ગાંધીનગરમાં મિત્રના ઘરે આવેલા પાટણના યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત - Sandesh
  • Home
  • Gandhinagar
  • ગાંધીનગરમાં મિત્રના ઘરે આવેલા પાટણના યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત

ગાંધીનગરમાં મિત્રના ઘરે આવેલા પાટણના યુવાનનું ત્રીજા માળેથી પટકાતા મોત

 | 10:25 pm IST

ગાંધીનગર સેક્ટર-૭માં આવેલા એક ફ્લેટમાં મંગળવારે રાત્રે ત્રીજા માળેથી નીચે પટકાતા યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતું. મૃતક યુવાન પાટણનો રહિશ હતો. તે ગઇકાલે તેના મિત્રના ઘરે આવ્યો હતો. બનાવ બાદ તેનો મિત્ર ફરાર થઇ ગયો છે. જેના કારણે અનેક શંકાકુશંકા જન્મી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવાને કેફીપીણું પીધેલુ હતું. બનાવ અકસ્માત, આત્મહત્યા કે હત્યાનો છે તે અંગે પોલીસે ઝીણવટભરી તપાસ આદરી છે.

મૃતક યુવાનની ઓળખ ગાંડાભાઇ વચ્છરામભાઇ ઠાકોર (ઉ.વ.૪૫ ) તરીકે થઇ છે. તેની લાશ સેક્ટર-૭ એ પ્લોટ નંબર ૨૬૪-૧ માં આવેલ ફ્લેટની નીચેથી મળી આવી હતી. માથાના ભાગે ગંભીર ઇજા થવાથી તેનું મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા સેક્ટર-૭ પોલીસ સ્થળ પર પહોંચી હતી. લાશને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક તેના મિત્ર ચિરાગના ઘરે ગઇકાલે બપોરે આવ્યો હતો. ઉપરોક્ત ફ્લેટમાં ત્રીજા માળે ચિરાગ રહે છે. બનાવ બાદ તે ફરાર છે. પોલીસે તેની શોધખોળ હાથધરી છે. બનાવ રાત્રીના સવા દસ પુર્વે બન્યો હતો. મૃતક પાટણના નાયકાવાડાના રહિશ હતા. બનાવ અંગે પોલીસે તેમના પરિવારજનોને જાણ કરતા આજે સાંજે તેઓ ગાંધીનગર દોડી આવ્યા હતા.

પોલીસની તપાસમાં ગાંડાભાઇએ કેફીપીણું પીધુ હતું. તેઓ વ્યસની હોવાનું તેમના પરિવારજનોએ પણ સ્વિકાર કર્યો હતો.જે રીતે ગાંડાભાઇનું ત્રીજા માળેથી નીચે પટકાવુ, મિત્રનો કોઇ પત્તો ન લાગવો તેના પરથી સમગ્ર પ્રકરણાં દાળમાં કાંઇક કાળુ હોવાનું જણાઇ રહ્યુ છે. ગાંડાભાઇનુ અકસ્માતે પડી જતા મોત નિપજ્યુ છેકે, તેઓએ આત્મહત્યા કરી છે કે તેમની હત્યા થઇ છે તે અંગે હજુ રહસ્ય છે. પોલીસે ચિરાગ અને ગાંડાભાઇના વેપારી સબંધો અંતર્ગત પણ તપાસ કરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક કોલસાના ધંધા સાથે સંકળાયેલો હતો. બનાવ અંગે સેક્ટર-૭ પોલીસે હાલ તુંરત અકસ્માતે મોત સંદર્ભે ગુનો નોંધી વધુ તપાસ સબ ઇન્સપેક્ટર એસ.ડી.ચૌધરી ચલાવી રહ્યા છે.