ભાજપનું યુપીમાં સપા સામે નવું હથિયાર અમરસિંહ - Sandesh
  • Home
  • Columnist
  • ભાજપનું યુપીમાં સપા સામે નવું હથિયાર અમરસિંહ

ભાજપનું યુપીમાં સપા સામે નવું હથિયાર અમરસિંહ

 | 1:35 am IST

સ્નેપ શોટ

૨૦૧૯ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પાર્ટીઓની વ્યાકુળતા વધતી જાય છે. યુપીમાં ભાજપ માટે સૌથી મોટી ચિંતાનો વિષય સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીનું ગઠબંધન છે. આ ગઠબંધનનો શું તોડ હોઈ શકે તે માટે ભાજપની થિંકટેન્ક કામે લાગી છે અને આ કામગીરી દરમિયાન ભાજપને એક હથિયાર મળી ગયું છે,  જેનું નામ છે અમરસિંહ.

અમરસિંહ રાજ્યસભાના સાંસદ છે અને સમાજવાદી પાર્ટીના પૂર્વ નેતા રહી ચૂક્યા છે. સમાજવાદી પાર્ટીમાંથી અમરસિંહને ૨૦૧૦માં કાઢી મુકાયા હતા, પરંતુ ત્યારબાદ રાજકીય જરૂરિયાતોને લઈને ૨૦૧૬માં અમરસિંહને ફરી પાછા સમાજવાદી પાર્ટીમાં લેવાયા હતા અને પાર્ટીના એક જૂથનો વિરોધ હોવા છતાં રાજ્યસભામાં મોકલી અપાયા હતા. ઓક્ટોબર ૨૦૧૬માં અમરસિંહને પાર્ટીના જનરલ સેક્રેટરી પણ બનાવાયા હતા. ફરી એક વાર અમરસિંહને સમાજવાદી પાર્ટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે અને કાઢી મૂકવા પાછળ સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનો હાથ છે.

ભારતીય રાજકારણમાં અમરસિંહ એક એવું પાત્ર છે કે તે કોઈપણ રાજકીય ખાંચામાં ફિટ બેસી શકે છે. અમરસિંહનું પીઆર વર્ક ભયંકર જબરજસ્ત છે તે ક્યારેક ઉદ્યોગપતિઓ સાથે ફરતા જોવા મળે તો ક્યારેક ફિલ્મસ્ટારો અને અભિનેત્રીઓ સાથે પાર્ટીઓમાં ફોટા પડાવતા નજરે પડે છે. મુખ્યમંત્રી અને કેન્દ્રના મંત્રીઓ સાથે તેમની નજદીકિયાં પણ જાણીતી છે. એક જમાનો હતો કે, સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અમરસિંહ પીવડાવે એટલું જ પાણી પીતા હતા. આટલા જ  ગાઢ સંબંધો  દેશના અગ્રણી ઉદ્યોગપતિ અનિલ અંબાની સાથે પણ તેમના હતા. સહારા ઈન્ડિયાવાળા સુબ્રતો રોય સાથે તેમની નજદીકિયાં પણ સૌકોઈ જાણતું હતું. રાજકારણમાં ફિલ્મઅભિનેત્રી જયાપ્રદાને લાવવાનું શ્રેય પણ તેમનાં નામે જાય છે. અભિનેત્રી બિપાસા બસુ સાથે પણ તેમની કથિત ટેલિફોન પરની વાતચીત ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો હતો અને આ મુદ્દે અમરસિંહે કોર્ટના દરવાજા પણ ખખડાવ્યા હતા અને તેમની વાતચીત ટેપ કરનાર અને બનાવટી ભાગ ઉમેરનારની ધરપકડ પણ કરાવી હતી.

એક હરફનમૌલા જેવું વ્યક્તિત્વ ધરાવતા અમરસિંહ જેવી શખ્સિયતની રાજકારણમાં સંકટ સમયે દરેકને જરૂર પડતી હોય છે. કોંગ્રેસશાસિત યુપીએ ગવર્નમેન્ટ જ્યારે  અમેરિકા સાથેના ન્યુક્લિયર એકોર્ડની સમજૂતી કરવા પર હતું ત્યારે ડાબેરી પાર્ટીઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડી નાખ્યો હતો. આ સમયે યુપીએ ગવર્નમેન્ટનું અસ્તિત્વ ખતરામાં હતું ત્યારે કોંગ્રેસની મદદે અમરસિંહ આવ્યા હતા. યુપીએના ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મિટિંગો કરીને અમરસિંહે સમાજવાદી પાર્ટીના ૩૯ સભ્યોનો ટેકો  યુપીએ સરકારને અપાવ્યો હતો અને ત્યારે અમરસિંહ યુપીએ સરકારના તારણહાર તરીકે બહાર આવ્યા હતા. આવા તો કંઈ કેટલાયે નામી-અનામી તડજોડના કિસ્સાઓ અમરસિંહનાં નામે બોલે છે.

છેલ્લે જ્યારે સમાજવાદી પાર્ટીમાંથી મુલાયમસિંહના દીકરા અખિલેશે અમરસિંહને પાર્ટીમાંથી હાંકી કાઢયા ત્યારથી અમરસિંહ રાજકીય લાઇમલાઇટમાં ન હતા. તાજેતરમાં વડા પ્રધાન મોદી ઉત્તર પ્રદેશમાં લખનઉ ખાતે ૬૦ હજાર કરોડ રૂપિયાની ઉદ્યોગ પરિયોજનાઓનો શિલાન્યાસ કરવા ગયા ત્યારે યોજાયેલા સમારંભમાં પોતાનાં પ્રવચનમાં વડા પ્રધાન મોદીએ અમરસિંહનાં નામનો ઉલ્લેખ કર્યો હતો. વિપક્ષોની સરકાર વખતે પડદા પાછળ થતા કોર્પોરેટ લોબિંગ પર નિશાન સાધતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, અહીંયાં અમરસિંહ બેઠા છે તે બધો જ ઇતિહાસ જાણે છે. વડા પ્રધાન આ વાક્ય બોલ્યા ત્યારે અમરસિંહ પહેલી હરોળમાં ભગવો ઝભ્ભો પહેરીને બેઠા હતા. વડા પ્રધાનના આ ઇશારા પછી અમરસિંહની ભાજપમાં જોડાવાની વાતોએ યુપીમાં જોર પકડયું હતું, જોકે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી પરંતુ અમરસિંહે સમાજવાદી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ નિવેદનો આપવાની શરૂઆત કરી દીધી છે.

તાજેતરમાં ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ અખિલેશ યાદવે જાહેરાત કરી હતી કે, પાર્ટી યુપીમાં સત્તા પર આવશે તો યુપીમાં ભગવાન વિષ્ણુનું એક નગર બનાવવામાં આવશે, જેમાં એક ભવ્ય મંદિર હશે. વિષ્ણુ ભગવાનનું આ મંદિર કંબોડિયામાં વર્લ્ડ ફેમસ અંકોરવાટ મંદિર આવેલું છે તેવું બનાવવામાં આવશે. અખિલેશ યાદવની આ જાહેરાત પછી અમરસિંહે કહ્યું હતું કે, અખિલેશ તમને વિષ્ણુ બનાવવાનો પૂરો હક્ક છે પરંતુ તમે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ નથી તમે નમાજવાદી પાર્ટીના અધ્યક્ષ છો. તમારા અને તમારા પિતાએ બનાવેલા રાજનીતિક પુત્ર આઝમ ખાન બેફામ બન્યા છે અને તેમના પર કોઈ રોક નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, યુપીનું રાજકારણ સામસામે આક્ષેપોની ભરમારથી ભરેલું છે. તાજેતરમાં જ સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને અમરસિંહ માટે નિવેદન કર્યું હતું કે, અમરસિંહ જેવાને તો કાપી નાખવા જોઈએ અને તેમની જવાન થઈ રહેલી છોકરીઓ પર તેજાબ નાખવો જોઈએ. આ પ્રકારનાં બયાનથી અમરસિંહ આગબબૂલા થઈ ગયા છે.

ભાજપને યુપીમાં સમાજવાદી પાર્ટી સામે એક નવું હથિયાર અમરસિંહરૂપે  મળી ગયું છે.  અમરસિંહ સમાજવાદી પાર્ટીમાં વર્ષો સુધી ઉચ્ચ હોદ્દા પર રહ્યા હોઈ તેઓ અંદરની ઘણીબધી બાબતો જાણે છે. નવાઈની વાત એ છે કે આ જ અમરસિંહ સાથે ભાજપે તેના ત્રણ સાંસદને લાંચ આપવાના કેસમાં ૨૦૦૮માં કેસ  કર્યો હતો, જેના ભાગરૂપે અમરસિંહને તિહાર જેલમાં ૨૦૧૧માં થોડો સમય કાઢવો પડયો હતો, હવે આ જ અમરસિંહ ભાજપ તરફે બોલવા લાગ્યા છે.

સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહના પરિવારમાં ચાલી રહેલા ખટરાગ અંગે બોલતાં અમરસિંહે કહ્યં હતું કે, યાદવ પરિવારમાં જ્યારે પારિવારિક ઝઘડો ઊભો થયો ત્યારે તેનું સમાધાન કરાવવા હું દોડી ગયો હતો, પરંતુ જ્યારે હું તકલીફમાં હતો ત્યારે મુલાયમસિંહ કે અખિલેશ મારી ખબર સુધ્ધા જોવા ફરક્યા ન હતા. મુલાયામસિંહના ભાઈ શિવપાલ યાદવ અત્યારે સમાજવાદી પાર્ટી છોડીને નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી રહ્યા છે ત્યારે અમરસિંહ શિવપાલને ઉશ્કેરી રહ્યા છે અને કહે છે કે, શિવપાલે કોઈની ઇજ્જત નથી લૂંટી કે કોઈની છેડતી નથી કરી. સાથે સાથે અમરસિંહે નિશાન તાકતાં કહ્યું છે કે અખિલેશે શિવપાલની સાથે સાથે તેના બાપ મુલાયમસિંહને પણ છોડયા નથી.

આમ આવનારા દિવસો યુપીમાં ભારે રાજકીય ગરમીના રહેવાના છે તે વાત નક્કી છે.