NIFTY 9,934.80 +4.90  |  SENSEX 31,687.52 +24.78  |  USD 63.8800 -0.17
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બોર્ડ એક્ઝામ સંતાનોની અને તૈયારીઓ પેરન્ટ્સની!

બોર્ડ એક્ઝામ સંતાનોની અને તૈયારીઓ પેરન્ટ્સની!

 | 2:21 am IST

રિવરફ્રન્ટની પાળેથી

અમેરિકાના તત્કાલીન પ્રેસિડેન્ટ લિંકને અમેરિકાની એક યુનિવર્સિટીમાં કોન્વોકેશન સ્પીચ આપતાં પહેલાં સંબોધન કર્યું, ’My fellow students.’ આટલું સાંભળીને તો ત્યાંના વિદ્યાર્થીઓ અને વાલીઓ આૃર્યના આનંદથી ઝૂમી ઊઠયા. વિવેકાનંદના બોલાયેલા શબ્દો ’My brother and sisters’ જેટલું જ ઘેલું લગાડયું’તું લિંકનનાં આ સંબોધને! કોઈએ લિંકનને પૂછયું : ‘સર, તમે તો અત્યારે પ્રેસિડેન્ટ છો, તો પછી ’My fellow students.’ જેવું સંબોધન કેમ કર્યું?’ લિંકને સસ્મિત જવાબ આપ્યો : ‘મેં એવું સંબોધન એટલા માટે કર્યું કે મેં હજી પણ કંઈક ને કંઈક શીખવાની વૃત્તિ પ્રવૃત્તિ બંધ નથી કરી. આજે પણ હું એક સ્ટુડન્ટ જ છું.’

આપણા મોટા મોટા માણસો, આટલું નાનું નાનું વિચારતા નથી, કેમ કે, એમને એ વાતની બીક છે કે આજનો વિદ્યાર્થી કદાચ એવું સમજી બેસે કે વાહ, આ બધા મહાનુભાવો તો અમારા જ લેવલના છે, તો પછી અમારા ખુદનાં લેવલનું શું?

મિત્રો, હમણાં દસમા-બારમા ધોરણની બોર્ડએક્ઝામ ચાલે છે. પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓનાં મોઢેથી જે ડાયલોગ નથી સંભળાતો, એ ડાયલોગ પેરન્ટ્સની બોડીલેંગ્વેજ પરથી સંભળાય છે કે : ‘માર્ચ મહિનામાં તો આવી બડી બડી પરીક્ષાઓ મેં છોટી છોટી ચિંતાએં હોતી રહતી હૈ.’

એક સમય હતો કે જ્યારે પરીક્ષાઓની તૈયારી, જેને પરીક્ષા આપવાની હોય એને જ કરવાની રહેતી’તી, આજે એવું નથી. આજનાં મા-બાપ સોરી, આજનાં પેરન્ટ્સ એટલાં સંતાનપ્રેમી, સંતાનચિંતક અને સંતાનહિતરક્ષક બની ગયાં છે કે પરીક્ષા આપવાની હોય છે સંતાનોને અને ગભરામણ અનુભવે છે પેરન્ટ્સ! આને કહેવાય જમે ભીમ અને ‘જાય’ દુર્યોધન! ખૂબીની અને મઝાની વાત તો એ છે કે ગભરાઈ ગયેલાં પેરન્ટ્સ પોતાનાં પરીક્ષાર્થી સંતાનને ગભરાતાં ગભરાતાં એવું કહેતાં હોય છે કે પરીક્ષાથી સહેજપણ ગભરાવાનું નહીં, શું સમજ્યો?(અથવા શું સમજી?) પણ આજનાં સંતાનો સ્માર્ટ છે. ભગવાનને ખબર છે કે ભારત હવે ન્યૂ ઇન્ડિયા બનવા જઈ રહ્યો છે ત્યારે એમાં માત્ર સ્માર્ટકાર્ડથી જ કામ નહીં ચાલે, હવે તો સ્માર્ટ વિલેજ, સ્માર્ટ ટાઉન, સ્માર્ટ સિટી, સ્માર્ટ તાલુકો, સ્માર્ટ ડિસ્ટ્રિક્ટ, સ્માર્ટ સ્ટેટ અને એમ કરતાં કરતાં સ્માર્ટ નેશન બની શકે પણ આ બધું સ્માર્ટમ્ સ્માર્ટ ક્યારે બને? જ્યારે હું એવાં સ્માર્ટ સંતાનો ભારતમાં મોકલું તો જ ભારત સ્માર્ટ ઇન્ડિયા અને પછી ન્યૂ ઇન્ડિયા બનશે ને? બસ, આટલાં જ કારણે હવેનાં(અને અત્યારનાં પણ!) સંતાનો એકદમ સ્માર્ટ હોય છે! એટલે એ પોતાનાં પેરન્ટ્સની સલાહ અને પેરન્ટ્સની બોડીલેંગ્વેજમાં રહેલા વિરોધાભાસને સમજી મનમાં ને મનમાં હસી લેતાં હોય છે.

કેટલાક પપ્પાઓ તો માર્ચ મહિનાની રાહ જોઈને જ બેઠા હોય છે કે ક્યારે બોર્ડએક્ઝામની સિઝન આવે અને એ બહાને સળંગ દસેક દિવસની રજા લઈને આરામ પર ઊતરી જવાય! જોકે ઓફિસના આરામ અને ઘરના આરામ વચ્ચે માત્ર સ્થળનો જ ફરક હોય છે. ઘરમાં મળતા આરામમાં ક્યારે બ્રેક લેવો પડે અને વાઇફનું બતાવેલું કામ કરવું પડે એનું કંઈ નક્કી નહીં, જ્યારે ઓફિસમાં થતો આરામ આ દૃષ્ટિએ એકદમ ‘નિષ્કામ’ હોય છે. આવા કામરહિત આરામને શાસ્ત્રમાં વિશ્રામ કહ્યો છે, હવે એવું ન પૂછશો કે કયા શાસ્ત્રમાં? આ તો એવું છે કે આવું બોલીએ કે લખીએ તો સાંભળનાર કે વાંચનારને લાગે કે વાહ, આ ભાઈ(કે બહેન)ને શાસ્ત્રનું કેટલુંબધું જ્ઞાન છે! લિંકનસાહેબે એટલે તો કબૂલ્યું છે કે હું સતત ને સતત કંઈક શીખતો જ રહ્યો છું. આ બધું શીખવા જેવું છે સાહેબ!

લગ્નપ્રસંગે જેમ વર એકાદ દિવસ પૂરતો રાજા બની જાય છે અને ઘરનાં બહારનાં સૌને ખડે પગે રાખે છે એમ બોર્ડએક્ઝામના સમયે સંતાન પણ એકાદ અઠવાડિયા પૂરતું રાજા બનીને રાજાશાહી ભોગવી લે છે. સારું છે, પોતાનાં પેરન્ટ્સ પ્રત્યે સંતાનોનો પ્રેમ બમણો થઈ જાય છે, જોકે ચબરાક સંતાનો સમજી જતાં હોય છે કે મમ્મી-પપ્પા પરીક્ષાના સમયમાં જેટલો પ્રેમ અમારાં પર વરસાવી રહ્યાં છે એટલો પરીક્ષા સિવાયના દિવસોમાં કેમ નહીં વરસાવતાં હોય? એ દિવસોમાં તો બંને જણાં આકરા ઉનાળાની જેમ વર્તે છે? એના કરતાં આવી પરીક્ષાઓ દરરોજ હોય તો કેવું સારું! રોજ રોજ એમના વરસતા પ્રેમમાં નહાવાનું તો મળે! અભિનેતા જ અભિનય કરી જાણે એવું નથી સાહેબ, અભિનય કરતાં આવડે એ બધા જ સાચા અર્થમાં અભિનેતા કહેવાય! આવા સમયે પેરન્ટ્સ દ્વારા થતો અભિનય જોઈને સંતાનો હરખાતાં હોય છે, એટલે પૂરા પરિવારમાં એકબીજાંને મનોરંજન આપ્યાનો આનંદ પણ બધાં ઊજવી લેતાં હોય છે.  થોડા દિવસ પહેલાં એક તાંત્રિક મહારાજ ચમકેલા! એમણે એવા પ્રકારની પેન શોધી’તી કે એ પેન વડે જે વિદ્યાર્થી બોર્ડએક્ઝામનું પેપર લખશે એનાં બધાં જ પેપરો સારાં જશે! બસ, આગની જેમ આ શુભ સમાચાર આખા શહેરમાં રાજ્યમાં ફેલાઈ ગયા. તાંત્રિક મહારાજ પાસે જે ચમત્કારિક પેનોનો પુરવઠો હતો એ ખલાસ થવા માંડયો. અર્થશાસ્ત્રનો નિયમ છે કે પુરવઠો ઓછો હોય અને ડિમાન્ડ વધારે હોય ત્યારે ભાવ વધવા માંડે. અહીં પણ એવું જ થયું. પેલા તાંત્રિક મહારાજ માટે, પરીક્ષાર્થીઓ કરતાંય પરીક્ષાર્થીઓનાં પેરન્ટ્સનો ‘ભાવ’ વધવા માંડયો! કહેવાય છે કે આ તાંત્રિક મહારાજ ‘જનરલ પ્રેક્ટિશનર’ જેવા હતા, એટલે એ કોઈના પર્સનલ મહારાજ કે ફેમિલીગુરુ કે ઇન્સ્ટિટયૂશનલગુરુ નહોતા, એટલે હમણાં એ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે! જો એ જનરલ પ્રેક્ટિશનર ન હોત અને કોઈના ફેમિલીગુરુ કે કોર્પોરેટગુરુ હોત તો કોઈક ફાઇવસ્ટાર બંગલામાં સેવનસ્ટાર આરામ ફરમાવી રહ્યા હોત. ભારતમાં ગુરુનું મહત્ત્વ છે પણ ઇન્ડિયામાં તો આવા મહાગુરુ કે ગુરુઘંટાલનું મહત્ત્વ છે. કેટલાંક રિચેસ્ટ ફેમિલીમાં લગ્નસિદ્ધ સ્વામી કરતાં આવા ‘ફેમિલીસ્વામી’ઓનું એક ત્રીજું જ વિશ્વ જોવા મળે છે.

હમણાં એક બહેન સોફા પર બેસીને ધ્યાન ધરી રહ્યાં’તા, એકાએક મોબાઇલ રણક્યો. બહેને એક આંખ ખોલીને જોયું તો મમ્મી! વળી પાછી પેલી ખોલેલી આંખ બંધ કરીને ફોનમાં કહ્યું : ‘મમ્મી, ડોન્ટ ડિસ્ટર્બ મી. ટિંચુડાની બોર્ડએક્ઝામ ચાલે છે એટલે હમણાં હું અખંડ ધ્યાનમાં બેઠી છું. શું કહ્યું? તેં અને પપ્પાએ પણ ધ્યાનમાં બેસવાનું શરૂ કરી દીધું છે? ના હોય? પપ્પાને મારા વતી રિક્વેસ્ટ કર કે ટિંચુડાનાં પેપરો સારાં જાય એ માટે એમણે એક પગે ઊભા રહીને ધ્યાન ધરવાની જરૂર નથી, ટિંચુડાના પપ્પાએ તો એમના કરતાં પણ જોરદાર માનતા રાખી છે! હા, પણ કોઈને કહેવાની એમણે મને ના પાડી છે.