ભાજપ પ્રમુખ તરીકે જે. પી. નડ્ડાનો પંથ આસાન નથી - Sandesh
  • Home
  • Columnist
  • ભાજપ પ્રમુખ તરીકે જે. પી. નડ્ડાનો પંથ આસાન નથી

ભાજપ પ્રમુખ તરીકે જે. પી. નડ્ડાનો પંથ આસાન નથી

 | 2:38 am IST

સ્નેપ શોટ : મયૂર પાઠક

દુનિયાની સૌથી મોટી પાર્ટી ગણાતી ભાજપનું અધ્યક્ષ પદ મેળવવું કોઇ નાની વાત નથી. ભાજપે પાર્ટીના પૂર્ણકાલિન અધ્યક્ષ તરીકે જગતપ્રકાશ નડ્ડાની નિમણૂક કરી છે. ૬૦ વર્ષના જે. પી. નડ્ડા હિમાચલ પ્રદેશનાં બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે. નડ્ડા સંઘના પણ ખાસ ગણાય છે.  જે.પી. નડ્ડાની જ્યારે જૂન-૨૦૧૯માં ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઇ હતી ત્યારે લગભગ નક્કી થઇ ગયું હતું કે આગામી દિવસોમાં જે.પી. નડ્ડાને જ ભાજપ પ્રમુખની જવાબદારી મળશે. આજે જ્યારે જે.પી. નડ્ડાને ભાજપના પ્રમુખની જવાબદારી સોંપાઇ છે ત્યારે તેમની રાહ આસાન નથી. તેમની સામે ઘણા બધા પડકારો છે. પરંતુ આ તમામ પડકારો ઉપરાંત અમિત શાહે જે રીતે  ભાજપનું સૂકાન સાડા પાંચ વર્ષ સંભાળ્યું હતું તેને આગળ વધારવાની જવાબદારી છે જે ખૂબ કઠીન છે.

આજે જ્યારે ભાજપ પ્રમુખ તરીકે જે.પી. નડ્ડાએ જવાબદારી સંભાળી છે ત્યારે સ્વાભાવિક રીતે જે.પી. નડ્ડાની તુલના પૂર્વ ભાજપ પ્રમુખ અમિત શાહ સાથે થવાની છે.  અમિત શાહે તેમના કાર્યકાળમાં લોકસભાની ચૂંટણી જીતી બતાવી છે. અમિત શાહે દેશભરમાં ફરી વળીને ભાજપના કાર્યકરોમાં સતત ઉત્સાહનો સંચાર કર્યો છે. અમિત શાહના નેતૃત્વમાં ભાજપે દેશનાં અનેક રાજ્યોમાં વિજય મેળવ્યો છે અને ૨૦૧૮માં તો દેશનાં ૭૦ ટકા વિસ્તારમાં ભાજપનું શાસન સ્થાપ્યું હતું. આજે પક્ષના કાર્યકરો અને વિપક્ષી દળના નેતાઓમાં પૂર્વ ભાજપ પ્રમુખ અમિત શાહની જે હાક અને ધાક છે તેને જાળવી રાખીને પાર્ટીને આગળ લઇ જવાની કામગીરી પ્રમુખ તરીકે હવે જે.પી. નડ્ડાના શિરે છે.  જે.પી. નડ્ડાની નિમણૂંક બે વર્ષ માટે કરાઇ છે. આ બે વર્ષમાં તેઓ પ્રમુખ તરીકેની જવાબદારી કેવી રીતે નિભાવે છે તેના ઉપર સૌની નજર રહેશે.

જે. પી. નડ્ડાને જ્યારે કાર્યકારી અધ્યક્ષ બનાવાયાં ત્યારે જ ભાજપ સહિત બહારની વ્યક્તિઓને પણ આૃર્ય થયું હતું કે અમિત શાહનો કારોબાર જે.પી. નડ્ડા કેવી રીતે સંભાળી શકશે.  જે.પી. નડ્ડા સ્વભાવે સાલસ અને મૃદુભાષી છે. તેઓ કોઇ વિવાદમાં પડયા વગર કામ કરવામાં માનનાર વ્યક્તિ છે. ભાજપમાં અત્યારે લો પ્રોફાઇલ હોવું એ મોટો ગુણ મનાય છે. જે.પી. નડ્ડામાં આ ગુણ છે અને તેથી જ તેઓ વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહની ગુડ બુકમાં છે. છેલ્લાં છ મહિનાથી જે. પી. નડ્ડા ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે  નિમાયા હતા પરંતુ આ છ મહિનામાં તેમને એક પણ વખત કોઇ પ્રેસ ઇન્ટરવ્યૂ આપ્યો નથી, કે કોઇ એવું નિવેદન કર્યું નથી કે જેનાથી વિવાદ ઊભો થાય. જે. પી. નડ્ડા માત્ર પાર્ટીના પ્લેટફોર્મ પર બોલ્યાં છે અને તેમણે જે વાત કરવી હોય તે કાર્યકરોને કરી છે. વડાપ્રધાન મોદી આ જ વાત પાર્ટીના કેટલાક નિવેદન બહાદુર નેતાઓને કહે છે કે, ફાલતુ બોલવાથી બચો. જે. પી. નડ્ડાએ વડાપ્રધાન મોદી જે ઇચ્છે તેવું ઉદાહરણ પાર્ટીના કાર્યકરો સામે રજૂ કર્યું છે.

એબીવીપીનાં એક સામાન્ય કાર્યકર્તા તરીકે શરૂ કરેલી જે. પી. નડ્ડાની સફર આજે પાર્ટીનાં સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે ત્યારે એવા કેટલાક ગુણો છે કે જેના લીધે જે. પી. નડ્ડા આ મુકામે પહોંચી શક્યા છે. એમાં સૌથી મહત્વની વાત જે. પી. નડ્ડાનો સરળ સ્વભાવ છે. મૃદુભાષી એવા જે. પી. નડ્ડા તેમના સરળ સ્વભાવને કારણે કાર્યકર્તાઓ અને નેતાઓ સાથે સતત સંવાદ બનાવી રાખે છે. પાર્ટીના નેતાઓ કે કાર્યકરો ગમે તેટલી ઉગ્રતાથી તેમની પાસે આવે પરંતુ જે. પી. નડ્ડા તેમને શાંત કરી શકે છે. જે મળવા આવે તેમને સન્માન આપવું, નામ દઇને બોલાવવા એ જે. પી. નડ્ડાની ખાસિયત છે અને એટલે કાર્યકર્તાઓમાં પણ જે. પી. નડ્ડા લોકપ્રિય છે. ૨૦૧૪માં મોદી સરકારમાં જે. પી. નડ્ડા આરોગ્યમંત્રી હતા અને તેમના કાર્યકાળમાં જ આયુષ્યમાન ભારતની યોજના મૂકાઇ હતી. આ યોજના અંગે ભાજપ શાસિત સિવાયના રાજ્યોમાં શંકા હતી પરંતુ સંવાદ કરવાની આગવી આવડતને કારણે જે. પી. નડ્ડાએ વિપક્ષ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અધિકારીઓની તમામ શંકાઓ દૂર કરી જેના કારણે દેશના લાખો ગરીબોને આ યોજનાનો ફાયદો થયો. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીના સમયે યુપીના પ્રભારી તરીકે જે. પી. નડ્ડાની નિમણૂક કરાઇ હતી અને યુપીમાં ભાજપે ૮૦ બેઠકોમાંથી ૬૨ બેઠકો પર જીત મેળવી તેમાં જે. પી. નડ્ડાનો પણ મોટો ફાળો છે. ચૂંટણીમાં જે દાવેદારોની ટિકિટ કપાઇ હોય, બીજા સાથી પક્ષો સાથે ગઠબંધન કરવાનું હોય, તેમની માગો હોય આ પરિબળો વચ્ચે તાલમેલ બેસાડીને જે. પી. નડ્ડાએ વિવાદ ના થાય તે રીતે યુપીમાં કામગીરી કરી હતી અને તેનું પરિણામ પાર્ટીને મળ્યું હતું.

હકીકતમાં જ્યારે ૨૦૧૪માં રાજનાથ સિંહ પછી પાર્ટી પ્રમુખ તરીકે કોને નિમવા તે પ્રશ્ન ચર્ચાતો હતો ત્યારે જે. પી. નડ્ડાનું નામ ટોપ પર હતું. ખુદ રાજનાથ સિંહની પણ ઇચ્છા હતી કે જે. પી. નડ્ડાને આ જવાબદારી સોંપાય  પરંતુ ત્યારે પાર્ટીની જરૂરિયાત મુજબ ભાજપનાં સંસદિય બોર્ડે અમિત શાહને પાર્ટીની કમાન સોંપી હતી. જો કે ત્યાર પછી જે. પી. નડ્ડાને મોદી કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

મોદી સરકાર- ૨માં જ્યારે મંત્રીઓની યાદી બની ત્યારે તેમાં જે. પી. નડ્ડાનું નામ ન હતું. ત્યારે જ જાણકારોને ખબર પડી ગઇ હતી કે જે. પી. નડ્ડાને કોઇખાસ જવાબદારી આગામી દિવસોમાં સોંપવામાં આવશે. આજે જે. પી. નડ્ડા પાર્ટીના પ્રમુખ બન્યાં છે ત્યારે તેમનો રસ્તો આસાન નથી.  તેમની સામે સૌપ્રથમ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારબાદ બિહાર અને પિૃમ બંગાળની ચૂંટણીઓ તેમના માથા પર છે. આગામી વિધાનસભાની ચૂંટણીઓનો પરિણામ પછી જશ- અપજશ હવે અમિત શાહને બદલે જે. પી. નડ્ડાને મળશે અને આ પરિણામો જે. પી. નડ્ડાની કાબેલિયત સાબિત કરશે.

અત્યારે દેશભરમાં આર્થિક મંદીનું જોર છે. સિટીઝન એક્ટ અને એનઆરસી જેવા મુદ્દાઓ અંગે વિપક્ષોએ દેશભરમાં હલ્લાબોલ મચાવી રાખ્યો છે ત્યારે સત્તાધારી પાર્ટીના પ્રમુખ તરીકે પાર્ટીને આક્ષેપો અને આરોપોમાંથી બહાર કાઢવી અને કાર્યકરોનું મનોબળ ટકાવી રાખી વિધાનસભાની ચૂંટણીઓમાં સારો દેખાવ કરવો તે જવાબદારી બને છે. જોઇએ હિમાચલના બ્રાહ્મણ આ જવાબદારી કેવી રીતે નિભાવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન