Blue Tick: Happiness shines from inside a man's mind ...!
  • Home
  • Columnist
  • બ્લૂ ટિક : સુખ તો માણસના મનની અંદરથી પ્રગટતું હોય છે…!

બ્લૂ ટિક : સુખ તો માણસના મનની અંદરથી પ્રગટતું હોય છે…!

 | 10:35 am IST
  • Share

  • સુખ એટલે બીજું કાંઈ ?
  • અનુભૂતિ એટલે સુખ ?
  • સુખ ક્યાંથી આવતું હોય છે અને ક્યાં જતું રહેતું હોય છે ?

સુખ કેવું હોય? એ આપણને ક્યાંથી મળે? આનંદને સુખ કહેવાય કે પછી સુખ એટલે બીજું કાંઈ ? ચોક્કસ ભાવ કે અનુભૂતિ એટલે સુખ ? સુખ ક્યાંથી આવતું હોય છે અને ક્યાં જતું રહેતું હોય છે ?! આવા અનેક પ્રશ્નો આપણને, આપણા મનને ઘમરોળતા હોય છે. એનું સમાધાન શોધવામાં જીવન પૂરું થઈ જાય છે. છતાં આપણને એનું સમાધાન નથી મળતું. 

 કદાચ ! આપણે અધકચરી સમજણના સહારે સુખ મેળવવા ઉધામા કરીએ છીએ. એનું પરિણામ એ આવે છે કે, આપણે દુઃખને નોતરી બેસીએ છીએ. મોટાભાગે આપણે જાતે ઊભી કરેલી સમસ્યાઓ જ આપણને પીડે છે. આવી સમસ્યાઓ કે પ્રશ્નોના ઘૂમરી લેતા વમળમાં આપણે ફસાઈ જતા આપણા સુખને પામવાના પ્રયત્નો ડૂબી જતા હોય છે. તો હવે પ્રશ્ન થાય કે આખરે સુખ એટલે શું? ચાલો સુખને સમજવા આપણે એક પ્રસિદ્ધ ઉદાહરણને સમજીએ. 

 પહાડી વિસ્તારમાં એક સાધુ રહેતા હતા. એક દિવસ તેઓ પોતાના ખભા ઉપર કેટલોક સામાન ઉપાડીને પહાડ ચડી રહ્યા હતા. ઢોળાવ સીધો અને કેડી થોડી સાંકડી હોવાના કારણે ચઢાણ કપરું હતું. એટલે સ્વાભાવિક રીતે સાધુને ચઢાણ ચઢવામાં મુશ્કેલી પડી રહી હતી. આમ તો સાધુ એકદમ યુવાન અને સ્ફુર્તિલા હતા, છતાં એમને થાક લાગી રહ્યો હતો. 

 આ કેડીને આગળ જતા બીજી એક કેડી મળતી હતી. આ બીજી કેડી પર એક બારેક વરસની છોકરી પોતાના ભાઈને ખભા પર બેસાડી પહાડ ચડી રહી હતી. બંને કેડી ભેગી થતાં સાધુ અને પેલી છોકરી બન્ને સાથે થઈ ગયા. કપરા ચઢાણથી સાધુ થાકી ગયા હતા. હવે એમને હાંફ્ ચડી રહ્યો હતો. પેલી છોકરી તો બિનધાસ્ત રીતે ઢોળાવ ચડી રહી હતી. આ જોઈ સાધુને નવાઈ લાગી. એમણે છોકરીને પૂછયું? 

‘દીકરી ! તે આટલો બધો ભાર ઉપાડયો છે તો તને થાક નથી લાગતો??’   ‘ના કેમ ? ‘ છોકરીએ જવાબ આપ્યો. સાધુ બોલ્યા, ‘ભારથી થાક તો લાગે જ બેટા ! તેં પણ માથે ભાર ઉપાડેલો છે, મેં પણ માથે ભાર ઉપાડેલો છે. વળી, પહાડીનો ઢોળાવ કપરો છે. હું તો ભારથી થાકી ગયો છું.’  સાધુની વાત સાંભળતા જ છોકરી બોલી.’મહારાજ ! તમે માથા પર ભાર ઉપાડયો છે એટલે તમને ભાર લાગે છે. મેં મારા માથે ભાર નહીં, મારો ભાઈ ઉપાડયો છે. એટલે મને ભાર નથી લાગતો.’  છોકરીની આ વાત મોટા ઉપદેશ સમાન છે. ભાર લાગે છે ત્યારે થાકી જવાય છે, ભાવ જાગે છે ત્યારે સુખ અનુભવાય છે. 

સાધુ પોતે માથે સ્થૂળ ભાર લઈને તો ફ્રતા જ હતા, પણ છૂપી રીતે એમના માથે સાધુતાના વેશનો પણ સુક્ષ્મ ભાર હતો. આ ભાર અને આ ભાવ સાધુને સુખી થવા દેતો નથી. છોકરી પાસે ભાઈના સુખનો આનંદ હતો. સાધુ પાસે એ નહોતું. આપણે પણ પેલા સાધુ જેમ જીવીએ છીએ એટલે સુખથી વંચિત રહી જઈએ છીએ. સુખ શોધવાની મથામણમાં આપણે અસુખને શોધી લાવીએ છીએ. 

 કસ્તુરી મૃગની નાભિમાં કસ્તુરી હોય છે, તો પણ મૃગ કસ્તુરીને શોધવા આમ તેમ વલખાં મારે છે. એના આ વલખાં એને પીડા અને થાક આપે છે. ભટકતું મૃગ શિકારીની નજરે ચડી મોતને ભેટે છે. શિકારી સુગંધિત કસ્તુરી મેળવી લે છે. આપણે પણ મૃગ જેમ ભટક્યા કરીએ છીએ. સુખરૂપી કસ્તુરી આપણી પાસે હોવા છતાં એને બહાર શોધવા વલખીએ છીએ. આ વલખાંમાંથી દુઃખ જન્મે છે.  સુખ તો આંતર ચેતનામાંથી પ્રગટતું હોય છે. જેના સુખની સરવાણી આવી ચેતનામાંથી પ્રગટી હશે એને અવિરત આનંદ મળ્યા કરવાનો છે. જેને એમ નથી એને સુખ શોધવા ગયે પણ જડવાનું નથી. 

સુખ એટલે શું ? એની સમજ શ્રીમદ્? ભગવદ્? ગીતામાં ખૂબ સરસ રીતે આપવામાં આવી છે. ગીતામાં કહ્યું છે કે, ઘણીવાર આપણે ઇંદ્રીય સ્પર્શને જ સુખ માની બેસીએ છીએ. આમ થવાથી આપણી આજુબાજુ એક પ્રકારની ભ્રમણા પેદા થાય છે. ઇંદ્રીય સ્પર્શ સાથે મનનું જોડાણ થયા પછીની અવસ્થા જ સાચું સુખ નિષ્પન્ન કરી શકે છે. બીજી રીતે કહીએ તો સુખ સાપેક્ષ હોય છે. એકના સંદર્ભે બીજાને સુખની અનુભૂતિ થતી હોય છે. ઘણીવાર એક માટેનું દુઃખ બીજા માટે સુખ નિષ્પન્ન કરતું હોય છે. 

મા દીકરાને જન્મ આપતી વખતે જે પીડા અનુભવે છે એ પીડા માતા માટે પરમ સુખની અનુભૂતિ લઈને આવે છે. અર્થાત અહીં અસહ્ય પીડા પરમ સુખ બની જાય છે. આનો મતલબ એવો કરી શકાય કે સુખની પ્રાથમિક શરત છે, સમર્પણ. જ્યાં સમર્પણનો ભાવ છે, જ્યાં અસીમ પ્રેમની ગંગા વહે છે, ત્યાં સાચું સુખ અવિરત રહેવાનું. મનની શાંતિ અને સંતોષ જ આપણને સાચું સુખ આપી શકે છે. સ્થળ, કાળ અને સ્થિતિ પ્રમાણે સુખની અનુભૂતિ બદલાઈ શકે છે, પણ શાંતિ અને સંતોષ હોય તો આપણે ગમે ત્યાં હોવા છતાં સુખને પામી શકીએ છીએ. ટૂંકમાં કહેવું હોય તો કહી શકાય કે, આંતર ચેતનામાંથી સ્ફૂટ થતી ભાવનાભૂતિને એટલે સુખ. 

સુખ એક રીતે લક્ષણ નહીં, સ્થિતિ છે. સુખ સાધ્ય છે તો મનની શાંતિ, સંતોષ, આનંદ વગેરે એના સાધન છે. આપણે ઘણીવાર જોયું છે કે, કેટલીક વ્યક્તિઓ નાની નાની વાતોમાંથી દુઃખ શોધ્યા કરે છે. પછી પોતે દુઃખી થાય છે ને બીજાનેય દુઃખી કરે છે. સામે પક્ષે અમુક વ્યક્તિ નાની નાની બાબતોમાંથી સકારાત્મકતા શોધતી જોવા મળે છે. આવી વ્યક્તિ નાની નાની વાતોમાંથી સુખ વીણી વીણીને એકઠું કરે છે અને પોતે તો સુખી થાય છે, પણ બીજાને પણ સુખી કરે છે. એટલે કહી શકાય કે સુખને વધારી પણ શકાય છે અને ઘટાડી પણ શકાય છે. માટે આપણે સુખ ઘટાડવાના બદલે વધારતા શીખી જવું જોઈએ. 

સુખ ઉપર સેમિનારોમાં કલાકો વ્યાખાન આપનાર પણ ઘણી વખત સુખ નથી મેળવી શકતા.આવું કેમ ? અહીં ‘વૈદ્યના ખાટલે જ હોય.’ એ કહેવતનું સ્મરણ થઈ આવે છે. જેના વર્તનમાં દરેક પળે સંતોષ અને શાંતિ હશે એની પાસે સુખ શોધવાની ગુરુચાવી છે એમ સમજવું રહ્યું.આવી ગુરુચાવી વ્યાખતાને જ જો હાથવગી ન હોય તો એ સુખ ક્યાંથી પામી શકવાનો? 

વૈભવ કે પૈસાથી આવતું સુખ ભૌતિક સ્થિતિ માત્ર છે. એ એશો આરામની સ્થિતિની અવસ્થા છે, સુખ નથી.જો એ સાચું સુખ હોત તો બધા પૈસાવાળા સુખી હોત અને બધા ગરીબ દુઃખી. સુખને સ્થિતપ્રજ્ઞાતાની અવસ્થા સાથે કદાચ સીધો સંબંધ છે. વ્યક્તિની સ્થિતપ્રજ્ઞાતા વ્યક્તિને સુખના રસ્તે દોરી જાય છે. એ પણ ખરું કે પ્રકૃતિ સાથે આપણું તાદાત્મ જેટલું વધું એટલા આપણે વધુ સુખી. જાપાનમાં આવેલ ઓકીનાવા ટાપુને દુનિયાનો સૌથી વધુ સ્વસ્થ, સુખી ટાપુ માનવામાં આવે છે. અહીંના લોકો પ્રકૃતિ સાથે પૂર્ણ તાદાત્મ્ય ભાવથી રહે છે. ભૂતાન સુખના ઇન્ડેક્સમાં માનનારો દેશ છે. અહીં ‘હેપીનેસ ઇન્ડેક્સ’ ને સૌથી વધુ મહત્ત્વ આપવામાં આવે છે. 

ખેર ! આપણી અંદર રહેલ સુખરૂપી કસ્તુરી શોધતા આપણે શીખી જવું પડશે. આપણે આપણી આંતર ચેતના જાગૃત કરવી પડશે. જો આમ થશે તો સુખ શોધવા નહીં જવું પડે. એ દોડીને સામે આવશે. અને હા, એ દોડીને સામે આવે ત્યારે આપણે એને આવકારવાનું ચૂકવાનું નથી. 

 થ્રી ડોટ્સ :  કોઈની સંગતથી વિચારો શુદ્ધ થવા લાગે, તો સમજવું કે એ વ્યક્તિ સાધારણ નથી. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો