ભાજપ વિરુદ્ધ વિપક્ષોનું ગઠબંધન જનતાની લાગણી છેઃ રાહુલ ગાંધી - Sandesh
  • Home
  • India
  • ભાજપ વિરુદ્ધ વિપક્ષોનું ગઠબંધન જનતાની લાગણી છેઃ રાહુલ ગાંધી

ભાજપ વિરુદ્ધ વિપક્ષોનું ગઠબંધન જનતાની લાગણી છેઃ રાહુલ ગાંધી

 | 1:14 am IST

મુંબઈ, તા. ૧૩

મહારાષ્ટ્રના પ્રવાસે આવેલા કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે મુંબઈમાં માત્ર અઢી મિનિટની પત્રકાર પરિષદમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) પર ટીકા કરી હતી. જો કે, મહાઆઘાડીના નેતા કોણ બનશે એ અંગે રાહુલે ભેદી મૌન સેવ્યું હતું.

તેમણે જણાવ્યું હતું કે, વિપક્ષોનું મહાગંઠબંધન બને એ જનતાની ઇચ્છા છે. એવું મહાગંઠબંધન જે ભાજપ, આરએસએસ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો કરી શકે, એવું રાહુલે જણાવ્યું હતું. મોદી સરકાર સમાજમાં નફરત ફેલાવી રહી છે, ફૂટ ઊભી કરી રહી છે અને દેશનાં યુવાઓ અને ખેડૂતોને દગો દઈ રહી છે, એવો આક્ષેપ રાહુલ ગાંધીએ કર્યો હતો. મોદી માત્ર કેટલાક ઉદ્યોગપતિઓના’ચોકીદાર’ છે. પીએમ મોદીએ ભાજપનાં વરિષ્ઠ નેતાઓ અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી અને જશવંતસિંહ અને તેમના પરિવારોનું અપમાન કર્યું છે, એવો આરોપ રાહુલ ગાંધીએ મૂક્યો હતો.

સવારે સાડા આઠ વાગ્યે નિર્ધારિત પત્રકાર પરિષદ સવારે ૯ ને ૨૦ મિનિટે શરૂ થઈ હતી અને ૯ ને ૨૩ મિનિટ પહેલાં જ પૂરી થઈ હતી. અઢી મિનિટની પત્રકાર પરિષદ માટે પત્રકારોએ ૫૦ મિનિટ પ્રતીક્ષા કરવી પડી હતી.

દેશમાંના વિરોધ પક્ષો વડા પ્રધાન, ભાજપ અને આરએસએસના વિરોધમાં એક થયા છે. માત્ર રાજકીય પક્ષો જ નહીં, પરંતુ જનતા પણ સરકારનો વિરોધ કરી રહી છે. પીએમ મોદી અને ભાજપ ભારતના બંધારણ અને બધી સંસ્થાઓ પર આક્રમણ કરી રહ્યા છે. સરકાર શ્રીમંતોનું દેવું માફ કરી રહી છે. મનમોહનસિંહ સરકારના શાસનકાળમાં પેટ્રોલનો ભાવ ૧૪૦ ડોલર પ્રતિ બેરલ હતો અને હાલમાં ૭૦ ડોલર પ્રતિ બેરલ હોવા છતાં દેશમાં પેટ્રોલ મોંઘું છે.ઔપેટ્રોલ-ડીઝલને જીએસટીના દાયરામાં લાવવાની અમારી માગણી છે, પરંતુ વડા પ્રધાનને એમાં કોઈ રસ નથી, એવા શબ્દોમાં રાહુલે હલ્લાબોલ કર્યું હતું.

નોટબંધી અને જીએસટીને લીધે સમગ્ર દેશ નારાજ છે. નાના વેપારીઓ દુઃખી છે. તેમના માટે અમે લડી રહ્યા છીએ,એમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.

;