bjp-national-executive-meeting-pm-statement
  • Home
  • Featured
  • કારોબારીની મીટિંગમાં PM મોદીનું મોટું નિવેદન, ‘આગામી આટલા વર્ષ ભાજપનું રહેવું નિશ્વિત’

કારોબારીની મીટિંગમાં PM મોદીનું મોટું નિવેદન, ‘આગામી આટલા વર્ષ ભાજપનું રહેવું નિશ્વિત’

 | 7:15 am IST

દિલ્હીમાં આયોજિત ભાજપની કારોબારીના સમાપન ભાષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના નેતા અને કાર્યકરોને અજેય ભારત અટલ ભાજપનો નારો આપ્યો હતો. મોદીએ જણાવ્યું હતું કે, ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં ભાજપને પડકાર આપવામાં વિપક્ષ સક્ષમ નથી. આગામી ૫૦ વર્ષ સુધી અમને કોઇ પડકારી શકશે નહીં કારણ કે તેઓ મુદ્દા પર નહીં પરંતુ જુઠ્ઠાણાના આધારે લડાઇ લડી રહ્યાં છે. આપણા દેશની સમસ્યા એ છે કે જે લોકો સરકાર ચલાવવામાં નિષ્ફળ ગયાં તેઓ વિપક્ષમાં પણ નિષ્ફળ રહ્યાં છે. અમે નીતિઓ આધારિત લડાઇ લડવા તૈયાર છીએ પરંતુ જુઠ્ઠાણા સામે કેવી રીતે લડવું તે અમે જાણતા નથી. મહાગઠબંધનમાં નેતૃત્વનું કોઇ ઠેકાણું નથી. તેમની નીતિઓ સ્પષ્ટ નથી અને તેમની નિયત ભ્રષ્ટ છે. જાવડેકરે  જણાવ્યું હતું કે, મોદી સરકાર ફરી સત્તામાં આવશે. વિપક્ષ પાસે  નેતા, નીતિ કે રણનીતિનો અભાવ છે. તેથી એજન્ડા વગરનો   વિપક્ષ હતાશામાં ગરકાવ થઇ નકારાત્મક રાજનીતિ કરી રહ્યો છે.  જ્યારે વડા પ્રધાન મોદી દેશના સૌથી લોકપ્રિય નેતા છે.  વિપક્ષનો એકમાત્ર એજન્ડા વડા પ્રધાન મોદીને સત્તા પરથી  હટાવવાનો છે.

2022 સુધીમાં નવા ભારતના નિર્માણનો ઠરાવ

ભાજપ કારોબારીની બેઠકના બીજા દિવસે વર્ષ ૨૦૨૨ સુધીમાં નવા ભારતના નિર્માણની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતો ઠરાવ પસાર કરાયો હતો. રાજનાથ સિંહે રાજકીય પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં જણાવવામાં આવ્યું છે કે, ૨૦૨૨ સુધીમાં દેશમાંથી જાતિવાદ, સંપ્રદાયવાદ, આતંકવાદ અને નકસલવાદ નાબૂદ થઈ જશે. છેલ્લા ચાર વર્ષમાં વિકાસના ઘણા કામો થયાં છે. ૨૦૨૨ સુધીમાં નવા ભારતનું નિર્માણ થઈ જશે. મોદી સરકાર પાસે દૃષ્ટિકોણ, ધીરજ અને કલ્પના છે. મોદી સરકારના કામો જોઈ શકાય છે. ૨૦૨૨ સુધીમાં ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન સાકાર થતાં દેશમાં કોઈ ગરીબ કે બેઘર નહીં રહે. ન્યૂ ઈન્ડિયાનું સ્વપ્ન વિઝન, પેશન અને ઈમેજિનેશનથી સફળ બનશે. દેશમાં ઈનોવેશન કલ્ચરનો પ્રારંભ થયો છે. દેશની જનતા પોતાના વિકાસની સાથે સાથે દેશના વિકાસમાં પણ ભાગીદાર બની રહી છે.

રાજકીય ઠરાવમાંથી રામમંદિર અને રાફેલ ગાયબ

ભાજપના રાજકીય ઠરાવમાં રામમંદિર કે રાફેલ યુદ્ધવિમાન સોદાને સ્થાન અપાયું નથી. જાવડેકરે જણાવ્યું હતું કે, ભાજપ કારોબારીની બેઠકમાં રામમંદિર મુદ્દે કોઈ ચર્ચા પણ હાથ ધરાઈ નહોતી. તેમણે જણાવ્યું હતું કે, ઠરાવમાં રાફેલ સોદાનો પણ ઉલ્લેખ કરાયો નથી. અમને તેની જરૂર લાગી નથી. ભ્રષ્ટાચારનો આરોપ મૂકી રહેલા લોકોએ સમજવું જોઈએ કે આ સોદામાં ક્વાત્રોચી જેવો કોઇ વચેટિયો નહોતો.