મગજની સક્રિયતાને હાનિ પહોંચાડતા પરિબળ - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • મગજની સક્રિયતાને હાનિ પહોંચાડતા પરિબળ

મગજની સક્રિયતાને હાનિ પહોંચાડતા પરિબળ

 | 11:30 pm IST

હેલ્થ ટોક । મમતા પંડયા

ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણું મગજ અણીના સમયે બરાબર ચાલતું નથી. આવું કેમ થતું હશે એ વિશે આપણે ચિંતા કરીએ છીએ. આમ થવાના કેટલાંક કારણો છે જે આમ તો આપણને નાના લાગે પરંતુ તે આપણી વિચારશક્તિને કુંડિત કરતા હોય છે. આ કારણો કયા છે તે જોઈએ.

– વધુ પડતું બોલવું :

વધારે પડતું બોલવાને કારણે આપણી શક્તિ વેડફાઈ જાય છે. સતત બોલવાથી આપણી વિચારશક્તિ સ્થગિત થઈ જાય છે. આ ટેવથી છૂટવા માટે સપ્તાહમાં બે દિવસ મૌન રાખીને બીજાની વાત સાંભળવાનો નિયમ લો. આમ કરવાથી તમારી શક્તિ સંગ્રહિત થશે. વધારે પડતું બોલવાનું એક બીજું નુકસાન એ છે કે કેટલીવાક આપણે ના બોલવા જેવું બોલી દેતા હોઈએ છીએ. આ કારણે ગેરસમજો અને મનદુઃખ ઊભા થાય છે. ઓછું બોલવું અને વધુ સાંભળવાથી આપણામાં એકાગ્રતા કેળવાય છે. તેનાથી તમારું વ્યક્તિત્વ ખીલશે અને તમારી ગણના ડાહ્યા માણસમાં થશે.

– ડિજિટલ અવરોધ :

મોબાઈલ ફોન, કેલક્યુલેટર, કમ્પ્યૂટર, ટેબ્લેટ વગેરેથી જેટલો ફાયદો છે તેટલું જ નુકસાન પણ છે. આ ચીજોનું વ્યસન આપણને હાનિ પહોંચાડી શકે છે. તેથી તેમના ઉપયોગમાં સીમા બાંધવી જરૂરી છે,. આ ચીજોનો અતિ-ઉપયોગ આપણા સમય, યાદશક્તિ, વિચારવાની શક્તિ વગેરેને પ્રભાવિત કરે છે. તેનાથી સુસ્તી, શિરશૂળ, ચીડિયાપણું, આળસ આવે છે. મગજમાં રક્તસંચાર બરાબર થતો નથઈ અને નાની ઉંમરમાં જ ઢીલાપણું જ આવી જાય છે. આમ આપણી માનસિક શક્તિઓ ઘટે છે.

– જંક ફૂડ :

પિઝા, બર્ગર, નૂડલ્સ, કોલા જેવા ખાદ્યો ખૂબ સ્વાદિષ્ટ હોય છે પરંતુ તે ખાવાથી મગજની સક્રિયતા ઘટે છે. આ ખાદ્યોમાં હાનિકારક ચરબી અને કાર્બ્સની માત્રા ઘણી હોય છે. પૌષ્ટિકતા નહિવત હોય છે. તે ખાવાથી યાદશક્તિ પણ ઘટે છે. ન્યુરોલોજીના એક સમાચારપત્રમાંથી જાણવા મળ્યું છે કે ફાસ્ટ-ફૂડ કે જંક-ફૂડ ખાવાથી મગજને હાનિ પહોંચે છે. એક નિષ્ણાતના મત મુજબ ખાવાની ખોટી ટેવો, તાણ, મગજ પર ખરાબ અસર પડે છે.

– આળસ :

આળસ બુદ્ધિનો દુશ્મન છે. વ્યાયામના અભાવે મસ્તકમાં પૂરતો પ્રાણવાયુ પહોંચતો નથી. જેથી યાદ રાખવાની ક્ષમતા ઘટે છે. મગજના કાર્યને સારું રાખવા માટે વ્યાયામ જરૂરી છે.

– ઘોંઘાટિયું સંગીત :

ઘોંઘાટભર્યું પોપ-મ્યુઝિક ચાહે મગજને ઉત્તેજના આપે પરંતુ તે લાંબો સમય સાંભળવાથી શ્રવણશક્તિ બગડે છે અને માનસિક-અસંતુલન ઉત્પન્ન થાય છે. ધીમું મધુર સંગીત મૂડને સુધારે છે.