ભાજપ ગુજરાત સહિતના આ મંત્રીઓને ફરીવાર રાજ્યસભામાં મોકલશે - Sandesh
  • Home
  • India
  • ભાજપ ગુજરાત સહિતના આ મંત્રીઓને ફરીવાર રાજ્યસભામાં મોકલશે

ભાજપ ગુજરાત સહિતના આ મંત્રીઓને ફરીવાર રાજ્યસભામાં મોકલશે

 | 5:05 pm IST

રાજ્યસભાની ચૂંટણી મામલે ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણાં સભ્યોને ફરી ટિકીટ આપવાનો નિર્ણય કર્યો છે. જેમાં કેન્દ્ર સરકારના ઘણાં મંત્રીનોપણ સમાવેશ થાય છે. નાણામંત્રી અરૂણ જેટલી, રવિશંકર પ્રસાદ, ધર્મેન્દ્ર પ્રધાન સહિત ઘણાં મોટા મંત્રીઓને ફરી રાજ્યસભા મોકલવામાં આવશે. હાલમાં મોદી સરકારના ઘણાં મંત્રીઓ રાજ્યસભાના જ સાંસદ છે.

અગાઉ ગુજરાતથી સાંસદ અરૂણ જેટલીને ઉત્તર પ્રદેશથી રાજ્યસભા મોકલવામાં આવશે, જ્યારે મનસુખ માંડવિયા અને પુરષોત્તમ રૂપાલાને ગુજરાતથી જ મોકલવામાં આવશે. ભૂપેન્દ્ર યાદવને રાજસ્થાનથી તો કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને બિહારથી, ધર્મેન્દ્ર પ્રધાનને મધ્ય પ્રદેશથી, સામાજિક અધિકાર મંત્રી થાવરચંદ ગહલોતને મધ્યપ્રદેશથી, પ્રકાશ જાવડેકરને મહારાષ્ટ્રથી, સ્વાસ્થ્ય મંત્રી જેપી નડ્ડાને હિમાચલ પ્રદેશથી રાજ્યસભામાં મોકલવામાં આવશે.

અત્રે નોંધનીય છેકે, રાજ્યસભામાં 58 બેઠકો માટે આગામી 23 માર્ચના મતદાન કરવામાં આવશે. જેમાં 16 રાજ્યોની 58 બેઠકો છે. ચૂંટણી પંચ અનુસાર, એપ્રિલ-મે 2018માં રાજ્યસભા સાંસદોમાં 58 બેઠકોનો કાર્યકાળ પૂર્ણ થશે અને જે પછી આ બેઠકો ખાલી થઈ જશે. આ ચૂંટણી માટે 12 માર્ચ સુધીમાં ઉમેદવારી નોંધાવવાની રહેશે. જેના પર 23 માર્ચના મતદાન થશે અને પરિણામ પણ ત્યારે જ જાહેર થશે.

આ તમામ ઉમેદવારો 12 માર્ચ સુધીમાં પોતાનું નામંકન દાખલ કરી શકે છે. આ ચૂંટણીમાં સૌથી વધુ બેઠકો ઉત્તર પ્રદેશમાંથી છે જ્યાં 10 બેઠકો ખાલી છે. યુપીમાં માયાવતીએ ગત્ત વર્ષે રાજીનામું આપેલ બેઠક પર પણ એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજાશે.

હાલની 233 ચૂંટાયેલા સભ્યોની રાજ્ય સભામાં કોંગ્રેસ પાસે 123 બેઠકો છે. જ્યારે એનડીએ પાસે 83 બેઠકો છે અને 4 અપક્ષની બેઠકો છે જે પણ ભાજપના સમર્થનમાં જ છે. તેમજ એઆઇએડીએમકે ના 13 સભ્યો છે જે પણ એનડીએની સાથે જ છે.