BJPના MLA પાસેથી પ્રશ્નોત્તરીના કોરા ફોર્મ ઉપર સહીઓ કરાવાઈ

38

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં સરકારની વાહવાહ થાય તે માટે પ્રશ્નોત્તરીના કોરાં ફોર્મમાં ભાજપના કેટલાક ધારાસભ્યો પાસેથી સહીઓ કરાવી લેવામાં આવી છે, કોરાં ફાર્મ પર સરકારે કરેલી કામગીરીના વધુને વધુ ગુણગાન ગવાય તેવા પ્રશ્નોનો મારો ચલાવાશે. ચૂંટણી વર્ષ હોવાથી ભાજપના સિનિયર ધારાસભ્યોને આ કામગીરી સુપરત કરાઈ છે. અલબત્ત, સરકારની વાહવાહી પાછળ આમ જનતાના સળગતાં પ્રશ્નો બાજુએ હડસેલાઈ જાય છે.

ગુજરાતમાં ચૂંટણી વર્ષ હોવાથી વર્તમાન સરકારનું આ છેલ્લું બજેટ સત્ર છે. સત્રમાં રાજ્ય સરકારે કરેલી કામગીરીનો વધુમાં વધુ પ્રચાર પ્રસાર થાય તે માટે ભાજપના કેટલાક ધારાસભ્યો પાસેથી પ્રશ્નોત્તરીના કોરાં ફોર્મ પર એડ્વાન્સમાં જ સહીઓ કરાવી લેવાઈ છે એટલે કે આ ફોર્મ પર એવા જ પ્રશ્નો પૂછાશે જેમાં રાજ્ય સરકારની વાહવાહ થઈ શકે તેમ સૂત્રો કહે છે. વિધાનસભા સત્ર ૨૦મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યું છે અને ૨૧મીએ બજેટ રજૂ કરાશે. અત્યાર સુધીમાં વિધાનસભામાં સત્તાપક્ષ અને વિપક્ષના ૩૮૦૦થી વધુ પ્રશ્નો નોંધાઈ ચૂક્યા છે. પહેલી માર્ચ સુધીમાં લેખિતમાં પ્રશ્નો પૂછી શકાશે. ચૂંટણી વર્ષ હોવાથી પ્રશ્નોનો મોટી સંખ્યામાં મારો ચાલશે.

બીજી તરફ વિરોધ પક્ષ કોંગ્રેસ પણ ગૃહમાં આકરા તેવર બતાવશે, જેને કારણે સત્ર તોફાની બની રહેવાનું છે. કોંગ્રેસના ધારાસભ્યો સરકારની નિષ્ફળતાં, અધૂરી કામગીરી જેવા પ્રશ્નોનો મારો ચલાવી સરકારની નિષ્ફળતા ઉજાગર કરવા પ્રયાસ કરશે. એકંદરે ચૂંટણી વર્ષ હોવાથી સત્રમાં ધાંધલ ધમાલના દૃશ્યો ભજવાશે તે નક્કી છે.