સરહદ પર રેડાયેલાં લોહીનો બદલો લઈશું : પાકિસ્તાની સેનાધ્યક્ષની શેખી - Sandesh
  • Home
  • Newspaper
  • સરહદ પર રેડાયેલાં લોહીનો બદલો લઈશું : પાકિસ્તાની સેનાધ્યક્ષની શેખી

સરહદ પર રેડાયેલાં લોહીનો બદલો લઈશું : પાકિસ્તાની સેનાધ્યક્ષની શેખી

 | 1:39 am IST

। ઇસ્લામાબાદ ।

પાકિસ્તાનના સેનાધ્યક્ષ કમર બાજવાએ ફરી એક વાર ભારત વિરુદ્ધ ઝેર ઓકતાં જણાવ્યું હતું કે, અમે સરહદ પર વહેલાં લોહીનો બદલો લઈશું. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫માં થયેલાં યુદ્ધની ૫૩મી વરસી અને પાકિસ્તાનના સેના અને શહીદદિવસ નિમિત્તે ગુરુવારે રાવલપિંડીમાં આયોજિત સમારંભમાં બાજવાએ કહ્યું હતું કે, અમે સરહદ પર અત્યાર સુધી વહેલાં પાકિસ્તાની જવાનોનાં લોહીનો બદલો લઈશું. ૧૯૬૫ અને ૧૯૭૧નાં યુદ્ધોમાંથી અમે ઘણું શીખ્યાં છીએ. ૬ સપ્ટેમ્બરનો દિવસ પાકિસ્તાન માટે યાદગાર છે. આ દિવસે આપણાં મકાનો, શાળાઓ અને નેતાઓ પર હુમલા કરાયા હતા. પાકિસ્તાનને નબળો બનાવવાનું કાવતરું હતું. ૧૯૬૫માં ભારતીય સેનાએ રાતનાં અંધારમાં પાકિસ્તાન પર હુમલો કર્યો હતો પરંતુ પાકિસ્તાને આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. છેલ્લા બે દાયકાથી દેશ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. આજે પણ યુદ્ધ ચાલી રહ્યું છે.

બાજવાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને પરમાણુ શસ્ત્રો વિકસાવીને સેનાને સક્ષમ બનાવી દીધી છે. પાકિસ્તાને આતંકવાદ સામેની લડાઈમાં પણ મોટી કિંમત ચૂકવી છે. દેશમાં આતંકવાદને કારણે ૭૦,૦૦૦ કરતાં વધુ લોકો માર્યાં ગયાં છે અથવા ઘાયલ થયાં છે. માનવજિંદગીનાં નુકસાન ઉપરાંત દેશની તિજોરી પર આર્થિક ખોટનો બોજો પણ પડયો છે. સેનાને સક્ષમ બનાવ્યા પછી ભૂખ અને ગરીબી સામે યુદ્ધ છેડવાનો સમય આવી પહોંચ્યો છે.

આ પ્રસંગે હાજર સાંસદો, રાજદ્વારીઓ, ખેલાડીઓ, કલાકારો સહિતનાં લોકોને સંબોધન કરતાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને જણાવ્યું હતું કે, પાકિસ્તાન ભવિષ્યમાં કોઈ દેશનાં યુદ્ધમાં લડાઈ નહીં લડે. હું શરૂઆતથી જ યુદ્ધનો વિરોધી રહ્યો છું અને મારી સરકારની વિદેશનીતિ દેશનાં શ્રેષ્ઠ હિતમાં હશે. ઇમરાને પાડોશી દેશો સાથે સહકારની ઇચ્છા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન શાંતિપૂર્ણ સહઅસ્તિત્વમાં માને છે. અમે તમામ પાડોશી દેશો અને આખા વિશ્વ સાથે પરસ્પર સહકારને પ્રોત્સાહન આપીશું.

આતંકવાદ સામેની લડાઈને કારણે થતાં નુકસાન અને પીડા અંગે બોલતાં ઇમરાને જણાવ્યું હતું કે, હું પહેલેથી આતંકવાદ સામેની લડાઈનો વિરોધી રહ્યો હતો. આતંકવાદ સામેની લડાઈમાં પાકિસ્તાની દળોની ભૂમિકાની પ્રશંસા કરતાં ઇમરાને જણાવ્યું હતું કે, પાકિસ્તાની સેના જેવી આતંકવાદ સામેની લડાઈ બીજો કોઈ દેશ લડયો નથી. તમામ ધમકીઓ સામે દેશને સુરક્ષિત રાખવામાં સુરક્ષાદળો અને ગુપ્તચર એજન્સીઓનો ફાળો મહત્ત્વનો છે.

ઇમરાન અને બાજવાનો કાશ્મીર-રાગ, કહ્યું ભારતને લડત આપતાં કાશ્મીરીઓને સલામ

પાકિસ્તાની સેનાધ્યક્ષે કાશ્મીરનો રાગ આલાપતાં જણાવ્યું હતું કે, હું ભારતનાં કબજા હેઠળનાં કાશ્મીરનાં લોકોને સલામ કરું છું. તેઓ અડીખમ ઊભાં છે અને પૂરી બહાદુરી સાથે લડત આપી રહ્યાં છે. પોતાનાં આત્મસન્માન માટે કાશ્મીરી જે રીતે ઝઝૂમી રહ્યાં છે તે પ્રશંસાને પાત્ર છે. કાશ્મીરનો ઉલ્લેખ કરતાં ઇમરાન ખાને જણાવ્યું હતું કે, કાશ્મીરમાં ભારતની કથિત ક્રૂરતા અટકાવવા માટે વિશ્વની મહાસત્તાઓ ભૂમિકા ભજવે. સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ પ્રમાણે કાશ્મીરવિવાદનો ઉકેલ લાવવો જોઈએ.

પહેલાં ઇસ્લામિક રાજ્ય મદીનાની તર્જ પર પાકિસ્તાનનો વિકાસ કરાશે : ઇમરાન

ઇમરાન ખાને હોસ્પિટલોનાં નિર્માણ અને બાળકોને શાળામાં મોકલવા જેવી માનવીય મૂડીમાં રોકાણનું આહ્વાન કરતાં જણાવ્યું હતું કે, પહેલાં ઇસ્લામિક રાજ્ય મદીનાની તર્જ પર પાકિસ્તાનનો વિકાસ કરાશે, તેમાં દરેક નાગરિકની સાથે એકસમાન વ્યવહાર કરાશે. મદીનાના સુવર્ણ સિદ્ધાંતોને અનુસરીને તમામ સેક્ટરમાં ગુણવત્તા અને પારદર્શકતા લાવવામાં આવશે. પાકિસ્તાન ખનીજ,  ચાર ઋતુ અને વૈવિધ્યસભર ભૌગોલિકતાથી સમૃદ્ધ છે. પાકિસ્તાનને મહાન દેશ બનાવવાનું લક્ષ્ય હાંસલ કરવા માટે પ્રમાણિકતાથી કામ કરવાની જરૂર છે.

;