Blue Tick: Our shrinking family system in modern life
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બ્લૂ ટિક : આધુનિક જીવનમાં આપણી સંકોચાતી કુટુંબ વ્યવસ્થા

બ્લૂ ટિક : આધુનિક જીવનમાં આપણી સંકોચાતી કુટુંબ વ્યવસ્થા

 | 5:44 am IST
  • Share

  • વિટંબણા : આપણે ભણ્યા પણ ગણ્યા નહીં
  • આપણે શિક્ષણ મેળવ્યું પણ કેળવણી ન પામી શક્યા
  • સમયાંતરે બદલાવ આવવો જરૂરી છે અને સહજ પણ છે

સમય સિવાય જગતની અંદર કોઈ જ વસ્તુ કે સ્થિતિ શાશ્વત નથી.એટલે જ કદાચ ‘મહાભારત’ નામની ટી.વી. સિરિયલમાં સમય નામનું ચક્ર જાણે એક પાત્ર હોય એ રીતે સતત હાજર જોવા મળતું હતું. સમયનું ચક્ર અટક્યા વિના બસ આ રીતે જ અવિરત ફર્યાં કરે છે. કહેવત પણ છે ને કે, ‘પરિવર્તન સંસારનો નિયમ છે.’ એ ન્યાયે આપણે એટલું તો સ્વીકારી જ શકીએ કે, સમયાંતરે બદલાવ આવવો જરૂરી છે અને સહજ પણ છે.પરિવર્તનશીલતાની પોતાની પણ આગવી ઉપકારકતા છે જ. વળી, સમયાંતરે થતા આવા ઉપકારક બદલાવને લીધે નવી હવા ફેલાતા,નવી તાજગી પણ અનુભવાતી હોય છે. આમ, ઉપર મુજબ વિચારતા કહી શકાય કે બદલાવ આવકાર્ય છે અને મહદંશે સ્થળ, કાળ, સ્થિતિ મુજબ જરૂરી પણ છે, છતાં આવો બદલાવ જ્યારે સામાજિક મૂલ્યો સંદર્ભે દેખાતો, અનુભવાતો હોય ત્યારે એના ઉપર આપણે ચોક્કસ વિચાર કરવો પડે. કારણ કે, મૂલ્યો વિનાના જીવનથી પશુતા પાંગરતી હોય છે. આવી પશુતા પછીથી સંસ્કૃતિને ભરખી જતી હોય છે. આજે સામાજિક મૂલ્યોમાં આવેલા બદલાવને કારણે ઊભી થયેલી વ્યક્તિગત કે સામૂહિક વિડંબણાએ ઘણા પ્રશ્નો ઊભાં કર્યાં છે. આવી સમસ્યા તરફ્ આપણે જો આંખ આડા કાન કરીશું તો આવનારા દિવસો આપણા માટે બહુ ભારે હશે.

તકલીફ્ ત્યારે થાય છે કે, જ્યારે મૂલ્યો સંપત્તિ કે આપણી એસેટના બદલે માત્ર કિંમત બનીને રહી જાય છે. હજુ ગઈકાલ સુધી જે મૂલ્યો આપણી અમૂલ્ય ધરોહર હતા, એ જ મૂલ્યો આપણા માટે આજે માત્ર કિંમત બની ને રહી ગયા છે. આપણી સંકોચાતી કુટુંબ વ્યવસ્થા એનું જ એક વરવું ઉદાહરણ છે. પહેલાંના જમાનામાં આપણે ત્યાં શ્રેષ્ઠ કક્ષાની કુટુંબ વ્યવસ્થા હતી. ‘બહુ તંત બલવંત’ની ઐક્યપણાની ભાવના સાથે એક ઘરમાં દસ, પંદર કે વીશ સભ્યો આરામથી રહેતા હતા.પરિવારની છત્રછાંયામાં નાના મોટાં સૌ સભ્યો સુખ-દુઃખને સાથે મળી ને જીવતા હતા. આજે આ વ્યવસ્થા છિન્નભિન્ન થઈ ગઈ છે. એમ કહો કે લુપ્ત થવાના આરે પહોંચી છે. છેલ્લા ચારેક દાયકા પહેલાંના સમય અને આજના સમયમાં બહુ મોટો મૂલ્યલક્ષી નકારાત્મક બદલાવ આવ્યો છે. એક સમય હતો, જ્યારે કુટુંબની વ્યાખ્યામાં માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, કાકા-કાકી, નણંદ-ભોજાઈ અને ભત્રીજા-ભત્રીજીનો સમાવેશ થતો હતો. અવિવાહિત કાકા કે ફઈ પણ કુટુંબનો જ અવિભાજ્ય ભાગ ગણાતો હતો.

આજે આ કુટુંબની પ્રથા સંકોચાઈ ગઈ છે. આજે કુટુંબમાં માત્ર પતિ-પત્ની અને દીકરો-દીકરી અથવા પતિ-પત્ની અને દીકરો કે પતિ-પત્ની અને દીકરી જ રહ્યાં છે. પરિવારનું આવું સંકોચન આપણી પરંપરાગત સામાજિક અને કૌટુંબિક વ્યવસ્થા ઉપર કુઠારાઘાત સમાન છે. આજના આધુનિક બાળકને દાદા -દાદીની ગોદનું કે એમની વાર્તાઓ અને લાડનું સુખ મળતું જ નથી. વધી વધીને એકાદ બેન કે ભાઈનું સુખ માંડ તેઓ પામી શકે છે. આવી સ્થિતિને કારણે આવનારા દિવસોમાં ફઈ, કાકા, ભત્રીજો, ભત્રીજી, મામા, માસી જેવા ઘણા શબ્દો લુપ્ત થઈ જવાના છે. આવનારી પેઢી આ શબ્દો અને એના સંબંધની મીઠાશથી બિલકુલ અજાણ રહી જવાની છે.

સયુંક્ત કુટુંબ વ્યવસ્થાનું હયંર્ુભર્યું વાતાવરણ વ્યક્તિના જીવનમાં અનેક રંગો પૂરતું હતું. આજે ઘરમાં એકલતા સિવાય કંઈ જ બચ્યું નથી. સૌથી મોટો સવાલ એ થાય છે કે, આજે આપણે ઘરમાં રહીએ છીએ કે મકાનમાં? વ્યક્તિને જ્યારે ઘરના બદલે મકાનમાં રહેવાનું થાય છે ત્યારે એનામાં શુષ્કતા આવી જાય છે. આવી શુષ્કતા વચ્ચે મન હળવું કરી શકાય એવી જગ્યા ન હોવાના કારણે માણસ પોતાનો મુઝારો ક્યાંય ઠાલવી નથી શકતો. મુઝારો વધી જતા વ્યક્તિ પછી જીવન સમાપ્ત કરવા આત્યંતિક પગલું ભરે છે. મોટું કુટુંબ હોય તો વ્યક્તિને કોઈક ને કોઈક પાસે પોતાની વાત કે મુશ્કેલી વ્યક્ત કરવાનો અવકાશ મળી રહે છે. આશ્વાસન અને સધિયારો મળી રહે છે. હિંમત અને બળ મળતા આવી વ્યક્તિ ટકી જાય છે. આજે વધેલા આત્મહત્યાના બનાવો પાછળ મહદંશે તૂટતી જતી આપણી કુટુંબ વ્યવસ્થા જ જવાબદાર છે.

આજે વ્યક્તિગત મૂલ્યોમાં બહુ મોટો બદલાવ આવ્યો છે. જેના લીધે સામાજિક મૂલ્યો આમૂલ પરિવર્તન પામ્યા છે. ‘યૂઝ એન્ડ થ્રો’ના જમાનામાં આપણે જે નકામું થઈ ગયું છે એને ફ્ેંકી દઈએ છીએ. એનંુ પરિણામ એ આવ્યું કે, ઘરમાં જે વૃદ્ધ છે, અથવા તો ઉપયોગી નથી, એવા મા-બાપને આપણે નકામા ગણવા લાગ્યા છીએ. જેમણે આપણા માટે જીવન ખર્ચી નાખ્યું છે, રાત-દિવસ જોયા વિના આપણા સપના પૂરાં કરવા જાત નિચોવી નાખી છે, એમને આપણે છેલ્લી અવસ્થમાં ધૂત્કારી કાઢીએ છીએ. આપણે આપણી જાતને શિક્ષિત ગણી રોફ જમાવીએ છીએ, પણ વાસ્તવમાં આપણને પ્રશ્ન થવો જોઈએ કે શું આપણે ખરેખર સાચા અર્થમાં શિક્ષિત-દીક્ષિત છીએ? સુશિક્ષિત પરિવારોમાં આવા કિસ્સા સૌથી વધુ બની રહ્યા છે. એનો સીધો મતલબ એ થયો કે, આપણે ભણ્યા પણ ગણ્યા નહીં. આપણે શિક્ષણ મેળવ્યું પણ કેળવણી ન પામી શક્યા.

પહેલાંના સમયમાં કુળની ખાનદાની અને ખોરડાના મૂલ્યો જોવાતા. આજે જોવાય છે માત્ર ભૌતિક સ્ટેટસ અને સંપત્તિ. આવી સંપત્તિ એ પરિવારમાં શી રીતે આવી છે, એ પણ જોવાની આપણને દરકાર નથી. આપણે આપણી દીકરી માટે સભ્ય અને સભ્યતાની રીતે નાનું અને સંપત્તિની રીતે મોટું ઘર શોધીએ છીએ. પછી પસ્તાવા સિવાય કશું જ હાથમાં નથી આવતું.

ગરીબ અને પછાત ગણાતી જ્ઞાાતિ, સમાજ કે પરિવારને ત્યાં મહદંશે મૂલ્યો સચવાયા છે. આપણે જેમને બધી રીતે નાના ગણીએ છીએ, એ હકીકતમાં ગુણની દૃષ્ટિએ આપણાથી ખૂબ મોટાં છે. નાણાં વગરનો નાથિયો, નાણે નાથાલાલ’ કહેવત પણ આપણે ગુણપૂજકને બદલે નાણાપૂજક બની ગયાનું દર્શાવે છે.

માણસો આજે ભાડે મળી રહ્યા છે. સિદ્ધાંત, વચન, સંસ્કારને આપણે જૂનવાણી રૂઢિ ગણી ફ્ેંકી દઈ રહ્યા છીએ. એક રીતે આપણે વધુ પડતા ફ્લેક્સિબલ અને મતલબી બની ગયા છીએ. ઘરમાં આજે કોઈ કોઈને સાંભળવા કે સંભાળવા તૈયાર નથી.  ભાવ વધવાના બદલે ભાર વધી રહ્યો છે. ચાર દીવાલમાં રહેતા ચાર સભ્યો વચ્ચે સંવાદિતા નિમિત્તે શૂન્યતા વ્યાપેલી જોવા મળે છે. સારા-નરસાનું ભાન રાખ્યા વિના આપણે બહુ સહજતાથી મૂલ્યો બદલી રહ્યા છીએ. સ્વતંત્રતાને આપણે સ્વછંદતામાં ફેરવી નાખી છે. આમ જ જો આપણે સમજદારી વિના મૂલ્યો બદલતા રહીશું તો આપણું અધઃપતન નક્કી છે. આપણે આપણને જ બચાવવા નથી માંગતા તો આપણને બીજું કોણ બચાવવા આવશે! આખરે મૂલ્યો નૈતિકતાના આધાર ઉપર ટકતા હોય છે. આજે આ નૈતિકતા જ કકડભૂસ થઈ ગઈ છે. સગવડિયા ધર્મે આપણને પાંગળા બનાવી દીધા છે. હવે આપણે જાગવું પડશે, નહિતર આ મૂલ્યોનો હાસ આપણને ભરખી જશે.

થ્રી ડોટ્સ :

મા-બાપને વૃદ્ધાવસ્થામાં લાકડીના ટેકાની નહીં, લાગણીનાં ટેકાની જરૂર હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો