ભાજપ - પીડીપીનાં તકવાદની સૈનિકો લોહીથી કિંમત ચૂકવી રહ્યા છે : રાહુલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • ભાજપ – પીડીપીનાં તકવાદની સૈનિકો લોહીથી કિંમત ચૂકવી રહ્યા છે : રાહુલ

ભાજપ – પીડીપીનાં તકવાદની સૈનિકો લોહીથી કિંમત ચૂકવી રહ્યા છે : રાહુલ

 | 4:57 am IST

નવી દિલ્હી :

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસથી થઈ રહેલા આતંકી હુમલા અને દેશના જવાનો દ્વારા વહોરવામાં આવતી શહીદી અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારને આડે હાથ લીધી હતી. રાહુલે કહ્યું હતું કે, કાશ્મીરમાં પીડીપી અને ભાજપનાં તકવાદી જોડાણની દેશનાં સૈનિકો તેમના લોહી વહાવીને કિંમત ચૂકવી રહ્યા છે. કાશ્મીરમાં કેન્દ્ર સરકારની અનિર્ણાયક સુરક્ષા નીતિ પર તેમણે આકરા પ્રહારો કરહ્યા હતા. રાજ્યમાં સુરક્ષા અંગે નિર્ણાયક નીતિ ઘડવામાં કેન્દ્ર સરકાર સરેઆમ નિષ્ફળ ગઈ છે. રાજ્યમાં ગઠબંધન સરકાર બે મોઢાંની વાતો કરી રહી છે. પીડીપી કહે છે કે પાકિસ્તાન સાથે મંત્રણા કરો જ્યારે ભાજપના સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન કહે છે કે પાકિસ્તાને આતંક ફેલાવવાની કિંમત ચૂકવવી પડશે. આ તે કેવી નીતિ? મોદીજી યોગ્ય નિર્ણયો લેવામાં કે નીતિ ઘડવામાં નિષ્ફળ રહ્યા છે અને ખચકાટ અનુભવી રહ્યા છે. છેલ્લા ૪ દિવસમાં સાત જવાનો શહીદ થયા છે.

યુદ્ધ શ્રેષ્ઠ વિકલ્પ નથી, મંત્રણા જરૂરી : મુફ્તી

શ્રીનગરમાં સીઆરપીએફનાં કેમ્પ પર હુમલા પછી રાજ્યનાં મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તીએ કાશ્મીર કોકડું ઉકેલવા ભારત- પાક. વચ્ચે મંત્રણા યોજવી જોઈએ તેવું કહ્યું હતું. રાજ્યનાં લોકોને ભારે હાલાકી વેઠવી પડે છે.  આ જ દિવસે સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે ભારતમાં આતંકીઓને ઘૂસવા માટે મદદ કરવા વારંવાર સીઝફાયર ભંગ કરતા પાકિસ્તાને તેના દુઃસાહસની ભારે કિંમત ચૂકવવી પડશે. પાક. પ્રેરિત ત્રાસવાદ વકરી રહ્યો છે.

મોદીને નોટબંધીનો આઈડિયા આરએસએસએ આપ્યો : રાહુલ

રાહુલ ગાંધીએ મોદી સરકારને નોટબંધીના મામલે ટાર્ગેટ બનાવી હતી. તેમણે કહ્યું કે મોદીને નોટબંધીનો આઈડિયા RBI એ નહીં પણ RSS એ આપ્યો હતો. તેમણે બેંગ્લુરૂ ખાતે એક કાર્યક્રમમાં કહ્યું કે રિઝર્વ બેન્કે નહીં પણ સંઘે મોદીને નોટબંધીનો વિચાર આપ્યો હતો. સોમવારે તેમણે સંઘનાં વડા મોહન ભાગવતની સંઘનાં સ્વયંસેવકોને યુધ્ધ માટે તૈયાર થતા ફક્ત ૩-૪ દિવસ લાગશે જ્યારે સેનાને સજ્જ થતા ૬ મહિના લાગશે તેવી ટિપ્પણી કરી હતી. રાહુલે ભાગવતની આ ટિપ્પણીને સૈનિકો અને સેનાના અપમાન સમાન ગણાવી હતી. ભાગવતે આ માટે દેશની માફી માગવી જોઈએ તેમ તેમણે કહ્યું હતું.

જો સત્તા પર આવીશું તો જીએસટીને સરળ બનાવીશું

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો ૨૦૧૯માં કેન્દ્રની કોંગ્રેસની સરકાર સત્તા પર આવશે તો જીએસટીને વધુ સરળ બનાવશે અને એક સ્લેબની ટેક્સ સિસ્ટમ દાખલ કરશે.  આ ઉપરાંત જીએસટીનાં દર લોકોને પરવડે તેવી રીતે નક્કી કરાશે. જીએસટી અંગે લોકોમાં મોટાપાયે ગૂંચવાડો સર્જાયો છે તેને દૂર કરવામાં આવશે.

;