• Home
  • Entertainment
  • Bollywood
  • વૃક્ષનું નિકંદન કાઢવા બદલ રિશિ કપૂરને BMC એ પાઠવી નોટિસ

વૃક્ષનું નિકંદન કાઢવા બદલ રિશિ કપૂરને BMC એ પાઠવી નોટિસ

 | 9:59 am IST

મુંબઇ મહાનગર પાલિકાએ પીઢ અભિનેતા રિશિ કપૂરને નોટિસ મોકલી છે. બાન્દ્રામાં પાલી હિલ્સ ખાતે કૃષ્ણરાજ બંગલામાં વડના વૃક્ષની ડાળીઓ પરવાનગી વગર વધુ કાપતાં અભિનેતાને નોટિસ મોકલવામાં આવી છે. પાલિકાના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગત સપ્તાહ અભિનેતા રિશી કપૂરે વૃક્ષને છ ડાળીઓ કાપવાની પરવાનગી માગી હતી. ઇમારતના બાંધકામમાં આ વૃક્ષની ડાળીઓ વચ્ચે આવી રહી હોવાની વાત જણાવી વડની કેટલીક ડાળીઓ કાપવાની પરવાનગી માગી હતી.

તમને જણાવી દઇએ કે, પરવાનગી મળ્યા બાદ અભિનેતાએ જરૂરિયાત કરતા વધારે વૃક્ષની ડાળીઓ કાપી હતી અને તેને પગલે અભિનેતાને નોટિસ મોકલવામાં આવી છે. તમારી પર કાર્યવાહી કેમ ન કરીએ ? એવો સવાલ કરી અભિનેતા રિશિ કપૂરને જવાબ આપવા 24 કલાકની મુદત આપવામાં આવી છે. મહારાષ્ટ્ર (નાગરી ક્ષેત્ર) વૃક્ષનું સંરક્ષણ તેમ જ જતન (સુધારણા) અધિનિયમ 155 હેઠળ ગુનો દાખલ કરવા માટે બીએમસીએ પોલીસમાં ફરિયાદ કરવી પડશે.

નોંધનિય છે કે, નોટિસનો જવાબ આપતાં રિશી કપૂરે જણાવ્યું હતું કે આ કામ કરનાર કોન્ટ્રેકટર સાથે ચર્ચા કરીશ. વૃક્ષને મેં કાપ્યું નથી કે તેનું નિકંદન કાઢયું નથી. કોન્ટ્રેકટરની કયાં ભૂલ છે તેની પણ હું તપાસ કરી બીએમસીને જાણ કરીશ.