BJP's fame-hungry Home Minister Harsh Sanghvi harshly criticizes 'selective sentiment'
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • શિવાંશ સાથે ફોટા પડાવ્યા, જીવલેણ બીમારીવાળા બાળક માટે ‘આભડછેટ’

શિવાંશ સાથે ફોટા પડાવ્યા, જીવલેણ બીમારીવાળા બાળક માટે ‘આભડછેટ’

 | 7:32 am IST
  • Share

  • ભરૂચમાં CMને મળવા કગરતા બાળકના પરિવારને આતંકવાદીની જેમ ‘નજરકેદ’ કર્યો
  • ભાજપના પ્રસિદ્ધિ-ભૂખ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવીની ‘સિલેક્ટિવ સંવેદના’ની આકરી ટીકા
  • શિવાંશ કેસમાં વાહવાહી લૂંટવા સંઘવીએ ટ્વિટ કરી તો એક યૂઝરે પવાર પરિવારને ગોંધી રાખવાના પ્રકરણની ફરિયાદ કરી તો ગૃહરાજ્યમંત્રીએ જવાબ આપવા સુદ્ધાંની તસ્દી લીધી નહોતી.

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીની ‘સિલેક્ટિવ સંવેદના’ તાજેતરમાં જ કપરી સ્થિતિમાં મુકાયેલા બે બાળકોના કિસ્સામાં ખુલ્લી પડી ગઈ હતી. પ્રણય ત્રિકોણના કરૂણ પરિણામ સમાન શિવાંશને તરછોડીને પિતા નાસી ગયો તે કિસ્સામાં શિવાંશને ગળે વળગાડીને ફોટા પડાવવા હર્ષ સંઘવી ઓળઘોળ થઈ ગયા. પરંતુ હર્ષ સંઘવીએ શિવાંશના કેસમાં ઢંઢેરો પીટતી જે ટ્વિટ હતી તેના રિપ્લાયમાં અંકલેશ્વરમાં એસએમએ-1 નામની જીવલેણ બિમારીથી પીડાતા પાર્થ પવારના પરિવારે મદદ માટે ગૃહરાજ્યમંત્રીને કાકલૂદી સાથે મદદની વિનંતી કરી અને આ પરિવારને ગોંધી રાખ્યાની ફરિયાદ કરી તો તેનો જવાબ આપવામાં ય જાણે તેમને ‘આભડછેટ’ નડતી હોય તેમ મૌન સેવ્યું હતું.

શુક્રવારે ભરૂચમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં એસએમએ-1 નામની જીવલેણ બીમારીથી પીડાતાં અંકલેશ્વરના બાળક પાર્થ પવારનો પરિવાર મળવા માટે પહોંચ્યો હતો, ઈન્જેક્શન સહિતની સારવારનો ખર્ચ કરોડોમાં થાય છે એટલે મદદની રજૂઆત માટે મુખ્યમંત્રી સમક્ષ પરિવાર પહોંચે તે પહેલાં જ પોલીસે અટક કરી, ગોંધી રાખ્યા હતા, શિવાંશ કેસમાં વાહવાહી લૂંટવા સંઘવીએ ટ્વિટ કરી તો એક યૂઝરે પવાર પરિવારને ગોંધી રાખવાના પ્રકરણની ફરિયાદ કરી તો ગૃહરાજ્યમંત્રીએ જવાબ આપવા સુદ્ધાંની તસ્દી લીધી નહોતી.

મંત્રીની આ હરકત સામે ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.  જીવલેણ બીમારીથી પીડાતાં બાળકના પિતા જુગલભાઈ પવારે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ગયા ત્યાં સુધી અમને કાર્યક્રમથી દૂર બેસાડી રાખવામાં આવ્યા હતા, અમે ફક્ત બાળકને સહાય મળે તે આશાએ રજૂઆત માટે ગયા હતા, પરંતુ અફસોસ કે અમારી સાથે આતંકવાદી હોઈએ એ પ્રકારનો વ્યવહાર કરવામાં આવ્યો હતો.

ઘટના વખતે હાજર લોકોએ કહ્યું કે, એક તરફ ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારો ગરીબો માટે સંવેદનશીલ છે તેવો ઢંઢેરો પીટે છે પણ મરણ પથારીએ પડેલા એક માસૂમ બાળકના પિતાને સહાય કરવાની વાત તો દૂર પરંતુ પોલીસ તંત્ર કે વહીવટી તંત્રે મુખ્યમંત્રી સુધી રજૂઆત માટે જવા પણ દીધા નથી.

અગાઉ ખુદ હર્ષ સંઘવીને પણ રૂબરૂ મળ્યા હોવાની વિગતો આપતાં જુગલ પવારે જણાવ્યું કે, ગૃહમંત્રી હર્ષ  સંઘવીને અમે મળ્યા ત્યારે તેઓએ મુખ્યમંત્રીને મદદ માટે  ભલામણ પત્ર લખવા તેઓના પીએને સુચના આપી હતી પણ 15  દીવસ થયા બાદ કોઈ જવાબ આવ્યો ન હતો. મેહુલભાઈ પટેલે  ગૃહમંત્રીને કરેલા ટ્વીટનો પણ કોઈ જવાબ તેઓએ આપ્યો નથી.

…પણ વડોદરામાં તરછોડેલી બાળકીને ચાર વર્ષે છેવટે દત્તક સોંપાઈ

વડોદરા :શિવાંશના કેસમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, રેન્જ આઈજી અને એસપીએ ગણતરીના જ કલાકોમાં તરછોડાયેલા બાળકનો કેસ ઉકેલાયાના બણગાં ફૂંક્યા. પણ વડોદરાના અટલાદરા વિસ્તારના વેરાઈ માતાના મંદિરના ઓટલા ઉપરથી 4 વર્ષ પૂર્વે એક બ્લેંકેટમાં લપેટીને એક નવજાત બાળકીને કોઈ તરછોડી ગયું હતું તેમાં આ સરકારમાં કોઈ જ સંવેદના જન્મી નહી અને આખરે કેરળના એક દંપતીને આ બાળકી દત્તક સોંપી દેવાઈ હતી.

24મી ડિસેમ્બર 2017ના રોજ વહેલી પરોઢના સમયે અટલાદરા, વેરાઈમાતાના મંદિરના ઓટલા ઉપરથી નવજાત શીશુ (બાળકી) બ્લેંકેટમાં લપેટેલી હાલતમાં મળી આવી હતી. કૌશીક ગાંધી નામના શાકભાજીવાળાએ સૌ પ્રથમ બાળકીનો રડવાનો અવાજ સાંભળ્યો હતો અને આ સબંધમાં પોલીસને જાણ કરી હતી.

આ બાળકીને બાળ સંરક્ષણ ગૃહ ખાતે રાખવામાં આવી હતી જ્યાં બાળકીનું નામકરણ થયુ હતુ. બાળાનું નામ પ્રીયાંશી રાખવામાં આવ્યુ હતુ. કેરળના એક દંપતીએ આ બાળકીને દત્તક લીધી હતી અને બાળકી હાલમાં પાલક માતા પિતા સાથે ત્યાં જ રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો