બ્રેક્ઝિટ અને ટ્રમ્પની ચિંતામાં વૈશ્વિક સોનું મહિનાની ટોચે

162

અમદાવાદ તા.૧૦

ડોનાલ્ડ ટ્રમ્પ યુએસ પ્રેસિડન્ટ તરીકે સંચાલન સંભાળે એના ગણત્રીના દિવસો બાકી છે તેની ચિંતાએ ડોલર અસ્થિર થતાં વૈશ્વિક સ્તરે સોનું એક માસની ઊંચી સપાટીએ પહોંચ્યુ હતું. નોંધનીય છે કે, નવેમ્બરમાં ડ્રમ્પની પ્રથમ સ્પિચ પછી ડોલર ગગડયો હતો જેથી આગામી સમયમાં વૈશ્વિક સોનામાં વધુ ઉછાળા આવે તો નવાઈ નહિં. અત્યારે વૈશ્વિક સ્તરે સોનું ૧.૧૦ ડોલર ઘટીને ૧૧૮ર.૪૦ ડોલર પ્રતિ ઔંશ ક્વોટ થયુ હતું. વૈશ્વિક ચાંદી ૧૬.પ૭ ડોલર બોલાતી હતી. જ્યારે વૈશ્વિક મજબૂત વલણ અને સ્થાનિક માગ વધતા ઘરઆંગણે ચાંદી પ્રતિકિલો રૂ.પ૦૦ વધી રૂ.૪૦,પ૦૦ થઈ હતી તો સોનું ૧૦ ગ્રામદીઠ રૂ.ર૦૦ના વધારામાં રૂ.ર૯૧૦૦ થયુ હતું. જ્યારે દિલ્હી ખાતે સોનું રૂ.ર૯૦૦૦ની સપાટી ક્રોસ કરી રૂ.૩૩૦ના વધારામાં રૂ.ર૯,૦૩૦ રહ્યુ હતુ જે એક મહિનાની ટોચ છે. અને ચાંદી રૂ.૩પ૦ની આગેકૂચમાં રૂ.૪૦,૭પ૦ થઈ હતી.

ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો નાની રેન્જમાં ટ્રેડ થઈ અંતે ત્રણ પૈસાના નજીવા સુધારામાં ૬૮.૧૮ બંધ હતો. ગઈકાલે એશિયન કરન્શી માર્કેટ મજબૂતીમાં દેખાતા હતા બીજી બાજુ ડોલર ઈન્ડેક્સ ૧૦૧.૮પ ઉપર ટ્રેડ થઈ રહ્યો હતો. ગઈકાલે પાઉન્ડ સાથે રૂપિયો ૭૮ પૈસાના ખરાબીમાં ૮ર.૮ર અને યુરો સામે રૂપિયો ૩૯ પૈસાની નરમાઈમાં ૭ર.૮૩ રહ્યા હતા.