શરીરની ત્વચાની માવજત માટે રવિવારે ખાસ સ્નાન કરો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Nari
  • શરીરની ત્વચાની માવજત માટે રવિવારે ખાસ સ્નાન કરો

શરીરની ત્વચાની માવજત માટે રવિવારે ખાસ સ્નાન કરો

 | 1:39 am IST

મેકઓવર : શહેનાઝ હુસૈન

નોકરી કે બિઝનેસ કરતાં હોઈએ તો રોજ-રોજ સુંદર દેખાવા માટે મેકઅપ વગેરે તો કરતા રહીએ છીએ, પરંતુ ચામડીને પોષણ આપવાનું કે જાળવવાનું કોઈ કામ થતું નથી. તો રવિવારના દિવસે આપણે આપણા શરીરની સરભરા કરવી જોઈએ. આખા શરીરની ત્વચાને પોષણ મળે એ માટે રવિવારે કરવાના કેટલાક સ્નાનની વાત કરીએ.

હની બાથઃ નહાવાનું એક ડોલ પાણી લઈ એમાં બે ટેબલ સ્પૂન મધ નાંખો. આ પાણીથી નહાવાથી ચામડીના એકએક કોષને નિરાંત મળશે. હળવાશ થશે અને ચામડી મુલાયમ તથા નરમ રહે છે.

વિનેગર બાથઃ સૂકી ચામડી હોય અથવા ગેસની તકલીફના કારણે ખંજવાળ આવ્યા કરતી હોય તો એક બાલદી નહાવાના પાણીમાં બે ચમચી વિનેગર (સરકો) નાંખો. આ પાણીથી નહાવાથી ખંજવાળ દૂર થઈ જશે.

આલ્મંડ બાથઃ ખંજવાળ ન પણ આવતી હોય અને જો ચામડી સૂકી રહેતી હોય તો એક બાલદી નહાવાના પાણીમાં એક ચમચી બદામનું તેલ નાંખવું. આ પાણીથી નહાશો તો તમારી ત્વચા મુલાયમ, સુંવાળી અને નરમ બની જશે.

યુ ડી કોલોન બાથઃ જો ચામડીની કોઈ મુશ્કેલી ન હોય અને માત્ર હળવાશ તથા નિરાંતની મોજનો અનુભવ કરવો હોય તો એક ડોલ નહાવાના પાણીમાં યુ ડી કોલનના થોડાંક ટીપાં નાંખો. એ પાણીથી નહાવાથી ગરમીમાં રાહત મળશે, ઠંડકનો અનુભવ થશે અને શરીર મહેકતું રહેશે.

રોઝ બાથઃ જ્ઞાનતંતુઓને હળવા કરીને નિરાંતનો અનુભવ કરવો હોય તો એક ડોલ નહાવાના પાણીમાં ત્રણ ટીપાં રોઝ ઓઈલ નાંખો. આ પાણીથી નહાશો તો આખા શરીરની ચામડી સાથે જોડાયેલા જ્ઞાનતંતુઓ હળવાશમાં આવી જશે અને તમને અનોખી નિરાંતનો અનુભવ થશે. શરીર ગુલાબની સુગંધથી મહેકતું રહેશે એ નફામાં!

સનેડલ વૂડ બાથઃ જ્ઞાનતંતુઓને હળવા કરવા હોય અને ગુલાબની સુગંધ ખાસ માફક ન આવતી હોય તો ચંદન એેટલે કે સેન્ડલવૂડ ઓઈલના ત્રણેક ટીપાં એક ડોલ નહાવાના પાણીમાં નાંખવા. આ પાણીથી નહાશો તો પણ જ્ઞાનતંતુઓ હળવા થવાથી ખૂબ જ નિરાંતનો અનુભવ થશે અને શરીર ચંદનની સુગંધથી મહેકતું રહેશે.

હોમ મેડ સ્ક્રબરઃ આખા અઠવાડિયામાં ત્વચા ઉપર જામેલા પ્રદૂષણથી અને ત્વચા પર ભેગા થયેલા મૃત કોષથી છૂટકારો મેળવવો હોય તો ચોખાનો લોટ અને બદામનો ભૂકો દહીંમાં નાંખીને સરસ પેસ્ટ બનાવો. એમાં એક ચપટી દળેલી હળદર પણ નાંખો. બરાબર મિક્સ કરીને જે પેસ્ટ બને એ આખા શરીર ઉપર લેપ કરી દો. ૧૦-૧૫ મિનિટ શરીર પર એનો લેપ રહેવા દો, પછીથી આંગળીઓ વડે ગોળ ગોળ ફેરવતા જઈને શરીર ઉપરથી લેપ દૂર કરો. આખરે પાણીથી શરીર ધોઈ લો. ચામડી નવી થઈ ગઈ હોય એમ ઓજવાળી થઈ જશે.

પ્રિ બાથ મસાજઃ નહાતાં પહેલાં આખા શરીરે મસાજ કરવા માટે ૫૦ મિલિલીટર ઓલિવ ઓઈલ અથવા સીસમ ઓઈલ લો. એમાં ગુલાબ(રોઝ), ચંદન(સેન્ડલવૂડ) અથવા મોગરો(જસ્માઈન)ના એસેન્શિયલ ઓઈલમાંથી કોઈપણ એક ઓઈલના આઠ ટીપાં ઉમેરો અને આ મિશ્રણથી આખા શરીરે મસાજ કરો. (યાદ રહેઃ એસેન્શિયલ ઓઈલ સીધું કદી શરીરે મસાજ કરવા કે અન્ય કોઈ કામ માટે લગાવવું નહીં.)

મોઈૃરાઈઝરઃ સ્નાન કર્યા પછી ૧૦૦ મિલિલીટર ગુલાબજળ લઈ તેમાં એક ટેબલ સ્પૂન શુદ્ધ ગ્લિસરીન ઉમેરો. તેને સ્નાન કરી લીધા પછી શરીરે લગાવો.

ખાસ ધ્યાનમાં રાખોઃ તમારા સ્નાનનું પાણી કદી શરીરના તાપમાન કરતાં વધારે પડતું ઠંડું કે શરીરના તાપમાન કરતાં વધારે પડતું ગરમ ન રાખવું. એમ કરવાથી ચામડીને નુકસાન થઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન