતા. અને આ લગ્ન સમારંભમાં કોરોના ગાઇડલાઇનનાં ધજાગરા ઉડ્યા હતા.

તાપી જિલ્લાના ભાજપના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીના લગ્નમાં કોરોના ગાઇડલાઇનના ધજાગરા ઉડ્યા હતા. આ લગ્નમાં 6000થી વધુ લોકો સામેલ થયા હતા. અને લોકો માસ્ક પહેર્યા વગર ડાન્સ કરી રહ્યા હતા. કોરોના મહામારીમાં પણ આટલી મોટી સંખ્યામાં લોકોને બોલાવવા ન જોઇએ તેટલી સામાન્ય સમજણ પણ પૂર્વ ધારાસભ્યમાં જોવા ન મળી અને પોતાની પૌત્રીની ઉજવણીમાં ઘેલા બનેલા ધારાસભ્ય કાંતિ ગામિતે લોકોના જીવ જોખમમાં મૂક્યા હતા.

આ લગ્ન સમારંભમાં લોકો માસ્ક વગર જ ફરી રહ્યા હતા તેમજ સોશિયલ ડિસ્ટન્સ તો સહેજ પણ જળવાયું ન હતું. જોકે સ્થાનિક પોલીસે પણ આટલી મોટી સંખ્યામાં લોકો અહિં એકઠા થયા  છતા તેમની સામે કોઇ પગલા ભર્યા ન હતા. આ લગ્ન સમારંભમાં સ્થાનિક પોલીસ મૂકપ્રેક્ષક બની ગઇ હતી. અને લોકોએ સીધે સીધુ કોરોના મહામારીને આમંત્રણ આપ્યું હતું.

મહત્વની વાત તો એ છે કે, પૂર્વ ધારાસભ્યએ પોતાના વિસ્તારમાં લોકોની સેવા કરવી જોઇએ અને કોરોના મહામારી જેવા કપરા સમયમાં આ વાયરસ વધારે ફેલાય નહી તેવું કામ કરવા જોઇએ. ત્યારે ભાજપના પૂર્વ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય દ્વારા જ હજારો લોકોના જીવ સાથે ચેડા કર્યા તે ખુબ જ મોટી લાપરવાહી ગણી શકાય.

ઉલ્લેખનિય છે કે, રાજ્યમાં કોરોના મહામારીનું સંંક્રમણ ખુબ જ વધી ગયું છે, ત્યારે તબીબો પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે, ઘરમાં કોઇ મોટા આયોજનો કરવા નહી તેમજ બને એટલું કોરોના ગાઇડલાઇનનું પાલન કરવું જોઇએ. ત્યારે કાંતિ ગામિત જેવા નેતાઓ તબીબોની મહેનત પર પાણી ફેરવી રહ્યા છે.

ત્યારે આ મામલો સંદેશ ન્યૂઝમાં આવતા તાપી તાલુકાના પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતે બચવાનો પ્રયાસ કર્યો હતો અને પૌત્રીના લગ્ન નહીં પણ માત્ર સગાઇનો કાર્યક્રમ હોવાનું જણાવી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. અહિં એ પણ સવાલ ઉભો થાય છે કે, રાજ્ય સરકાર દ્વારા કોઇ પણ કાર્યક્રમ નહી કરવાના સીધા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે ભાજપના જ  નેતા દ્વારા આવા તાયફા શા માટે કરવામા ંઆવે છે. આ પહેલા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પણ ભાજપના તમામ નેતાઓને તમામ કાર્યક્રમ રદ્દ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે છતાં આ પ્રકારના કાર્યક્રમ કરી ભાજપના નેતા કાંતિ ગામિત શું સાબિત કરવા માંગે છે. આ મામલે પોલીસની ભૂમિકા પણ શંકાસ્પદ જણાઇ રહી છે કારણ કે લોકમુખે થતી ચર્ચા મુજબ પોલીસની બેદરકારી વગર આવડો મોટો જમાવડો શક્ય જ નથી.

જોકે હંમેશા માફક નિદ્રાધિન તંત્ર મોડે-મોડે જાગ્યું છે અને આ મામલે રાજ્ય ગૃહ મંત્રી પ્રદીપસિંહ જાડેજા દ્વારા તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. ત્યારે તાપીમાં નિયમ ભંગ મામલે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામીતના પુત્ર જીતુભાઈ ગામીત સામે ગુનો નોંધાયો છે. સોનગઢ પોલીસે જીતુભાઈ ગામીત વિરૂદ્ધ એપિડેમિક એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન