કાળા કપડાંમાં વધારે ગરમી લાગે એ વાત સાચી? - Sandesh
  • Home
  • Supplements
  • Kids World
  • કાળા કપડાંમાં વધારે ગરમી લાગે એ વાત સાચી?

કાળા કપડાંમાં વધારે ગરમી લાગે એ વાત સાચી?

 | 1:46 am IST

વર્ષોથી આપણે બધા જ માનતા રહ્યા છીએ કે સફેદ કપડાં પહેરવાથી ગરમી ઓછી લાગે. એનું વિજ્ઞાાન એવું સમજવામાં આવ્યું કે સફેદ રંગ સૂર્યના કિરણોમાં રહેલા બધા જ રંગકિરણોને પાછા ફેંકે છે. એટલે સફેદ કપડાંની આરપાર ગરમી જઈ જ શકતી નથી. એટલે સફેદ કપડાં પહેર્યા હોય તો આપણને સૂર્યનો તડકો લાગતો જ નથી. વર્ષોથી આ વાત સાચી લાગે છે અને એટલે ઉનાળામાં લગભગ બધા જ લોકો સફેદ કપડાં પહેરવાનું પસંદ કરે છે. ગરમ પ્રદેશના લોકો ઘરમાં રંગ પણ સફેદ અથવા બ્રાઈટ (ઉજ્જવળ) કરાવે છે. જેથી સૂર્યકિરણો બધા પરાર્વિતત થઈ જાય, પાછા ફેંકાઈ જાય અને ઘરની અંદર ગરમી આવે નહીં.

આ વાત તદ્દન વૈજ્ઞાાનિક રીતે સાચી લાગતી હતી, પરંતુ ઘણા નિષ્ણાતોને એક સવાલ મૂંઝવતો હતો. આટલી સાદી વાત કચ્છના મૂળ નિવાસી માલધારીઓ અને આરબ વિસ્તારના રણમાં વસતા બેદુઈન લોકો કેમ સમજતા નથી? એ લોકો કેમ સફેદ કપડાં નથી પહેરતા? એ લોકો શા માટે કાળા રંગના કપડાં જ પહેરે છે. કચ્છમાં અને આરબ વિસ્તારના રણમાં તો જબરજસ્ત ગરમી લાગે છે. ઉનાળામાં પારો ૫૦ ડિગ્રી સેન્ટીગ્રેડ પર પહોંચી જાય છે. આવા બળબળતા તાપમાં કાળા કપડાંમાં તો શેકાઈ જવાય? તો પછી આ જાતિઓ કેમ કાળા વસ્ત્રો પહેરીને નિરાંતે ફરે છે?

આનું રહસ્ય જાણવા વિજ્ઞાાનીઓએ એક પ્રયોગ કર્યો. અરબસ્તાનના રણમાં જ્યાં બેદુઈન લોકો વસે છે ત્યાં જઈ એમને કાળા કપડાં પહેરાવીને બળબળતી બપોરે એમના શરીરનું તાપમાન માપ્યું. પછી એ લોકોને સફેદ કપડાં પહેરાવીને બળબળતી બપોરે એમના શરીરનું તાપમાન માપ્યું. નિષ્ણાતોને નવાઈ લાગી. કપડાં કાળા હોય કે સફેદ, બંને વખતે એમના શરીરનું તાપમાન સરખું જ હતું! આવું શી રીતે બને? કાળા અને સફેદ રંગનો કોઈ જ ફરક ન પડે?

હવે નિષ્ણાતોએ આ લોકોના કપડાં તપાસ્યા અને કાળા તથા સફેદ રંગની ખાસિયત ફરી ચકાસી. ત્યારે રહસ્યની ખબર પડી. વાત એવી જાણવા મળી કે ઉનાળામાં તમને બહાર સૂર્યના પ્રકાશની ગરમી લાગે છે એ જ રીતે તમારા શરીરની અંદર પણ ગરમી ઉત્પન્ન થતી રહે છે. સફેદ કપડાં બહારની ગરમીને બહાર પાછી ફેંકી દે છે એ જ રીતે તમારા શરીરની અંદરની ગરમીને અંદર પાછી ફેંકી દે છે. એની સામે કાળા કપડાં બહારની ગરમીને અંદર આવવા દે છે તો તમારા શરીરની અંદરની ગરમીને બહાર પણ જવા દે છે. એટલે સરવાળે બંને રંગના કપડાંથી શરીરના તાપમાનમાં ખાસ ફરક પડતો નથી.

કચ્છના અને આરબ વિસ્તારના લોકો જે કાળા કપડાં પહેરે છે એ ઢીલા વણાટવાળા હોય છે. અને કપડાં પણ ઢીલાં સીવડાવે છે. એવા કાળા કપડાંમાંથી હવા અને ગરમી આરપાર આવ-જા કરતી રહે છે. ગરમીની ખાસિયત છે કે એ તરત જ ઠંડી જગ્યાએ વહી જાય છે. એટલે કાળા ઢીલાં કપડાંમાં રહેલી પ્રમાણમાં ઠંડી હવામાં તમારા શરીરની ગરમી શોષાઈ જાય છે. બહારના તડકાની ગરમી પણ શોષાઈને અંદરની હવામાં ભળી જાય છે. અંદરની હવા ગરમ થતાં એ ત્યાંથી ઉપર ચઢવા લાગે છે. ઢીલા વણાટના કપડાંની આરપાર નીકળી જાય છે. એની જગ્યાએ ઠંડી હવા કપડાંમાં આવતી રહે છે. એટલે સરવાળે કાળા કપડાંમાં ગરમી વધતી નથી. આ રીતે એ લોકો કાળા કપડાંમાં વધારે ઠંડા રહે છે.

[email protected]