મગજથી મગજનો વ્યવહાર વાર્તાલાપથી થાય છે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • મગજથી મગજનો વ્યવહાર વાર્તાલાપથી થાય છે

મગજથી મગજનો વ્યવહાર વાર્તાલાપથી થાય છે

 | 1:30 am IST

આર્ટ ઓફ લિવિંગ: શ્રી શ્રી રવિશંકર

 

અહમ્થી ભારીપણું આવે છે. અસુખ થાય છે. અહમ્ પ્રેમને વહેવા નથી દેતો. સત્યને જાણવાથી અહમ્ને વટાવી શકાય છે. સત્યને જાણવા પૂછો, “હું કોણ છું?” ઘણુંખરું કોઈ અહંકારી પ્રત્યે તમને તિરસ્કાર અને ઈર્ષ્યા આવે છે. એને બદલે તમારે એના પ્રત્યે કરુણા કે તેથી પણ વિશેષ સહાનુભૂતિ દાખવવા જોઈએ.

અહમ્નો એક સકારાત્મક ગુણ પણ છે. અહમ્ જ તમને કામ કરવાની પ્રેરણા આપે છે. માણસ ક્યાં તો મજબૂરીમાં કામ કરશે કે પછી પોતાના અહમ્ને સંતોષવા. સમાજમાં થતું મોટા ભાગનું કામ અહમ્ને કારણે જ હોય છે, પરંતુ સત્સંગમાં થતું કામ પ્રેમને કારણે હોય છે. અહમ્ એ અલગતાવાદ છે. આત્મીયતાનો અભાવ છે. એની વૃત્તિ હંમેશાં કંઈક સાબિત કરવાની અને માલિકી સ્થાપવાની હોય છે. જ્યારે તમે જાગીને જુઓ છો કે આ જગતમાં કશું સાબિત કરવાનું પણ નથી અને કશું મેળવવા જેવું પણ નથી ત્યારે આ અહમ્ ઓગળી જાય છે.

પરસ્પર વ્યવહારના ત્રણ પ્રકાર છેઃ મગજથી મગજનો વ્યવહાર વાર્તાલાપથી થાય છે, દિલથી દિલનો વ્યવહાર ગીત અને ગાયનથી થાય છે અને આત્માથી આત્માનો વ્યવહાર મૌન દ્વારા થાય છે. જ્યારે તમે લોકોને મળો છો ત્યારે બહુધા વ્યવહાર મગજથી મગજનો હોય છે. તમે કેવળ વાતો કરો છો-બોલ બોલ કરો છો અને તમારો બધો વ્યવહાર માત્ર બુદ્ધિને સ્તરે થતો હોય છે. જ્યારે તમે કુદરત સાથે હો છો તો ગાવા માંડો છો; કુદરત સાથેનો તમારો વ્યવહાર હૃદયથી થતો હોય છે અને જ્યારે તમે ગુરુ પાસે પહોંચો છો તો સાવ શૂન્ય થઈ જાવ છો, તમારા બધા પ્રશ્નો ભૂલી જાવ છો. એ વ્યવહાર આત્માથી આત્માનો હોય છે અને તે મૌનમાં જ થાય છે.

જ્યારે તમે લોકોને મળો છો ત્યારે કેવળ તમારા મગજને જ વાપરવાનું પસંદ કરો છો. સિવાય કે કોઈ એવો કાર્યક્રમ અગાઉથી નક્કી હોય, તમે લોકો સાથે ગાવાનું પસંદ કરતા નથી. તમારે અહમ્ તમને ગાતા રોકે છે. જ્યારે તમે લોકો સાથે ગાવા માંડો છો ત્યારે તમે ઉપરથી ઉતરીને તમારા હૃદયમાં તમારી લાગણીઓ સાથે આવી જાય છો. કેટલાકને સંગીત માત્ર સાંભળવાનું જ ગમે છે. કેટલાક જ્યારે એકલા હોય ત્યારે જ ગાવાનું પસંદ કરે છે. કેટલાક પોતાના તરફ ધ્યાન ખેંચાય કે અન્યોને રાજી કરાય તે માટે જ ગાય છે. કેટલાક ગાવામાં ત્યારે જ જોડાય જ્યારે બાકીના બધા પણ ગાતા હોય. આ પ્રકારનું બધું જ ગાયન અહમ્ને કારણે થતું હોય છે.

ભજનનો અર્થ છે ભાગ લેવો. તમારા અસ્તિત્વના સૌથી ઊંડા સ્તરેથી ભાગ લેવો. ભજન એ જ વાસ્તવિક ભાગીદારી છે. તમે જો લોકો સાથે બેસીને સાચે સાચા ગાઈ શકો તો તમારો અહમ્ ભાંગીને સૂકા થઈ જશે. બાળકો સમૂહમાં સરળતાથી ગાઈ શકે છે કારણ એમને અહમ્ નથી હોતો. કોઈ અજાણ્યા સાથે ગાવા માટે તમે અહમ્થી મુક્ત હોવા જોઈએ.

મગજને સ્તરે અહમ્ સુરક્ષિત છે.

હૃદયને સ્તરે અહમ્ તૂટે છે.

આત્માને સ્તરે અહમ્ ઓગળે છે.

વ્યવહારની મુશ્કેલી અહમ્ને કારણે જ હોય છે.

જે રીતે તમારી ગાડીનું બળતણ ખૂટે છે અને તમારે તે વારંવાર ભરવું પડે છે, તે જ પ્રમાણે સમય જતાં તમારા સમર્પણ અને નિષ્ઠા પણ મોળાં પડે છે. તેમને સતત જાગૃત રાખવાની જરૂર પડે છે. તમારે વારંવાર સર્મિપત થવું પડે છે. ઘણીવાર લોકો પોતાના સમર્પણને અફર માની લે છે અને પછી મનની માંગણીઓ અને ફરિયાદ આવવા માંડે છે. જ્યારે સમર્પણ સંપૂર્ણ નથી હોતું, ત્યારે ગણગણાટ અને ફરિયાદો શરૂ થઈ જાય છે. સંપૂર્ણ સમર્પણ, અસીમ ઉત્સાહ, સ્ફૂર્તિ, વિશ્વાસ અને પડકારની ભાવનાને લાવે છે. સંપૂર્ણ સમર્પણમાં અહમ્ને કોઈ અવકાશ રહેતો નથી.

[email protected]