bjp-state-education-mafia concerts are allowed 1 2 years of college
  • Home
  • Ahmedabad
  • BJP રાજમાં શિક્ષણ માફિયાઓને મોજેમોજ, જાણો છેલ્લા 2 વર્ષમાં કેટલી સરકારી કોલેજોને મળી મંજૂરી

BJP રાજમાં શિક્ષણ માફિયાઓને મોજેમોજ, જાણો છેલ્લા 2 વર્ષમાં કેટલી સરકારી કોલેજોને મળી મંજૂરી

 | 7:40 am IST

ગુજરાતમાં ભાજપના રાજમાં શિક્ષણ માફિયાઓને લૂંટવાનો છુટ્ટો પરવાનો મળી ગયો છે. દરેક ક્ષેત્રમાં નંબર વન હોવાના દાવા ઠોકતી ગુજરાત સરકારે તો રીતસર શિક્ષણની જવાબદારીમાંથી હાથ ખંખેરી લીધા છે.

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં એકમાત્ર ખેડા જિલ્લામાં એક જ સરકારી કોલેજને મંજૂરી અપાઈ છે. બાકી અન્ય ૩૨ જિલ્લામાં ગુજરાત સરકાર એક નવી સરકારી આર્ટસ, કોમર્સ કે સાયન્સ કોલેજ ખોલી શકી નથી, જેની સામે બે વર્ષમાં ૪૦ ખાનગી કોલેજોને મંજૂરી આપી દીધી છે.

એકેય નવી ગ્રાન્ટેડ કોલેજને મંજૂરી અપાઈ નથી. મંગળવારે ગુજરાત વિધાનસભામાં શિક્ષણ મંત્રીએ કોંગ્રેસના ધારાસભ્યોના સવાલના જવાબમાં ઉપરોક્ત આંકડાકીય માહિતી આપી હતી.

વિધાનસભામાં સરકારે ગુજરાતમાં કેટલી સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી કોલેજો છે તેની માહિતી તો આપી છે પરંતુ અલગ અલગ સવાલના જવાબમાં સુરેન્દ્રનગર જિલ્લામાં કુલ ૨૪ કોલેજ બતાવાઈ છે તો બીજા સવાલના જવાબમાં ૨૦ કોલેજ બતાવાઈ છે. હવે આમાં કયો આંકડો સાચો માનવો તે મુદ્દે કોંગ્રેસે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો હતો, અન્ય એક સવાલના જવાબમાં પણ આવી જ ધુપ્પલ હતી, જેમાં અધ્યક્ષે રૂલિંગ આપવાનું જાહેર કર્યું હતું.

કોંગ્રેસે પોઇન્ટ ઓફ ઓર્ડર ઊભો કર્યો ત્યારે વિધાનસભા ગૃહમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગેરહાજર હતા, સરકાર વતી કોઈએ પોઇન્ટ ઓફ ઓર્ડરમાં કોઈ મુદ્દો ઉપસ્થિત કર્યો ન હતો. જોકે રૂલિંગ આપવાનું જાહેર થયા બાદ ગૃહમાં આવેલા શિક્ષણમંત્રીએ કહ્યું હતું કે, ભૂલ સુધારી લેવાશે. તુર્ત જ કોંગી ધારાસભ્યે કહ્યું કે, વારંવાર આવું થયા કરે છે. 

ગુજરાતમાં આર્ટસ, કોમર્સ, સાયન્સની કુલ ૮૬૪ કોલેજો આવેલી છે, જેમાંથી સરકારી કોલેજો તો માંડ ૧૦૦ છે, ગ્રાન્ટેડ ૩૦૯ અને સૌથી વધુ ૪૫૫ ખાનગી કોલેજો છે. સરકારી કોલેજોને મંજૂરી આપવામાં આવી તેની સરખામણીએ ખાનગી કોલેજોને ૪૦ ગણી મંજૂરી આપી દેવાઈ છે. સૌથી વધુ ખાનગી કોલેજો ભાવનગર, રાજકોટ અને સુરત જિલ્લામાં છે.

સૌથી વધુ ખાનગી કોલેજોનો રાફડો ક્યાં? 

જિલ્લો                  ખાનગી કોલેજ 

ભાવનગર                    ૪૫

રાજકોટ                        ૪૩

સુરત                            ૩૬

જૂનાગઢ                       ૩૪

નવસારી                       ૩૦

બે વર્ષમાં ૧,૨૮૭ ખાનગી પ્રાથમિક શાળા સામે સરકારે માત્ર ૧૨૨ સ્કૂલો શરૂ કરી

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં નવી ૧,૨૮૭ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ છે, જેની સામે માંડ ૧૨૨ સરકારી શાળાને મંજૂરી મળી છે, ગ્રાન્ટેડ શાળા માંડ ૧૩ છે. મંગળવારે ગુજરાત વિધાનસભા ગૃહમાં સરકારે આ આંકડાકીય માહિતી જાહેર કરી છે. બે વર્ષમાં એક સરકારી અને ગ્રાન્ટેડ શાળાની સરખામણીએ ૧૦ જેટલી ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે.

ગુજરાતમાં કુલ પ્રાથમિક શાળાની સંખ્યા ૪૪,૧૨૭ છે, તે પૈકી સરકારી શાળા ૩૨,૫૭૪ આવેલી છે. ગ્રાન્ટેડ શાળાની સંખ્યા ખૂબ મામૂલી એટલે કે ૬૦૫ છે તો ૧૦,૯૪૦ શાળાઓ ખાનગી છે. રાજ્યના ૩૩ જિલ્લાના જે આંકડા રજૂ થયા છે તેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ ૨૧૧ ખાનગી પ્રાથમિક શાળાઓને મંજૂરી અપાઈ છે.

બે વર્ષમાં કેટલી ખાનગી પ્રાથમિક શાળાને મંજૂરી?

ક્રમ     જિલ્લો                  શાળા

૧.      અમદાવાદ              ૨૧૧

૨.      સુરત                       ૧૪૦

૩.      રાજકોટ                   ૧૨૯

૪.      વડોદરા                    ૬૩

૫.      જામનગર                ૫૪

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન