શરીરમાં મિત્ર જીવાણુઓની સંખ્યા અને પ્રકાર વધે એ જ શ્રેષ્ઠ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • શરીરમાં મિત્ર જીવાણુઓની સંખ્યા અને પ્રકાર વધે એ જ શ્રેષ્ઠ

શરીરમાં મિત્ર જીવાણુઓની સંખ્યા અને પ્રકાર વધે એ જ શ્રેષ્ઠ

 | 3:28 am IST
  • Share

સાયન્સ મોનિટરઃ વિનોદ પંડયા

ઘણા એવા લોકો છે જેમને પેટ અને આંતરડામાં કોઇ ચેપ લાગ્યો હોય ત્યારે ચેપના જંતુ મારવા માટે તબીબો ચેપવિરોધી એલોપેથિક દવા આપે છે. આ એન્ટીબાયોટિકને કારણે આંતરડામાંના સારા બેકટેરિયા પણ મરણ પામે છે અને ઝાડા જેવી તકલીફે વધી જાય છે. આથી હવે માનવમિત્ર બેકટેરિયા ધરાવતી દવાઓ દરદીને અપાય છે. બજારમાં હવે માનવમિત્ર બેકટેરિયા ધરાવતા પ્રોબાયોટિક લસ્સી અને દહીં પણ મળે છે.

સંશોધનો દર્શાવે છે કે આપણા પાચનતંત્રમાં રહેલા બેકટેરિયા અથવા માઇક્રોબ્સ ખૂબ જ મહત્વના છે. હમણાના સંશોધનોમાં તેનું મહત્વ વધુ સમજાયું છે. એ પણ સમજાયું છે કે વિપરિત આહાર અને વિહારને કારણે શરીરમાં મિત્ર માઇક્રોબ્સનું પ્રમાણ જોઇએ એટલું વધતું નથી. મોટા ભાગના લોકોમાં આવા મિત્રોની કમી દેખાય છે. યોગ્ય પ્રકારના આહાર વિહારથી તેમની સંખ્યા વધારી શકાય છે.

સરેરાશ માનવીના આંતરડાં અને પાચનતંત્રમાં લગભગ એક હજાર પ્રકારના માઇક્રોબ્સ હોય છે. અને તમામનો સરવાળો કરવામાં આવે તો તે પરાર્ધના હિસાબે હોય છે અને તે તમામ શરીરમાં મહત્વનું કામ કરતાં હોય છે. શરીરમાં રહેલા તે કડીયાઓ છે જે શરીરના તન, મન અને આકાર માટે ખુબ મહત્વના છે.

આપણા જિનોમમાં (જિનેટિક નકશામાં) લગભગ ૨૦ હજાર જીન્સ હોય છે પણ માઇક્રોબ્સની સંખ્યા તેના કરતાં ૫૦૦ ગણી વધારે હોય છે. તેઓ શરીરમાં ખોરાક પચાવે છે. શરીર માટે જરૂરી એવા ઘણાં વિટામિન્સ અને મિનરલ્સનું ઉત્પાદન કરે છે, બહારના શત્રુ બેકટેરિયાનો ચેપ લાગે તો એ શત્રુ સામે એકઠા થઇને તેને ખતમ કરે છે અને એ રીતે માણસને બિમારીઓથી બચાવે છે. આ મિત્રજીવાણુઓ આટલેથી અટકતાં નથી. તેઓ માનવીના શરીરનાં અંદરના ભાગોની પુનર્રચના અને નવઘડતર પણ કરતાં રહે છે. પરિણામે માનવીના શરીરનો બાંધો અને બહારની રચના પણ તંદુરસ્ત રહે છે.

‘આઇ કન્ટેઇન મલ્ટીટયુડ્સ’ પુસ્તકનાં લેેખક ઇડ યૌંગ કહે છે કે આપણાં માઇક્રોબ્સ આપણા શરીરનાં બંધારણ માટે મદદરૂપ બને છે અને આપણી ઉંમર વધતી જાય તેમ તેમ શરીરમાંની ગ્રંથિઓ અને અવયવોને સુધારતા રહે છે અને નવું નિર્માણ કરતાં રહે છે. વાત અહીં પણ પુરી થતી નથી.

શરીરમાંના જીવાણુ માનવીનાં વર્તન અને વિચારો પર પણ પ્રભાવ પાડે છે. પ્રાણીઓ પર થયેલાં અસંખ્ય પ્રયોગોમાં એ પુરવાર થયું છે કે તેમનાં આંતરડામાં જેઔમાઇક્રોબ્સ હોય છે તેનો પ્રાણીઓના મૂડ અને વ્યવહાર પર તેમજ ચિંતા અને તણાવનો સામનો કરવાની શક્તિ પર પણ પ્રભાવ પડે છે. સારા વિચારો માટે સારૃં ભોજન લેવાની સલાહ આયુર્વેદમાં આપવામાં આવી છે તે સાચી પુરવાર થઇ છે. એ પણ ખરૃં છે કે દરેક વ્યક્તિના વિચારો અને વર્તનમાં ઘણી વખત જમીન આસમાનનો તફવત જોવા મળે છે. એ જ પ્રમાણે શરીરમાંનાં જીવાણુઓના પ્રકાર અને સંખ્યા બાબતે માનવી માનવી વચ્ચે મોટા ફેરફરો જોવા મળે છે. અગાઉ કહ્યું તેમ માનવી માનવી વચ્ચે જિનેટિક તફવતો હોય છે તેનાં કરતાં પણ વિશાળ માત્રામાં જીવાણુઓના તફવત હોય છે. દરેક માણસના ફ્રેન્ડલી જીવાણુઓનો નકશો તેના આરોગ્યવિષયક ઇતિહાસ, સ્થળ અને આહાર પર નિર્ભર કરે છે. આથી અમુક માણસને અમુક જગ્યાના અન્ન, જળ અને હવા માફ્ક આવતા નથી તે સ્પષ્ટપણે સમજાય છે. જીવાણુઓની સંરચનામાં નજીકના સગાસંબંધીઓમાં પણ તફવત હોય છે.

મિત્રજીવાણુની સંખ્યામાં વિવિધતા હોય એ શરીર માટે હિતાવહ છે. કુલ વસતિમાં એવા દસ ટકા લોકો હોય છે જેમના શરીરના જીવાણુઓમાં સૌથી ઓછી વિવિધતા હોય છે. આંંતરડાંના આરોગ્ય માટે વિવિધતા ખૂબ જરૂરી છે. એકાદ વખત કંઇક બહારનું ખાઇ લેવાથી કે એકાદ વખત ઇ.કોલી કે ક્લોસટ્રિડિયમ જેવા દુશ્મન જીવાણુનો ચેપ લાગવાથી સારા અને ખરાબ બેકટેરિયા વચ્ચેનું બેલેન્સ ખોરવાઇ જતું નથી. શરીરમાં યોગ્ય બેલેન્સ કાયમ માટે હોવું જોઇએ. પાચનતંત્રને નુકશાન કરે એવા ચેપી બેકટેરિયાની જાત એકસોથી પણ ઓછી છે. શરીરમાં હજારો પ્રકારના એવા બેકટેરિયા હોય છે જે શરીરને કોઇ નુકશાન પહોંચાડતાં નથી. શરીરમાં ઇચ્છવાયોગ્ય માઇક્રોબ્સની યાદીમાં અક્કેરમેન્સિયા અને ક્રિસ્તનસેનેલાસેઇ છે. આ બન્ને બેકટેરિયા શરીરને સ્થૂળ બનતા અટકાવે છે. મિથાનોબ્રેવીબેકટર નામના બેકટેરિયા ખોરાકમાંથી વધુ ઊર્જા ખેંચી કાઢે છે. તેના કારણે વધુ ખોરાક ખાવાની જરૂર પડતી નથી. ઓકઝાલાબેકટર કિડનીમાં પથરી થતાં અટકાવે છે.

ઘણા લોકોના શરીરમાં આવા બેકટેરિયાનું પ્રમાણ શૂન્ય હોય છે તેથી બીમારીઓનો ભોગ બને છે. જીવાણુઓના પ્રકારમાં વિવિધતા હોવી જરૂરી છે. જેટલા પ્રકાર વધારે તેમ તેઓની કામગીરી પણ વધારે. શરીરની અનેક બીમારીઓ સામે અનેક પ્રકારના બેકટેરિયા દિવાલ બનીને ઉભા રહે છે.

શરીરમાં આ આંતરિક યુધ્ધ અવિરત ચાલતું હોય છે. રંગોળીમાં જેટલા રંગ વધુ એટલી વધુ નિખરી આવે.

તો એ રંગોળી સુધારવા શું કરી શકાય ? વિવિધતા માટે વિવિધ પ્રકારનો આરોગ્યપ્રદ ખોરાક ઉત્તમ છે. માટે ખાવાયોગ્ય હોય તેવી તમામ ચીજો ખાઓ. દહીંથી બેકટેરિયાનું પ્રમાણ સુધરે છે. ઇરાનમાં કેફીર નામનું દૂધ બનાવવામાં આવે છે. આ ખાટા દૂધમાં ફ્રેન્ડલી માઇક્રોબ્સનું પ્રમાણ પાંચ ગણું વધારે હોય છે. આથાવાળો અથવા ર્ફ્મેન્ટ થયેલો ખોરાક આરોગ્યપ્રદ બેકટેરિયાના વૃધ્ધિ માટે મદદરૂપ બને છે. અમુક ર્ફ્મેન્ટેડ સુપ તેમજ વિવિધ શાંત મસાલાઓથી ભરેલી કોબીઝ, લસણ, રીંગણા, કેળા અને રેસાવાળું આખું અનાજ મિત્રજીવાણુઓની વૃધ્ધિ કરે છે. મતલબ કે ઘણા ધર્મો જેને તામસી માને છે એ ખોરાકને વિજ્ઞાાન તામસી માનતું નથી. એક્કેરમેન્સિયા માઇક્રોબ્સની વસતિ વધે તે માટે લાલ દ્રાક્ષમાં રહેલું પોલીફેનોલ્સ નામનું તત્વ ખૂબ મદદરૂપ પુરવાર થાય છે. આથી દ્રાક્ષાસવ અથવા સંયત માત્રામાં લાલ દ્રાક્ષનો વાઇન પાચનશક્તિ માટે ફયદાકારક છે. ડેરીના દૂધમાં અને દહીંમાં ઉમેરેલાં પ્રોબાયોટિક બેકટેરિયાનો લાંબા ગાળે ફયદો થતો હોય તેવાં કોઇ પુરાવા વિજ્ઞાાનને મળ્યા નથી. પરંતુ નાનાં બાળકોને અને વૃધ્ધોને પેટમાં ગરબડ થઇ હોય ત્યારે ટુંકા ગાળાના નિવારણ માટે તે ઉપયોગી નીવડે છે. અગાઉ કહ્યું તેમ એન્ટીબાયોટિક્સથી પેટ બગડે ત્યારે પણ પ્રોબાયોટિક મદદરૂપ બને છે.

અનુભવોના આધારે આયુર્વેદની રચના થઇ છે. તમામ બીમારીઓનો આયુર્વેદ પાસે ઇલાજ કદાચ નહીં હોય, પણ પેટના આરોગ્ય માટે આયુર્વેદની પધ્ધતિઓ અકસીર છે. લાંબો સમય અમુક પરહેજી પાળવાથી અને અમુક પ્રકારનો ખોરાક ખાવાથી પેટમાંના માઇક્રોબ્સનું તંત્ર સુધરે છે. પેટ માટે આયુર્વેદ પ્રમાણે જીવો અને ધર્મનાં ખોટા વળગણોથી દૂર રહો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન