BJP's mega plan to win West Bengal
  • Home
  • Featured
  • પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢના કાંગરા ખેરવવા BJPએ બનાવ્યો મેગા પ્લાન

પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢના કાંગરા ખેરવવા BJPએ બનાવ્યો મેગા પ્લાન

 | 10:04 am IST

આવતા વર્ષે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપના પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીના ગઢના કાંગરા ખેરવી નાંખી કમળ ખીલવવા માટે મેગા પ્લાન બનાવ્યો છે. રાજ્યમાં મોદીની તરફેણમાં માહોલ બનાવવા માટે ભાજપ ત્રણ રથ યાત્રા કાઢશે. રથયાત્રાનું નેતૃત્વ ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને આસામનાં મુખ્યમંત્રી સર્બાનંદ સોનોવાલ કરશે.

પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી અંગે માહોલ ઊભો કરવા માટે અભિયાન શરૂ કરી રહી છે. એ માટે ભાજપે પોતાના મુખ્ય ચહેરાઓને બંગાળમાં ઊતારવાની યોજના બનાવી છે.

પશ્ચિમ બંગાળ ભાજપ પ્રદેશ અધ્યક્ષ દિલીપ ઘોષે આજતક સાથેની વાતચીતમાં કહ્યું કે રાજ્યમાં રથ યાત્રા કાઢવાનો વિચાર કરાયો છે. આ રથ યાત્રા ડિસેમ્બરમાં કાઢવામાં આવશે.

તેમણે જણાવ્યું કે પ્રદેશમાં ત્રણ રથયાત્રાઓ પૈકી પહેલી રથયાત્રા બીરભૂમિ જિલ્લાના મંદિર શહેર તારાપીઠથી 3 ડિેસેમ્બરે શરૂ થઈ શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમાં સામેલ થવાની આશા છે.

બીજી યાત્રાનું નેતૃત્વ ઉત્તર પ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે. ગંગા સાગરથી શરૂ થનારી આ રથયાત્રા દરમિયાન તૃણમૂળ સરકારની તુષ્ટિકરણની નીતિનો વિરોધ કરાશે.

ભાજપની ત્રીજી રથયાત્રાનું નેતૃત્વ આસામના મુખ્યમંત્રી સોનેવાલ કરશે. આ યાત્રાનો હેતુ પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે રહેતા બાંગ્લાદેશીઓનો વિરોધ કરવાનો હશે, આ યાત્રાકૂચ બિહાર જિલ્લામાંથી કાઢવામાં આવશે.

તમામ વિધાન અને લોકસભા બેઠકોને રથયાત્રા આવરી લેશે!

દિલીપ ઘોષના જણાવ્યા પ્રમાણે આ ત્રણ યાત્રા રાજ્યોના તમામ વિધાનસભા મતવિસ્તાર અને 42 લોકસભા મતવિસ્તારમાંથી પસાર થશે. એ ઉપરાંત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સામેલ થશે. દરેક રથ 14 લોકસભા મત વિસ્તારને આવરી લેશે.