૭૦ વર્ષની યુવાન ઢીંગલી બાર્બીની બ્રાન્ડથી સુપર બ્રાન્ડ સુધીની સફર - Sandesh
  • Home
  • Supplements
  • Stree
  • ૭૦ વર્ષની યુવાન ઢીંગલી બાર્બીની બ્રાન્ડથી સુપર બ્રાન્ડ સુધીની સફર

૭૦ વર્ષની યુવાન ઢીંગલી બાર્બીની બ્રાન્ડથી સુપર બ્રાન્ડ સુધીની સફર

 | 11:21 pm IST

આજકાલ । માલિની રાવલ

કોઈ પણ કુમળી વયની કન્યાને પૂછો કે તને કઈ અને કેવી ઢીંગલી મળે ? તો તેનો તમને એક જ જવાબ મળશેઃ બાર્બી ડોલ આ પ્રશ્ને તમે અબાલવૃદ્ધ કોઈને પણ પૂછો તો તેઓએ જવાબ ઉપર મુજબનો જ હશે.

સૌની ગમતીલી-લાડલી-રૂપકડી આ ઢીંગલીએ સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવી લીધું છે. તેની સુંદરતા અપાર છે, તેના સૌંદર્યના વખાણ માટે કોઈ શબ્દો હોતા નથી. છે તો એ ઢીંગલી પરંતુ તેના અવતારો અનેક છે., દેશે દેશે આ રૂપાળીના સ્વરૂપો બદલાઈ રહ્યાં છે. રોજે રોજ તેના રૂપરંગ-ડ્રેસ-મેકઅપ-હેરસ્ટાઈલ બદલાતી રહી છે. એક પત્ની તરીકે નહીં, પણ એક દીકરી તરીકે બાર્બીને પોતાના પડખે સૂવડાવાનું મન થાય તેવી રૂપકડી નાર છે.

મૂળ બાર્બરા મિલિસેન્ટ ટોલર્ટ્સ ઉંમર ૫૭ વર્ષની પણ દેખાવમાં તે લાગે ૧૭ વર્ષની. ના, આ ઢીંગલીની વાત નથી એક માનવ યુવતીની આ વાત છે.

૧૯૫૦ના દાયકામાં અમેરિકાની મેટલ ટોય કંપનીના સહસ્થાપક ઈલિયોટની પત્ની રૂથ હેન્ડલર ઘરના કામમાંથી પરવારીને બેઠા હતાં. એટલામાં તેમની નજર તેમની પુત્રી બાર્બરા કોઈ કાગળની ઢીંગલી બનાવીને તેની સાથે રમતી હતી. આ ઢીંગલી, બાર્બરા અને તેનો ભાઈ કેનેથ પણ આ કાગળની ઢીંગલી સાથે રમતો હતો.

પિતા રૂથ હેન્ડલ પુત્ર-પુત્રીને આ ઢીંગલી સાથે ઓતપ્રોત થઈને રમતા નિહાળ્યા બપોરનો સમય હતો. જમી પરવારીને આરામ ખુરશીમાં બેઠેલા રૂથને આ દૃશ્ય જોઈ, પોતાની રમકડાંની ફેકટરીમાં કોઈ એવી ઢીંગલી બનાવવાનો વિચાર આવ્યો કે જે અબાલવૃદ્ધ સૌ કોઈના મન મોહી લે. ખાસ કરીને તે બાળકોની અંગત મિત્ર બનીને રહે. બસ, ૯ માર્ચ ૧૯૫૯ના રોજ એક ઢીંગલીનું નામ પાડવામાં આવ્યું બાર્બી.

જ્યારે સત્તાવાર અમેરિકન ઈન્ટરનેશનલ ટોય ફેસ્ટિવલમાં બાર્બીને રજૂ કરવામાં આવી ત્યારે વિશ્વના તમામ રમકડાં કંપનીના મહાનુભાવોએ એક સાથે બાર્બીને વધાવી લીધી અને ૯ માર્ચનો દિવસ એટલે બાર્બીનો જન્મદિવસ પણ જાહેર કરી દીધો.

તે દિવસથી લઈ આજ સુધી વિશ્વઆખામાં દર ત્રણ સેકન્ડે એક બાર્બીડોલનું વેચાણ અવશ્ય થાય છે. જો કે ઈલિયોટ કે તે પછી તેની પેઢીના લોકો માત્ર બાર્બીને એક અવતાર જાહેર કરીને ચૂપ બેસી નહોતા રહ્યા. ૧૯૬૧થી અનેક સ્વરૂપ અને અંદાજમાં બાર્બીને રજૂ કરીને મેટલ ટોય કંપનીવાળાએ એક વિશ્વરેકોર્ડ સ્થાપ્યો છે.

શરૂઆતમાં બાર્બી ટીનએ ફેશન મોડલ તરીકે રજૂ થઈ હતી, એ પછી બાર્બી આર્મી અફસર બની, ડોક્ટર-નર્સ બની, રોકસ્ટાર બની, ઓલિમ્પિક સ્મિમર, ટીવી એન્કર, અવકાશ યાત્રી ડોક્ટર સહિત કુલ ૧૩૦ જેટલાં સ્વરૂપો બાર્બીના થયા છે. તે ઉપરાંત બાર્બીના અવતાર અમેરિકન, એશિયન, આફ્રિકન અને અરબસ્તાની તથા ઈન્ડિયન થયા છે. ૧૯૫૯ના વર્ષમાં પ્રથમ બાર્બી ડોલ વેચાઈ હતી. માત્ર ૩ ડોલરમાં, જે રકમ આજના સમયના ૨૫ ડોલર સમાન છે. આમ જૂઓ તો બાર્બીના કુલ સ્વરૂપો ૧૩૦ છે, પરંતુ તેના ડ્રેસિંગ માટેના ડિઝાઈનર ડ્રેસ આશરે ૭૦થી વધુ છે. એકદમ સ્ટ્રેટ સ્ટાઈલમાં ઊભા રહેલી અને પોતાના કેશે એકદમ લાંબા ધરાવતી, સીધી સાદી બાર્બી ૧૯૯૨ના વર્ષમાં રજૂ થઈ હતી અને આ બાર્બીનું સ્વરૂપ આજદિન સુધીનું વધુ વેચાણ ધરાવતું હતું.

બાર્બી ભારતમાં ૧૯૮૦ના દાયકામાં અવતરી ત્યારે આ રૂપકડી ઢીંગલીની કિંમત હતી રૂપિયા ૨૩૬ માત્ર. મજાની વાત તો એ છે કે, એ સમયે સરેરાશ ભારતીય વ્યક્તિનો પગાર જ રૂપિયા ૨૦૦ હતો અને એટલે જ મધ્યમવર્ગીય એ વખતની બાલિકાને બાર્બી ગમતી હતી. તો પણ તે ઢીંગલીના શોરૂમમાં માત્ર બાર્બીને જોઈને આનંદ મેળવી લેવો પડતો.

એક સમય એવો હતો કે બાર્બી જેવો દેખાવ અને સ્વરૂપ મેળવવા અણસમજું બાલિકા ઉપવાસ કરીને બાર્બી ડોલ જેવું પોતાનું ફિગર ૩૬-૧૮-૩૩નું ફિગર મેળવવા પ્રયાસો કરતી હતી અને આ વિશે બાર્બી ડોલના નિર્માતાને અને ભારત સરકારને ઘણાય વાલીઓએ ફરિયાદો પણ કરી હતી કે, બાર્બીને તાત્કાલિક અહીંથી જાકારો મળે…

૨૦૦૩માં તો આ પ્રશ્ન ઉપર સાઉદી અરેબિયામાં બાર્બી ડોલના વેચાણ પર પ્રતિબંધ પણ લાદ્યો હતો.

એવું કહેવાય છે કે બાર્બી અપરણિત ઢીંગલી છે, છતાં ૧૯૬૧થી કેન નામનો તેને બોયફ્રેન્ડ પણ છે. જો કે આ બોયફ્રેન્ડ સાથે બાર્બીના લગ્ન થવાના હતા. પરંતુ ૨૦૦૪માં વેલેન્ટાઈન્સ-ડેના દિવસે બંનેના સંબંધમાં વિખવાદ જાગ્યો અને બેઉ જુદા પડયા. આજની ભાષામાં બંને વચ્ચે બ્રેકઅપ સર્જાયો.

કુદરતનો કરિશમા જુઓ કે ઢીંગલા-ઢીંગલીના નિર્માતાને કારસો જૂઓ ૨૦૧૧ના વેલેન્ટાઈન્સના દિવસે ફરી બંનેના હૃદયનું જોડાણ કરીને કેન-બાર્બીને ફરી જોડી દેવાયા.

૧૯૯૦માં બાર્બી પરથી અમેરિકાના જાણીતા પોપગાયક દ્વારા એક ગીતની રચના પણ થઈ આઈએમ બાર્બી ગર્લ્સ, ઈન ધ બાર્બી વર્લ્ડ…, એ સમયે બાર્બીના ચાહકોમાં આ ગીત ખૂબ જ પ્રખ્યાત થયેલું.

આજે મુંબઈ જેવા મહાનગરોની નાની-નાની કન્યાઓમાં બાર્બી ડોલનું બહુ આકર્ષણ છે. બાર્બી છે ઢીંગલી પરંતુ તેનું સ્વરૂપ કોઈ ૧૬ વર્ષથી ૧૮ વર્ષની સુંદરીનું તેનું માદક હાસ્ય અને સેકસી ફિગર જોઈ પ્રૌઢો પણ તેના પ્રેમમાં પડી જાય છે, પછી નાની કન્યાની વાત જ શું કરવી. આવા અવતારને બાર્બીનું બોડી પોઝિટિવ કહે છે.

મનોચિકિત્સકો કહે છે કે, બોડી પોઝિટિવ સ્વરૂપવાળી બાર્બી સાથે પોતાનું ચિત લગાડીને બાલ્યાવસ્થામાં તેની સાથે રમેલી છોકરીઓ જ્યારે સગીરાવસ્થામાં પ્રવેશ કરે છે. ત્યારે પોતાનું સ્વરૂપ પણ અદ્દલ બાર્બી જેવું જ થાય તેવા આડાઅવળાં પ્રયત્નો કરીને પોતાના શરીરનું જોખમ વહોરતી હોય છે. આવાં અવાસ્તવિક પ્રયોગો આજની સગીરા માટે યોગ્ય નથી.

આજની બાર્બીના કેશ તથા કપડાં એકસ્ટ્રા મળે છે, જેનું વોશિંગ પણ બહુ સરળતાથી થાય છે, આજની બાર્બી ડોલની કિંમત રૂપિયા ૫૦૦થી ૫૦૦૦ સુધીની કિંમતમાં મળે છે. બાર્બીનું એક સ્વરૂપ તો રૂપિયા ૨૦,૦૦૦નું છે.

હવે બાર્બીના નવા અવતારમાં ચાર બોડી ટાઈપ, જેમાં એક ઓરિજિનલ અને ત્રણ નવા હશે, જ્યારે ત્વચાના સાત વર્ણ હશે, તેના ૨૨ રંગ હશે અને ૨૪ જેટલી આધુનિક હેરસ્ટાઈલ હશે, આ સાથે બાર્બીએ કપડાં પગરખા અને એકસસરીઝની તો અસંખ્ય ફેશન જોવા મળશે, બાર્બીએ પહેરેલાં ડિઝાઈનર વસ્ત્રો તો ‘એક જુઓ અને એક ભૂલો’ જેવા હશે. બાર્બી ડોલના આ તમામ સ્વરૂપ અવતારમાં મોટે ભાગેના તમામ ધર્મ-જાતિ-વર્ગ અને ધર્મનો સમાવેશ થશે.

આપણે ત્યાં બાર્બી ભલે એટલી બધી લોકપ્રિય નથી. પરંતુ શ્રીમંતોની કન્યાઓને આજે પણ બાર્બીડોલ સાથે રમ્યાં વગર ચાલતું નથી.

બાર્બીનો જ્યાં જન્મ થયો છે તે જન્મ સ્થળ અમેરિકાની કિશોરીઓમાં બાર્બીડોલ ફેશન મોડલ બની ગઈ છે, જ્યારે કોઈ બાર્બી નવી અવતાર પામે ત્યારે અમેરિકન કિશોરીઓ તરત જ તેને નિહાળવા તલપાપડ બની જાય છે, અને નવી બાર્બીની ફેશન અને સ્ટાઈલ અપનાવવાના પ્રયત્નો કરવા લાગે છે.

બાર્બી ડોલને નિર્માણ કરતી અમેરિકાની મેટલ ટોય કંપની બાર્બીને એકદમ બજારમાં વેચાણ માટે મૂકવા નહોતી ઈચ્છતી પરંતુ બાર્બી ઉર્ફે પુત્રી બાર્બરાની હઠથી બાર્બરાના પિતા રૂથ હેન્ડલરે બજારમાં વેચાણ માટે મૂકી જ દીધી. જો કે આ વેચાણને લઈને બાર્બી તે વખતે ‘ફોરચ્યુન-૫૦૦’ બની ગઈ. ફોરચ્યુન-૫૦૦નું વિરૂદ્ધ અમેરિકામાં જગવિખ્યાત માનભર્યું ગણાય છે.

બાર્બી ડોલને નિર્માણ કરતી અમેરિકન મેટલ ટોય કંપનીએ ૨૦૧૦માં માત્ર બાર્બીના જ વેચાણની આવક બહાર પાડી હતી કે તે વર્ષે બાર્બી ડોલ ૫.૮૫૬ અબજમાં વેચાણ થયું. એક રમકડાં કંપનીનો માત્ર એક ઢીંગલી વેચવાની આવકનો આ રેકોર્ડ કાંઈ નાનોસુનો ન કહેવાય.

બાર્બી ડોલના સૌ પ્રથમ નિર્માતા-પિતામહ રૂથ હેન્ડલર તો આજે આ દુનિયામાં નથી રહ્યાં, કદાચ બાર્બરા પણ જીવિત નથી, છતાં તેનું સ્વરૂપ બાર્બી હજુ ૭૦ વર્ષની યુવાન વયે કાચી કન્યા જેવું સ્વરૂપ ધારણ કરીને જીવી રહી છે. અને તેને રમાડતી કે તેની સાથે રમતી પોતાની નાની-નાની સખીઓએ આનંદથી ફેશનમાં રાચતી જીવવાની પ્રેરણા પણ આપી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન