બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેયર બોલ્સોનારને પ્રચાર દરમિયાન ચાકુ હુલાવાયું - Sandesh
  • Home
  • World
  • બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેયર બોલ્સોનારને પ્રચાર દરમિયાન ચાકુ હુલાવાયું

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેયર બોલ્સોનારને પ્રચાર દરમિયાન ચાકુ હુલાવાયું

 | 7:44 am IST

બ્રાઝિલમાં રાષ્ટ્રપતિપદના ઉમેદવાર જેયર બોલ્સોનારો પર એક પ્રચારરેલીમાં ચાકુથી હુમલો કરાયો છે, જે બાદ તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેયર પર હુમલાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

વીડિયોમાં જોવા મળે છે કે બોલ્સોનારોના સમર્થક તેમને ખભે ઉઠાવીને લઈ જઈ રહ્યા છે. તેમનાં પેટમાં ચાકુ હુલાવી દીધું છે. ન્યૂઝ એજન્સી સિન્હુઆના મતે બોલ્સોનારોને ઘટનાસ્થળથી લઈ જવાયા છે, તેઓ બેહોશ હોય એમ લાગે છે. આ ઘટના બાદ તરત જ એક્શનમાં આવેલી પોલીસે ૪૦ વર્ષના શંકાસ્પદ એડેલિયો બિસ્પો ડી ઓલિવેરાને ગિરફતાર કર્યો છે. હુમલો થયા બાદ શંકાસ્પદને ભીડે પકડી લીધો હતો. બોલ્નોસારની હાલત અંગે મીડિયામાં અલગ અલગ અહેવાલ આપી રહ્યા છે.

નેશનલ ન્યૂઝ નેટવર્ક ગ્લોબોના મતે બોલ્સોનારોનું તરત ઓપરેશન કરવાની જરૃર છે, જ્યારે તેમના દીકરા ફ્લાવિયોએ ટ્વિટ કરીને કહ્યું કે તેમના પિતાની સ્થિતિ વધુ ગંભીર નથી. ફ્લાવિયોએ સમર્થકોને પોતાના પિતા માટે પ્રાર્થના કરવા કહ્યું છે.

લીવર, આંતરડાં અને ફેફસાંમાં ઈજા

તેમણે કહ્યું હતું કે, દુર્ભાગ્યથી જેટલું અમે વિચાર્યું છે તેનાથી આ વધુ ગંભીર છે. તેમનાં લીવર, ફેફસાં અને આંતરડાંમાં ઈજા થઈ છે. ઘણું લોહી વહી ગયું છે. તેમને લગભગ મરણોન્મુખ સ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, પરંતુ હવે તેમની હાલત કંઈક સ્થિર લાગે છે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ મિશેલ ટેમરે આ હુમલાને અસહનીય ગણાવ્યો છે.