બાયડ તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો અજગરી ભરડો - Sandesh
  • Home
  • Gujarat
  • બાયડ તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો અજગરી ભરડો

બાયડ તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળોનો અજગરી ભરડો

 | 3:45 am IST

બાયડ, તા.૦૧

અગાઉ વરસેલા વરસાદમાં કપાસ સહિતની ખરીફ ખેતી સોળે કળાએ ખીલી છે ત્યારે બાયડ તાલુકાના પૂર્વ-દક્ષિણ પટ્ટામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો આતંક ફરી વળતાં ખેડૂતો પાયમાલ થઈ જાય તેવી દહેશત ઉભી થઈ છે. જિલ્લાના બાયડ સહિતના અનેક વિસ્તારોમાં ગુલાબી ઈયળનો આતંક વધી રહ્યો છે છતાં ખેતીવાડી વિભાગ ગામડામાં પહોંચી ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવામાં ઉણું ઉતર્યુ છે. અરવલ્લી જિલ્લામાં ૪પ,૦૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં કપાસનું વાવેતર થયું છે જેમાં બાયડ તાલુકામાં કપાસના પાકમાં ગુલાબી ઈયળનો આતંક ફરી વળતાં ખેતરો..નાં..ખેતરો સાફ થઈ રહ્યાં છે. આમોદરા નજીકના મેઘપુરાકંપામાં ગુલાબી ઈયળની જીવાતે દાટ વાળી દીધો છે. ખેડૂતો યોગ્ય માર્ગદર્શનના અભાવે જંતુનાશક દવાઓ લાવે છે પરંતુ તેનો જોઈએ તેવો ફાયદો મળતો નથી. ખેતીવાડી વિભાગ સત્વરે નહીં જાગે તો જિલ્લામાં કપાસ ઉત્પાદનને મોટો ફટકો પડવાની દહેશત સેવાઈ રહી છે.