બૂથ લેવલ ઓફિસરોને તાલીમ સેટેલાઇટ કોમ્યુનિકેશનથી અપાશે - Sandesh
  • Home
  • Mehsana
  • બૂથ લેવલ ઓફિસરોને તાલીમ સેટેલાઇટ કોમ્યુનિકેશનથી અપાશે

બૂથ લેવલ ઓફિસરોને તાલીમ સેટેલાઇટ કોમ્યુનિકેશનથી અપાશે

 | 1:46 am IST

। મહેસાણા ।

વર્ષ-૨૦૧૯માં યોજાનાર આગામી લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્રે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી ૮, સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફિસરોને સેટેલાઈટ કોમ્યુનિકેશનથી તાલીમ આપવામાં આવનાર છે. ભાસ્કરાચાર્ય ઈન્સ્ટિટયુટ ઓફ સ્પેસ એપ્લીકેશન એન્ડ જીઓ ઈન્ફોર્મેટિક્સ દ્વારા બુથ લેવલ અધિકારીઓને તાલીમ આપવા અગાઉ ૬, સપ્ટેમ્બરના રોજ કાર્યક્રમ નક્કી થયો હતો. હવે, આ કાર્યક્રમ બે દિવસ પાછો ઠેલવવામાં આવ્યો છે. બપોરે ૨-૦૦ કલાકથી સાંજે ૬-૦૦ કલાક દરમ્યાન તાલુકા કક્ષાઓએ બીઆરસી ભવનમાં બુથ લેવલ ઓફિસરોને તાલીમમાં ઉપસ્થિત રહેવા તાકીદ કરવામાં આવી છે.

આગામી લોકસભાની ચૂંટણીની પૂર્વ તૈયારી રૂપે આદેશ કરવામાં આવ્યો છે કે મતદાન માટે લાવવામાં આવનાર ઈલેક્ટ્રોનિક્ વોટિંગ મશીન (બીયુ.સીયુ) તેમજ વીવીપેટ મશીનોને જ્યાં રાખવામાં આવશે તે સ્ટ્રોંગરૂમ કે વેરહાઉસોમાં સફાઈથી માંડી તમામ કામગીરી અત્યારથી જ શરૂ કરવામાં આવે. આ ઉપરાંત, સ્ટ્રોંગરૂમ કે વેરહાઉસમાં આ વીજાણું મશીનોને નુકશાન ન પહોંચે તે માટે ઉધઈ વિરોધી દવાઓનો છંટકાવ કરવામાં આવે અને સ્ટ્રોંગરૂમના બારી-બારણાંની ચકાસણી પણ કરી દેવામાં આવે. આમ, બુથલેવલ ઓફિસરોને સેટ-કોમ (સેટેલાઈટ કોમ્યુનિકેશન)થી તાલીમ આપવાથી માંડી સ્ટ્રોંગરૂપની ચકાસણી અને ટ્રીટમેન્ટ આપવા માટે પણ તાકીદ કરવામાં આવી છે. નિષ્કર્ષ સાફ છે, ચૂંટણી  તંત્ર દ્વારા લોકસભા-૨૦૧૯ માટે પૂર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ અગાઉ ચૂંટણીની તૈયારીમાં રોકાયેલા કર્મચારીઓ કે અધિકારીઓને ચૂંટણી સિવાયની અન્ય જવાબદારી નહીં સોંપવા પણ રાજ્ય ચૂંટણી પંચે સ્થાનિક વહીવટી તંત્રને આદેશ કર્યો હતો.

;