હાડકાં ચૂર થયાં, પણ સપનાં ચૂર ન જ થવાં દીધાં - Sandesh
  • Home
  • Kids Corner
  • હાડકાં ચૂર થયાં, પણ સપનાં ચૂર ન જ થવાં દીધાં

હાડકાં ચૂર થયાં, પણ સપનાં ચૂર ન જ થવાં દીધાં

 | 12:03 am IST

મહાનુભાવ :- રિદ્ધિ મહેશ્વરી

૨ ફેબ્રુઆરી, ૧૯૪૯ના ગોઝારા દિવસે અમેરિકાના ટેકસાસ રાજ્યમાં એલ પસોથી ૧૫૦ માઈલ્સ પૂર્વમાં એક ગ્રેહાઉન્ડ બસ આગળ જતા ટ્રકને ઓવરટેક કરવા જતાં એક કાર સાથે ધડાકાભેર અથડાઈ પડી. ગોલ્ફનો મહાન ખેલાડી બેન હોગાન એ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો.

અથડામણ એટલી ખતરનાક હતી કે કારનો ભૂક્કો થઈ ગયો હતો. હોગાનની હાલત કલ્પના ન કરી શકાય તે હદે ગંભીર હતી. પાંસળીઓ સાવ ચૂરો થઈ ચૂકી હતી. ઘૂંટીઓ તૂટી ચૂકી હતી, કોલરબોન (ખભા-ગરદનને જોડતું હાડકું) તૂટી ચૂક્યું હતું.  ડોક્ટરોનું કહેવું હતું કે હોગાન જીવનભર ચાલી નહીં શકે. ગોલ્ફ રમવાની વાત દૂર જ રહી. પણ હોગાનને કુદરતનો ચુકાદો કબૂલ ન હતો.

આખરે પોતે ગોલ્ફની સફળ કરિયર બનાવવા માટે તનતોડ મહેનત કરી હતી. હોગાન જાણતો હતો કે તેનામાટે ગોલ્ફની રમતને વળગી રહેવું કેટલું જરૂરી છે.

જીવલેણ અકસ્માતના ફક્ત સોળ મહિના પછી, ૧૯૫૦માં મેરીઓન (ફિલાડેલ્ફીઆ) ગોલ્ફ કલબમાં યોજાયેલી યુ.એસ. ઓપન ગોલ્ફ ટૂર્નામેન્ટમાં વિશ્વએ સપનાને હકીકતમાં પલટાતું જોયું. એ એક અદ્વિતીય કમબેક હતું. એ જમાનામાં એક દિવસના ૩૬ હોલ્સની રમત રમાતી. લાંબી રમત એક સામાન્ય તંદુરસ્ત ગોલ્ફર માટે પણ થક્વી દેનારી હોય ત્યારે ગંભીર ઈજાઓમાંથી ઊભા થયેલ હોગાન માટે તો અશક્ય જ ગણાય!

સાથે સાથે ગોલ્ફકોર્સનો ટેકરીઓને પાર કરવી, ઉપરાંત દરેક શોટ પર હોગાનને પોતાનું શરીર સંતુલિત રાખવામાં પણ અસહ્ય વેદનાનો અનુભવ થતો હતો. બોલને કપમાં સફળતાપૂર્વક મોકલી દીધા પછી વાંકા વળીને એ બોલ લઈ શકવાની પરિસ્થિતિમાં ન હોઈ, તેનો કેડ્ડી (ગોલ્ફરની બેગ લઈને સાથે ચાલતો સહાયક) તેના માટે કપમાંથી બોલ કાઢી આપતો હતો. દુખાવો ચરમસીમાએ હતો, એક ક્ષણ તેને રમત પડતી મૂક્વાની ઈચ્છા થઈ આવી, પણ માંડ તેણે પોતાની ભાગેડુ વૃત્તિને સંભાળી.

અડગ આત્મવિશ્વાસ, મજબૂત મનોબળ, રમત પ્રત્યેની ધગશ અને પોતાની જાત પ્રત્યે ઊંડી શ્રદ્ધા, આ બધું એક સાથે ભેગું થાય ત્યારે જીવનની હારની બાજી અમરત્વમાં ફેરવાઈ જાય. યુ.એસ. ઓપનમાં લોયડ મેનગ્રુમને હરાવ્યા પછી ૧૯૫૧ અને ૧૯૫૩માં પણ હોગાને ચેમ્પિયનશિપ જીતી.

હોગાનની કમબેક સ્ટોરી પર ૧૯૫૧માં અભિનેતા ગ્લેન ફોર્ડને લઈને એક સુંદર ફિલ્મ પણ બનાવવામાં આવી હતી.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન