ભૂવાએ કિશોરને દવાના બહાને એવુ પાણી પીવડાવ્યું, તે 5 દિવસ બેભાન રહ્યો - Sandesh
  • Home
  • Bhuj
  • ભૂવાએ કિશોરને દવાના બહાને એવુ પાણી પીવડાવ્યું, તે 5 દિવસ બેભાન રહ્યો

ભૂવાએ કિશોરને દવાના બહાને એવુ પાણી પીવડાવ્યું, તે 5 દિવસ બેભાન રહ્યો

 | 9:56 pm IST

વિશ્વમાં રોજ નવા નવા રિસર્ચ, નવી ટેકનોલોજી, નવી બાબતો સામે આવી રહી છે. તેમ છતાં વિજ્ઞાન અને ટેકનોલોજીના યુગમાં પણ લોકો તંત્ર-મંત્રમાં માન્યતા ધરાવતો હોય છે. પરંતુ ઘણીવાર આવું કરવા જતાં માણસ જોખમને નોતરી બેસતો હોય છે. ગાંધીગ્રારામ શહેરના એક કિશોરને કમરના દુખાવાને કારણે ભૂવા પાસે લઈ જવાયો હતો. ભૂવાએ તેને તંત્રમંત્રના બહાને એવુ પીણુ પીવડાવ્યું કે, આ કિશોર 5 દિવસ બેભાન રહ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધીગ્રામના ભારતીનગરમાં 14 વર્ષનો વિશ્વજીત ઝાલા તેના પરિવાર સાથે રહે છે. તેના પિતા કુલદીપસિંહ ડ્રાઇવીંગ કરે છે. વિશ્વજીતસિંહ ધોરણ-૭ સુધી ભણ્યો છે અને હાલમાં પથારીવશ જેવી હાલતમાં છે. અઢી વર્ષ પહેલા ઘર નજીક લગ્નના ફુલેકામાં ફાયરીંગ થતાં આ તેને ગોળી વાગી હતી. ત્યારથી કમરની નીચેનો ભાગ ખોટો પડી ગયો છે. ત્યાર બાદ અઢી વર્ષથી દેશી દવા તથા અન્ય સારવાર પણ ચાલુ હતી. આ દરમિયાન પરિવારજનોને એક સગા મારફત સુરેન્દ્રનગરના ભુવા આવા કિસ્સામાં સારૂ કરી દેતાં હોવાની જાણ થઈ હતી. ત્યારે પરિવારે ભૂવાને ૧૦ હજાર ચુકવી ઘરે બોલાવ્યા હતાં. પરંતુ મહારાજ તરીકે ઓળખાતા આ ભૂવાએ વિશ્વજીતને વિધી કરી ગૌમુત્ર, શ્રીફળ, નારિયેળનું પાણી, ગોળ, દુધ બધુ ભેગુ કરી એક પીણુ પીવડાવ્યું હતું. ત્યાર બાદ વિશ્વજીતને ચક્કર આવ્યા હતા ને
ઉલ્ટીઓ થઈ હતી. ભૂવાએ ગળુ દાબી ચેક કરતાં ગળામાં સોજો ચઢી ગયો હતો. જેથી કિશોરને તાકીદે સારવાર માટે દાખલ કરવો પડ્યો હતો.

ભૂવાએ ઝાલા પરિવારને વિશ્વજીતની કુંડળી જોઈને કહ્યું હતુ કે, ‘તમારા દીકરાને બે-ત્રણ મહિનામાં દોડતો કરી દઇશ. પણ દસેક હજારનો ખર્ચ થશે.’ તેમ કહેતાં કુલદીપસિંહે કુરીયર મારફત દસ હજાર મોકલી દીધા હતાં. બાદમાં ગત 22 ઓગસ્ટના રોજ ભૂવો સુરેન્દ્રનગરથી રાજકોટ આવ્યો હતો અને તેણે વિધી શરૂ કરી હતી.

વિધીમાં તેણે ગૌમુત્ર, લીલા નારિયેળનું પાણી, શ્રીફળનું પાણી, ગોળ, દુધ સહિતનું મિશ્રણ કરી વિશ્વજીતસિંહને પીવડાવી દેતાં તેને ચક્કર આવ્યા હતાં અને બપોરે તે ઘસઘસાટ ઉંઘી ગયો હતો. ત્યારબાદ છેક 26 ઓગસ્ટના રોજ બપોરે તે ભાનમાં આવ્યો હતો. વિશ્વજીત ભાનમાં આવતા પરિવારે ભૂવાને બોલાવ્યો હતો. તેણે આવીને ફરીથી પાણી અને ગૌમુત્ર પીવડાવતાં અને ગળાને દાબીને ચેક કરતાં ગળામાં સોજો ચડી ગયો છે તેવુ જોયું. આખરે પરિવારે કિશોરને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. હાલ તેની હાલત સુધારા પર છે.

તરૂણને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં હોસ્પિટલના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન