Boeing Company Took a Serious Step on Boeing's 737 Max Plane
  • Home
  • Featured
  • ઉડતા કોફીન સમાન બોઇંગે 737 Max વિમાનને લઈ બોઈંગે ભર્યું ગંભીર પગલું

ઉડતા કોફીન સમાન બોઇંગે 737 Max વિમાનને લઈ બોઈંગે ભર્યું ગંભીર પગલું

 | 9:51 pm IST

અમેરિકાની વિમાન બનાવતી અગ્રણી કંપની બોઇંગ દ્વારા તેના સૌથી વધુ વેચાતા વિમાનો 737 Maxની ડિલિવરી બંધ કરવામાં આવી છે. જો કે કંપનીએ વિમાનનું ઉત્પાદન ચાલુ રાખવાનું નક્કી કર્યું છે. ગયા અઠવાડિયે ઇથોપિયા એરલાઇન્સનું વિમાન બોઇંગ 737 Max 157 પ્રવાસીઓ સાથે તૂટી પડયા પછી અનેક દેશોએ તેમના કાફલામાં રહેલા વિમાન બોઇંગ 737 Max ને ગ્રાઉન્ડેડ કર્યા છે. આને કારણે બોઇંગ સામે સંકટ સર્જાયું છે.

છેલ્લા પાંચ મહિનામાં પહેલા ઇન્ડોનેશિયા એરલાઇન્સનું અને પછી ઇથોપિયાનું વિમાન તૂટી પડતાં મોટાભાગનાં દેશોએ સુરક્ષાનાં કારણોસર બોઇંગ 737 Maxનાં ઉડ્ડયનો બંધ કર્યા છે. અમેરિકાનાં ફેડરલ એવિએશન ડિપાર્ટમેન્ટ(FAA) દ્વારા કંપનીને વિમાનમાં રહેલી ખામીઓ શોધીને એપ્રિલ સુધીમાં સુધારા કરવા આદેશ આપવામાં આવ્યો છે. અમેરિકાની સરકારે ચેતવણી આપી છે કે બોઇંગને થતાં અકસ્માતનાં કેસોની તપાસ કરાશે અને તમામ જવાબદાર લોકો સામે કડક પગલાં લેવાશે. ઇન્ડોનેશિયા અને ઇથોપિયાના બોઇંગ ક્રેશ થવા પાછળ એક સરખા કારણો જ જવાબદાર હોવાનું જણાયું હતું આ પછી કંપનીએ તેનાં સોફ્ટવેરમાં રહેલી ખામીઓ દૂર કરવાનું નક્કી કર્યું છે.

કંપની દર મહિને બાવન વિમાનો બનાવવાનું ચાલુ રાખશે:

કંપનીનાં પ્રવક્તાએ કહ્યું હતું કે કંપની જ્યાં સુધી વિમાન ક્રેશ થવાનાં કારણો જાણીને એન્જિનમાં સુધારા કરશે નહીં ત્યાં સુધી વિમાનની ડિલિવરી કરવામાં આવશે નહીં. કંપની તેના વિમાનોની ક્ષમતાનું એનાલિસિસ કરશે અને ઉત્પાદન ચાલુ રાખશે. કંપની દર મહિને બાવન વિમાનો બનાવવાનું ચાલુ રાખશે. બોઇંગને વિમાનની ડિલિવરીમાં વિલંબ થવાથી દર મહિને આવકમાં 1.8 અબજ ડોલરથી 2.5 અબજ ડોલરનું નુકસાન થાય છે. જો કે કંપનીએ દાવો કર્યો છે કે વિમાનમાં રહેલી ખામીઓ સુધારવામાં આવ્યા પછી વેચાણ વધતા આ ખોટ સરભર કરી શકાશે.

બોઇંગ 737 Max ગ્રાઉન્ડેડ થયા પછી ભારતમાં હવાઈભાડા આસમાને:

ભારત સહિત અનેક દેશોએ બોઇંગ 737 Max નાં ઉડ્ડયનો બંધ કરતા ભારતમાં અનેક રૂટ પર હવાઈભાડામાં ૬૫થી 100 ટકા સુધીનો વધારો થયો છે. સત્તાવાળાઓ દ્વારા સ્થિતિનો લાભ ઉઠાવીને પ્રવાસીઓને લૂંટવાનું બંધ કરવા એરલાઇન્સોને તાકીદ કરવામાં આવી છે. ભારતમાં ઓછામાં ઓછા 14 ડોમેસ્ટિક રૂટ પર બોઇંગનાં ઉડ્ડયનો બંધ કરવામાં આવતા એરલાઇન્સોએ હવાઈ ભાડામાં જંગી વધારો કર્યો છે અને પ્રવાસીઓ પાસેથી ખુલ્લેઆમ લૂંટ ચલાવાઈ રહી છે. દિલ્હી- મુંબઈ, મુંબઈ -ચેન્નઈ, મુંબઈ- કોલકાતા તેમજ મુંબઈ બેંગ્લુરૂનાં રૂટ પર પ્રવાસીઓએ વધારે ભાડું ચૂકવવું પડે છે. મુંબઈથી ચેન્નઈનું ભાડું સામાન્ય સંજોગોમાં રૂ. 5,369 હતું જે આકાશ ચીરીને આજકાલ રૂ. 26,073 થઈ ગયું છે. સ્પાઇસ જેટ એ 12 અને જેટ એરવેઝ દ્વારા 5 બોઇંગનાં ઉડ્ડયનો રદ કરાયા છે. આથી પ્રવાસીઓને હાલાકી પડી રહી છે. પોતાનાં બુકિંગ કેન્સલ કરાવીને અન્ય એરલાઇન્સમાં જવા તેમને ફરજ પડી રહી છે. બંને એરલાઇન્સ દ્વારા તેમની 32 ફ્લાઇટ્સ રદ કરાઈ છે.

ઇન્ડોનેશિયા અને ઇથોપિયા પ્લેન ક્રેશનાં સ્ટેબિલાઇઝરમાં ખામી:

ગયા વર્ષે ઇન્ડોનેશિયા અને ગયા અઠવાડિયે ઇથોપિયાની એરલાઇન્સનાં બોઇંગ 737 Max ક્રેશ થવાનાં કારણો સરખા જ છે. ક્રેશ થયેલા બંને વિમાનના સ્ટેબિલાઇઝરમાં ખામી જણાઈ હતી. બંનેના પાઇલટને વિમાન ક્રેશ થયું ત્યારે વિમાનનું સંતુલન જાળવવાની મુશ્કેલી જણાઈ હતી. બંનેમાં તૂટી ગયેલા સ્ટેબિલાઇઝરનાં ટુકડા શકમંદ હાલતમાં જણાયા હતા. બંને વિમાન અકસ્માત વખતે એકદમ ઊંચાઈ પરથી સડસડાટ નીચે આવ્યા હતા અને ક્રેશ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન