BJP open to talks with Shiv Sena, remains adamant on Fadnavis CM
  • Home
  • Assembly Election
  • શિવસેનાએ આપેલા અલ્ટિમેટમને ભાજપનો જોરદાર જવાબ, આપ્યો માત્ર 24 કલાકનો સમય

શિવસેનાએ આપેલા અલ્ટિમેટમને ભાજપનો જોરદાર જવાબ, આપ્યો માત્ર 24 કલાકનો સમય

 | 12:04 am IST

મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગે કોકડું હજુ પણ ગુંચવાયેલું છે. શિવસેનાએ ભાજપને 48 કલાકનું અલ્ટીમેટમ આપતા જણાવ્યું છે કે, જો એ દરમિયાન જવાબ નહીં આવે તો તેનો પ્લાન-B તૈયાર છે. જેના જવાબમાં ભાજપના મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી સુધીર મુનગંટીવારે જણાવ્યું છે કે, મુખ્યમંત્રી તો દેવેન્દ્ર ફડણવીસ જ બનશે અને ભાજપ ટૂંક સમયમાં સરકાર બનાવશે. હવે શવિસેનાએ નક્કી કરવાનું છે કે તે સરકાર બનાવવા ક્યારે પગલું ભરે છે. 

મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના ઘરે યોજાયેલી બેઠક બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે પણ કહ્યું હતું કે, પ્રજાએ ભાજપ-શિવસેના ગઠબંધનને જનાદેશ આપ્યો છે. અમે શિવસેનાને એક પ્રસ્તાવ મોકલ્યો છે અને અમને તેમની તરફથી કોઈ પ્રસ્તાવ મળ્યો નથી. અમે આગામી 24 કલાક સુધી આ દરખાસ્તને લઈ પ્રતિક્ષા કરશું. અમારા દરવાજા ખુલ્લા છે. જોકે પાટીલે શું પ્રસ્તાવ મોકલ્યો છે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

આજે મંગળવારે ફરી એક વાર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજ્યમાં આગામી મુખ્યમંત્રી તો શિવસેનાના જ હશે. છેલ્લા 5 દિવસમાં રાઉતે બીજી વખત આવું નિવેદન આપ્યું હતું. તેમણે દાવો કર્યો છે કે, તેમની પાસે 171 ધારાસભ્યોનું સમર્થન છે અને તે સંખ્યા 175 થઈ શકે છે.

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના સલાહકાર કિશોર તિવારીએ રાજ્યમાં સરકાર ગઠન વિશે ચાલી રહેલી ખેંચતાણને ખતમ કરવા માટે સંઘ પ્રમુખ મોહન ભાગવતને પત્ર લખ્યો છે. આ પત્રમાં તેમણે સંઘ પ્રમુખને આગ્રહ કર્યો હતો કે તેઓ સરકાર ગઠન વિશે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી સાથે મધ્યસ્થતા કરાવે. જેથી ભાજપ અને શિવસેના વચ્ચે ચાલી રહેલી ખેચતાણનો સહમતીથી ઉકેલ લાવી શકાય.

શિવસેના-એનસીપી ગઠબંધનને લઈને ચર્ચા

બીજેપી-શિવસેના ગઠબંધનની સરકાર હજી સુધી બની નથી ત્યારે હવે શિવસેના અને એનસીપી સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કરી શકે છે. તેમાં અપક્ષના 8 ધારાસભ્યો સામેલ થઈ શકે છે. કોંગ્રેસ તેમને બહારથી સમર્થન કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, એનસીપીના એક ધારાસભ્યએ દાવો કર્યો છે કે, એનસીપી શિવસેના સાથે સરકાર બનાવવા માંગે છે. જોકે આ વિશે સત્તાવાર હજી કોઈ નેતાઓએ નિવેદન આપ્યું નથી.

કંઈક આવી હોઈ શકે છે ફોર્મ્યૂલા

એનસીપી ધારાસભ્યના જણાવ્યા પ્રામણે, અમે ભાજપ-શિવસેના સામે 1995 વાળી ફોર્મ્યૂલા આગળ રાખી છે. તે સમયે મુખ્યમંત્રી પદ શિવસેના પાસે હતું અને ઉપમુખ્યમંત્રીનું પદ ભાજપ પાસે હતું. આ પહેલાં શિવસેના નેતા સંજય રાઉત અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી મુલાકાત વખતે પણ આ બંને પક્ષ ભેગા થઈને સરકાર બનાવે તેવી અટકળો સાંભળવા મળી હતી.

ભાજપ નેતાએ આલાપ્યો જુદો રાગ

મહારાષ્ટ્રના પર્યટન મંત્રી જયકુમાર રાવલે કહ્યું કે, પાર્ટી કાર્યકર્તાઓનું કહેવું છે કે, ભાજપે શિવસેના સાથે ગઠબંધન ન કરવું જોઈએ. અમને ફરી મોકો આપો, અમે ફરી ચૂંટણી લડીશું અને આ વખતે જીતીશું. આમ શિવસેનાએ આપેલા અલ્ટિમેટમ બાદ ભાજપ વધારે આક્રમક બન્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન