બક્ષિશની કરપાત્રતા સમજાવતા વ્યવહારુ દૃષ્ટાંતો - Sandesh

બક્ષિશની કરપાત્રતા સમજાવતા વ્યવહારુ દૃષ્ટાંતો

 | 3:22 am IST

૧લી ઓક્ટોબર, ૨૦૦૯થી કલમ ૫૬(૨)(૭) હેઠળ નાણાકીય બક્ષિશ ઉપરાંત નિયત કરાયેલી અન્ય વસ્તુ સ્વરૂપી મિલકતોની બક્ષિશનું મૂલ્ય પણ જો તે રૂ. ૫૦,૦૦૦થી વધતું હોય તો તેની આવી બક્ષિશ મેળવનાર વ્યક્તિ કે એચ.યુ.એફ.ની કરપાત્ર આવક ગણવામાં આવશે તેવી જોગવાઈ કરવામાં આવી.

નિયત મિલકતોમાં શેનો સમાવેશ થશે ?

અત્રે એ નોંધવું જરૂરી છે કે કલમ ૫૬(૨)(૭)ની ઉપરોક્ત જોગવાઈઓ નિયત કરાયેલી નીચેની આઠ મિલકતોના સંદર્ભમાં જ લાગુ પડશે :

(૧) જમીન તેમજ મકાન સ્વરૂપી સ્થાવર મિલકત, (૨) શેર્સ તેમજ સિક્યુરિટીઝ, (૩) ઝવેરાત (Jewellery), (૪) સ્થાપત્ય કલાનો સંગ્રહ (Archaeological Collectons), (૫) ડ્રોઇંગ્સ, (૬) પેઇન્ટિંગ્સ, (૭) શિલ્પકલા (Sculptures), (૮) કલાના અન્ય કોઇ પણ કામો (any work of art), (૯) બુલિયન-સોના-ચાંદીની લગડીઓ.

ઉપરોક્ત યાદીમાં સમાવેશ થતો ન હોય તેવી મિલકતો જેમ કે મોટરકાર, ઇલેક્ટ્રોનિક ચીજવસ્તુઓ, ર્ફિનચર વગેરેની બક્ષિશ સ્વીકારવામાં આવે તો તે સંબંધી કરપાત્રતાનો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થશે નહીં.

બક્ષિશ કરાયેલી મિલકતનું મૂલ્ય કેવી રીતે નક્કી કરાશે ?

નવી જોગવાઇઓ હેઠળ જણાવાયા અનુસાર, જો વ્યક્તિ કે એચ.યુ.એફ.ને એક અથવા વધુ શખ્સો પાસેથી નાણાકીય વર્ષ દરમિયાન મળેલ આવી વસ્તુ સ્વરૂપી બક્ષિશોનું એકત્રિત વાજબી બજાર મૂલ્ય (aggregate fair market value), જો રૂ. ૫૦,૦૦૦થી વધુ થતું હોય તો આવા સમગ્ર મૂલ્યને ‘કરપાત્ર આવક’ તરીકે ગણવામાં આવશે.

ઉપરોક્ત હેતુસર સ્થાવર મિલકતનું મૂલ્ય સંબંધિત મિલકતની થતી જંત્રી કિંમત (value for stamp duty purposes)ના આધારે નક્કી કરાશે તેવી સ્પષ્ટતા કરવામાં આવી છે. સ્થાવર મિલકત સિવાયની અન્ય મિલકતોના સંદર્ભમાં આ કલમ હેઠળની સમજૂતીમાં એવું જણાવાયું છે કે, મિલકતનું વાજબી બજાર મૂલ્ય આ હેતુસર નિયત કરવામાં આવે તે મુજબના નિયમો અનુસાર, નક્કી કરવામાં આવશે.

કલમ ૫૬(૨)(૬) હેઠળ નાણાકીય બક્ષિશના સંદર્ભમાં પ્રવર્તમાન અપવાદો જેમ કે નિયત સગાં (specified relatives) પાસેથી મળેલી બક્ષિશ, લગ્ન પ્રસંગે, વસિયત કે વારસા હેઠળ મળેલી મિલકત વગેરે, કલમ ૫૬(૨)(૭) હેઠળ પણ ચાલુ રહેશે.

બક્ષિશની કરપાત્રતા સમજાવતાં દૃષ્ટાંતો ઔનિયત સગાં પાસેથી બક્ષિશ

દૃષ્ટાંત-૧ : ૧૫મી ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ શ્રી ત્રિવેદીને તેમના અમેરિકા સ્થિત ફુઆ (પિતાની બહેનના લગ્નસાથી) પાસેથી ઇં ૧૫,૦૦૦ની બક્ષિશ મળે છે. આ બક્ષિશ તેમના ‘નિયત સગાં’ પાસેથી મળી હોઈ, તેને કરપાત્ર આવક ગણાય નહીં.

લગ્ન પ્રસંગે બક્ષિશ

દૃષ્ટાંત-૨ : ૭મી એપ્રિલ, ૨૦૧૭ના રોજ શ્રી દેસાઈની પુત્રીના લગ્ન પ્રસંગે તેને રૂ. ૬,૨૫,૦૦૦ની કુલ રકમ ચાંલ્લા સ્વરૂપે મળે છે. આ કેસમાં મળેલી રકમ લગ્ન નિમિત્તે હોઇ તેને શ્રી દેસાઈની પુત્રીના હાથમાં કરપાત્ર આવક ગણી શકાય નહીં.

વસ્તુ-સ્વરૂપી બક્ષિશ

દૃષ્ટાંત-૩ : ૨૩મી એપ્રિલ, ૨૦૦૯ના રોજ શ્રીમતી પંડયાને તેમના કૌટુંબિક મિત્ર શ્રીમતી પટેલ પાસેથી રૂ. ૬,૦૦,૦૦૦ના મૂલ્યનો હીરાનો સેટ બક્ષિશ તરીકે મળે છે. આ કેસમાં શ્રીમતી પંડયાને મળેલી બક્ષિશ, ૩૦મી સપ્ટેમ્બર, ૨૦૦૯ પહેલાં મળેલ હોઈ તેમજ ‘પૈસા સ્વરૂપી નહીં’ પરંતુ ‘વસ્તુ સ્વરૂપી’ હોઈ બક્ષિશનું રૂ. ૬,૦૦,૦૦૦નું મૂલ્ય તેમની કરપાત્ર આવક ગણાય નહીં.

રૂ. ૫૦,૦૦૦થી ઓછી ‘મલ્ટિપલ ગિફ્ટ્સ’

દૃષ્ટાંત-૪ : ૧લી જાન્યુઆરી, ૨૦૧૮ના રોજ શ્રી મહેતાને તેમના ૨૧મા જન્મદિન નિમિત્તે તેમના પાંચ કૌટુંબિક મિત્રો તરફથી દરેકની રૂ. ૪૧,૦૦૦ એમ કુલ રૂ. ૨,૦૫,૦૦૦ની બક્ષિશો મળે છે. આ કેસમાં શ્રી મહેતાને કોઇ એક શખ્સ પાસેથી મળેલ બક્ષિશ રૂ. ૫૦,૦૦૦થી વધુ ન હોવા છતાં બધાં શખ્સો પાસેથી વર્ષ દરમિયાન મળેલી બક્ષિશની કુલ રકમ રૂ. ૫૦,૦૦૦થી વધુ હોઈ બક્ષિશની સંપૂર્ણ રૂ. ૨,૦૫,૦૦૦ની રકમ તેમની કરપાત્ર આવક ગણાશે.

એચ.યુ.એફ. દ્વારા બક્ષિશ

દૃષ્ટાંત-૫ : શ્રી શાહને તેમના હિંદુ અવિભક્ત કુટુંબ (એચ.યુ.એફ.)ના નાણાકીય ભંડોળમાંથી ૩૦મી જૂન, ૨૦૧૭ના રોજ એચ.યુ.એફ.ના કર્તા દ્વારા રૂ. ૫,૦૦,૦૦૦ની બક્ષિશ આપવામાં આવે છે. આવક તરીકે નહીં ગણવામાં આવતી રકમોની યાદીમાં વ્યક્તિને ‘નિયત સગાં’ પાસેથી મળેલ બક્ષિશનો સમાવેશ કરાયો છે. કોઈ પણ વ્યક્તિને તે જે એચ.યુ.એફ.નો સભ્ય હોય, તેના તરફથી મળેલ બક્ષિશને પણ ‘નિયત સગાં’ પાસેથી મળેલી બક્ષિશ ગણવામાં આવતી હોઇ, તેના સંદર્ભમાં કરમુક્તિનો લાભ મળશે. આ કારણોસર રૂ. ૫,૦૦,૦૦૦ની બક્ષિશની ઉપરોક્ત રકમને શ્રી શાહની કરપાત્ર આવક ગણવામાં આવશે નહીં.

વસિયતનામા હેઠળ એચ.યુ.એફ.ને મળેલ રકમ

દૃષ્ટાંત-૬ : જો શ્રી પટેલના એચ.યુ.એફ.ને તેમના પિતાના જીવનકાળ દરમિયાન પિતા પાસેથી રૂ. ૧૦,૦૦,૦૦૦ની બક્ષિશ મળે તો આવી બક્ષિશને શ્રી પટેલના એચ.યુ.એફ.ની કરપાત્ર આવક ગણાય, કારણ કે બક્ષિશ આપનાર શ્રી પટેલના એચ.યુ.એફ.ના સભ્ય છે નહીં, પરંતુ આ કેસમાં જો શ્રી પટેલના એચ.યુ.એફ.ને તેમના પિતાના વસિયતનામા હેઠળ અથવા ‘મૃત્યુ અપેક્ષિત બક્ષિશ’ તરીકે ઉપરોક્ત રૂ. ૧૦,૦૦,૦૦૦ની રકમ મળે તો આવી રકમનો નિયત કરાયેલ અપવાદો હેઠળ સમાવેશ થતો હોઇ તેને શ્રી પટેલના એચ.યુ.એફ.ની કરપાત્ર આવક ગણાય નહીં.

મળેલ બક્ષિશમાંથી માન્ય રોકાણ

દૃષ્ટાંત-૭ : નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮માં શ્રીમતી નાણાવટીની કોઈ કરપાત્ર આવક નથી. ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૭ના રોજ તેમને તેમના કૌટુંબિક મિત્ર પાસેથી રૂ. ૩,૭૫,૦૦૦ની બક્ષિશ મળે છે. જે તેઓ તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરે છે. આ રકમમાંથી તેઓ રૂ. ૧,૫૦,૦૦૦નું નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ (NSC)માં રોકાણ કરે છે. આ કસમાં રૂ. ૩,૭૫,૦૦૦ શ્રીમતી નાણાવટીની નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ની આવક ગણાય, પરંતુ તેમને ગ્દજીઝ્રમાં રૂ, ૧,૫૦,૦૦૦ના રોકાણ  સંબંધી કલમ ૮૦સી હેઠળ કપાતનો લાભ મળવાપાત્ર હોઈ તેમની અસરકારક આવક રૂ. ૨,૨૫,૦૦૦ થાય. નાણાકીય વર્ષ ૨૦૧૭-૧૮ માટે આવકવેરાની રૂ. ૨,૫૦,૦૦૦ની મુક્તિ મર્યાદાને લક્ષમાં રાખતાં આ કેસમાં શ્રીમતી નાણાવટીની આવકવેરાની કોઇ જ જવાબદારી ઉપસ્થિત થાય નહીં.

ભત્રીજા કે ભાણાએ કાકા કે મામાને આપેલી બક્ષિશ કરપાત્ર છે !

દૃષ્ટાંત-૮ : ૧લી એપ્રિલ, ૨૦૧૭ના રોજ શ્રી ઉમાકાંત માંકડને તેમના ભાણા શ્રી નયન બૂચ પાસેથી રૂ. ૧,૦૦,૦૦૦ની રકમ ચેક દ્વારા બક્ષિશ મળે છે. સગાંની વ્યાખ્યાના વ્યાપમાં કાકા કે મામા તરફથી ભાણા કે ભત્રીજાને આપવામાં આવેલી બક્ષિશ જરૂર કરમુક્ત ગણાય છે, પરંતુ જો ભાણા કે ભત્રીજાએ કાકા કે મામાને બક્ષિશ આપી હોય તો તેનો કલમ ૫૬(૨)(૬)ના વ્યાપમાં સગાં હેઠળની વ્યાખ્યામાં સમાવેશ થતો ન હોઇ, આવી બક્ષિશ કાકા કે મામા (અથવા ફોઇ કે માસી પણ)ના હાથમાં કરપાત્ર ગણાય.

બક્ષિશોનું આયોજન કરતી વખતે ‘ક્લબિંગ પ્રોવિઝન્સ’ની જોગવાઇઓનો ખ્યાલ રાખવો જોઇએ !

કુટુંબના સભ્યોમાં ઉપર મુજબનું બક્ષિશોનું આયોજન કરતી વખતે કરદાતાએ આવકવેરાના કાયદાની કલમ ૬૪ હેઠળની ‘ક્લબિંગ પ્રોવિઝન્સ’ની જોગવાઇઓને ખ્યાલમાં રાખવી જોઈએ. કરદાતા પોતાના લગ્નસાથી, પુત્રવધૂ કે સગીર વયના બાળકને બક્ષિશ કરવા ઇચ્છતા હોય તો તે સંદર્ભમાં કરવેરા આયોજનની કેટલીક ઉપયોગી યોજનાઓનો આધાર લઈ શકાય. આ આયોજનનો વધુમાં વધુ લાભ લેવો હોય તો જેને બક્ષિશ કરવામાં આવે તેવી વ્યક્તિની કુલ આવક કરમુક્ત હોવી જોઈએ અથવા કરપાત્ર હોય તો કરદાતાની આવકના પ્રમાણમાં ઘણી ઓછી હોવી જોઈએ.