લાંચનો બિઝનેસ સહકારી ભાવના પર ચાલતો હોય છે!  - Sandesh
  • Home
  • Columnist
  • લાંચનો બિઝનેસ સહકારી ભાવના પર ચાલતો હોય છે! 

લાંચનો બિઝનેસ સહકારી ભાવના પર ચાલતો હોય છે! 

 | 12:16 am IST

રોંગ નંબર : હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

લાંચ આપવી એ પણ એક પ્રકારનું ગુપ્ત દાન કહેવાય એવું કેટલાક લાંચવીર અને લાંચેશ્વરીઓ માનતા હોય છે. કેટલાક લાંચશાસ્ત્રીઓ આવાં દાનને રાજસિક દાન ગણાવતા હોય છે. અમારા એક મિત્ર વકીલ છે. એમની એવી દલીલ હોય છે કે જો કોઈને દાન આપવું એને ગુનો કહેવાતો હોય તો જ લાંચ આપવાની પ્રોસેસને ગુનો કહી શકાય. નહીંતર નહીં. લોજિક એમનો પ્રિય વિષય છે. લાંચ લેનારને બચાવવા માટેનો એમનો લેશમાત્ર ઇરાદો નથી પણ એમનું કહેવું બધું લોજિકલ હોય છે એવું એ માનતા અને મનાવતા હોય છે. એ તો આ બાબતે એવુંય કહેતા હોય છે કે હોટેલમાં અપાતી ટિપને જો લાંચ માનવામાં ન આવતી હોય તો લાંચને બિચારીને કયા અર્થમાં કે કયા સંદર્ભમાં લાંચ તરીકે ઓળખવામાં આવે છે? કોઈપણ અશક્યતાને આમ ચપટી વગાડતામાં જ શક્યતામાં ફેરવી નાખવાની અમોઘ શક્તિ એકમાત્ર લાંચમાં છે. લાંચ જેવી કોઈ ષધિ અને જડીબુટ્ટી નથી. કેટલાક લાંચાત્માઓ તો લાંચને ‘પત્રમ્ પુષ્પમ્’ કહીને લાંચમાં રહેલી શુદ્ધતા, પવિત્રતા અને સાત્ત્વિકતાની ભાવવંદના કરે છે. આ પ્રકારનું પત્રમ્ પુષ્પમ્ આપનારને વંદન કરે છે અને આવું પત્રમ્ પુષ્પમ્ સ્વીકારનારને અભિનંદન આપે છે.

લાંચનાં અનેક સ્વરૂપો છે. જેવું એનું સ્વરૂપ એવું એનું નામ. અનેકનામી ભગવાન માટે પેલું ભજન ગવાય છે ને કે, – હરિ તારાં છે હજાર નામ, કયા નામે લખવી કંકોતરી! લાંચનું પણ હરિ જેવું છે – મતલબ કે ભગવાન જેવું છે. એક લાંચવિશારદે તો લાંચનો મહિમા આ રીતે ગાયો છે : ‘લાંચ તારાં છે હજાર નામ, કયા નામે મારે સ્વીકારવી!’ લાંચને કોઈ ઘૂસ કહે છે, તો કોઈ એને રિશવત કહીને એની શરાફત જાળવી લે છે. કોઈ એને ભેટ કહે છે, કોઈ એને બક્ષિસ કહે છે. કોઈ એને બોણી કહે છે તો કોઈ એને બોનસ કહે છે. કોઈ એને ઇજાફો કહે છે તો વળી કોઈ એને ‘ચા-પાણી’ કહીને સન્માને છે. કેટલાક પવિત્ર આત્માઓ તો લાંચને પ્રસાદ, મહાપ્રસાદ, નૈવેદ્ય કે અન્નકૂટ કહીને પણ લાંચમાં રહેલી ઈશ્વરીય તાકાતને કે એનાં ઐશ્વર્ય ને બિરદાવે છે. લાંચ ભલભલાને પરાસ્ત કરી શકે છે. અડગ મનના માણસને હિમાલય પણ નડતો નથી એવું ભલે કહેવાતું હોય પણ એ અડગ મનનો માણસ જ્યાં સુધી લાંચસુંદરીની અડફેટે ચડયો નથી ત્યાં સુધી જ એવું કહેવાતું હોય, બાકી એક વાર જો એ લાંચપરીની અડફેટે ચડી ગયો તો સમજી લેવાનું કે એ મરદ મૂછાળો પણ ઘડીના છઠ્ઠા ભાગમાં લાંચ ભાળીને બળદ પૂંછાળો થઈ જવાનો!

લાંચ આપનાર અને સ્વીકારનાર વ્યક્તિ કોણ છે અને એનું ડેઝિગ્નેશન શું છે એના પર એ લાંચની ઇમેજ બંધાય છે અને એ મુજબ એની ગરિમા જળવાય એ રીતે એની ઓળખ બનતી હોય છે. કોઈ મોટા અધિકારીને આપવામાં આવતી લાંચને તમે લાંચ કહીને એ લાંચનાં લાંચત્વનું અને એ અધિકારીનાં પદનું અપમાન કરી રહ્યા છો. મોટા ગજાના અધિકારીઓ પોતાના ગજા પ્રમાણે અને ગજવા પ્રમાણે જે સ્વીકારવાનું હોય એ બધું સ્વીકારતા હોય છે. ગજવું(ખિસ્સું) જેટલું મોટું, ગજું એટલું ઊંચું! આવા મોટા ગજાના અધિકારીઓ, જેમને રાજકીય પરિભાષામાં ‘મોટા ચમરબંધી’ તરીકે પણ ઓળખવામાં આવે છે એવાં લોકોને જે આપવામાં આવે છે એને લાંચ નહીં પણ ગિફ્ટ કહેવામાં આવે છે, જ્યારે કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિ કોઈ મોટા અધિકારીની ચેમ્બરમાં નતમસ્તક થઈને પૂર્ણ શ્રદ્ધાભાવે જે વસ્તુની ગિફ્ટ આપે છે એને લાંચ કહીને પેલી વ્યક્તિની શ્રદ્ધાનું અપમાન ન કરાય. હા, એ માટે એટલું જરૂર કહેવાય કે એ વ્યક્તિ પેલા મોટા અધિકારી સાહેબને એમનાં સંતાનો માટે મીઠાઈ તરીકે, એક ‘છો…ટાસા નઝરાના’ની ભેટ ધરે છે. આવું બોલવાથી આપનાર, સ્વીકારનાર અને જે કંઈ અપાય છે એ ત્રણેનું માન-સન્માન જળવાય છે. તમે કયો શબ્દ ક્યાં, ક્યારે અને કોના માટે પ્રયોજો છો એના પર ઘણોબધો મદાર હોય છે સાહેબ! તમે કોઈ ફૂલ વેચનારની દુકાને જઈને એમ બોલો કે ભાઈ, મને વીસ રૂપિયાનાં પુષ્પ આપો તો એ તમને પુષ્પ એટલે કે ફૂલ તરત જ આપી દેશે પણ જો તમે કવિહૃદય ધરાવતા હો અને કરિયાણા-મસાલાની દુકાને જઈને એમ બોલો કે ભાઈ, મને વીસ રૂપિયાનાં કોકમનાં પુષ્પ આપો ને? પેલો વેપારી કાયમને માટે દુકાન બંધ કરીને ઘરભેગો થઈ જાય સાહેબ! અર્થ ભલે એક થતો હોય પણ પુષ્પ અને ફૂલ શબ્દમાં બહુ મોટો ફરક છે. લાંચનું પણ એવું છે. ‘લાંચ લીધી’ એમ બોલો તો લોકો ટીકા કરશે પણ જો એમ બોલો કે ‘ગિફ્ટ મેળવી’ તો લોકો પ્રશંસા કરશે! આને કહેવાય શબ્દલીલા!

રાજકારણ પણ આવી જ શબ્દલીલાનો ખેલ છે. મુલાયમ શબ્દોની ગૂંથણી કરીને તૈયાર કરવામાં આવતાં સપનાંને, ચૂંટણીના પરિવેશમાં વચનો તરીકે ઓળખવામાં આવે છે. પાળી શકાય એવાં વચનો અપાય અને આપેલાં એ વચનો નિશ્ચિત સમયમર્યાદામાં પાળી બતાવાય તો એને રામરાજ્ય કહેવાય. આજે અપાતાં મોટાભાગનાં વચનોની સાઇઝ કાં તો બજેટની સાઇઝ કરતાં મોટી હોય છે કાં તો સમયની બહારનાં હોય છે, પરિણામે એ વચનો પળાતાં નથી અથવા પાળી શકાતાં નથી. એક વચનશૂરા નેતાનું તો એવુંય કહેવું છે કે અરે ભાઈ, વચનો આપવાનાંય અમારે અને પાળવાનાંય અમારે? ગોરબાપા સંસાર બનાવી આપે, સંસાર થોડો કંઈ માંડી આપે? આપણા ન્યૂ ચાણક્યના મતે તો વચનો આપવાં એ પણ એક પ્રકારની લાંચ કહેવાય. ‘તમે અમને મદદ કરો, અમે તમને ખુશ કરીશું’ ‘તમે અમને મત આપો, અમે તમારાં દેવાં જ નહીં, અપરાધો પણ માફ કરીશું(શરતો લાગુ!)’ ‘તમે અમને એક તક આપો, અમે તમને અનેક તક આપીશું.’ આને સોદાબાજી કહેવાય કે નહીં એ મોટો યક્ષપ્રશ્ન છે.

એક લાંચનિષ્ણાતે લાંચ પર ઊંડું રિસર્ચવર્ક કરીને એવું તારણ કાઢયું છે કે કોઈની પાસેથી કામ પૂરું કરાવતાં પહેલાં જે કંઈ આપવામાં આવે છે એને લાંચ કહેવાય પણ એ જ વસ્તુ કામ પૂરું થઈ ગયા પછી આપવામાં આવે તો એને લાંચ ન કહેવાય પણ ગિફ્ટ કે બક્ષિસ કહેવાય! બીજા એક લાંચતજ્જ્ઞાનું એવું માનવું છે કે કામ શરૂ કરાવતાં પહેલાં જે કાંઈ આપવામાં આવે એને લાંચ ન કહેવાય એને પ્રોત્સાહક અને ઉત્સાહવર્ધક ટોનિક કહેવાય અને સોંપેલું કામ પૂરું થઈ જાય પછી જે કંઈ આપવામાં આવે એને ઇનામ કહેવાય, વળી નક્કી કરેલા પ્રમાણ કરતાં ઓછી માત્રામાં આપે તો એને આશ્વાસન ઇનામ કહેવાય. લાંચ ન કહેવાય. આમાં ઉભયપક્ષે સાવચેતી એટલી જ રાખવાની કે આવી બક્ષિસ આપનારે આપવામાં અને માગનારે માગવામાં ધીરજ રાખવી. આ બહુ નાજુક પ્રક્રિયા છે, એમાં જો સહેજ પણ ઉતાવળ થઈ ગઈ તો ખલાસ. આવી ઉતાવળ કોઈ પણ પક્ષે ન થાય એટલા માટે બંને પક્ષે – એટલે કે બક્ષિસ આપનારે અને સ્વીકારનારે પોતપોતાનાં દિલ સામે હાથ જોડી સતત એક જ પ્રાર્થના કરતા રહેવું જોઈએ કે – ‘ધીરે ધીરે મચલ એ દિલે બેકરાર… કોઈ આતા હૈ…’ આ બાબતે અનુભવીઓ કહી ગયા છે કે જે લોકો ધીરજ રાખીને જે કંઈ મળે એ સ્વીકારી લે તો એને ક્યારેય પસ્તાવાનો કે મોં છુપાવવાનો વારો નથી આવતો. આ બિઝનેસમાં ધીરજ રાખનાર ક્યારેય કશું ગુમાવતો નથી. શક્ય છે કે આવા અનુભવીઓએ જ પેલી કહેવત પાડી હશે ને કે – ધીરજનાં ફળ મીઠાં!

લાંચનો બિઝનેસ પરસ્પરની સહકારી ભાવના પર જ ચાલતો હોય છે, વિકસતો હોય છે અને ટકતો હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સહકારી ભાવના જ આ બિઝનેસની કરોડરજ્જુ છે. એક આ જ એવો બિઝનેસ છે જે માત્રને માત્ર વિશ્વાસ પર ચાલે છે. અહીં કશું જ લેખિત નથી હોતું, જે કંઈ વહેવાર થાય છે એ મૌખિક જ થાય છે. એકબીજાનાં વચનો પર બંને પાર્ટીને વિશ્વાસ હોય છે, એનું એક જ કારણ કે એમનાં વચનો રાજકીય નહીં પણ ૫૦ ટકા હાર્દિક, ૫૦ ટકા આર્થિક એવાં ૧૦૦ ટકાના તાર્કિક હોય છે. અહીં દિમાગનો નહીં, દિલનો ઉપયોગ થાય છે, પરિણામે વિધિમાં થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે છે પણ એમાં ક્યારેય વિઘ્ન કે રુકાવટ જેવું કાંઈ આવતું નથી. એક આ જ બિઝનેસ એવો છે જેને પેલી કહેવત લાગુ નથી પડતી, કે સારા કામમાં સો વિઘ્ન. મોટાભાગનાં લાંચેચ્છુઓનું તો સાહેબ એક જ ગણિત હોય છે કે નિયમિત મળતો પગાર પૂનમના ચાંદ જેવો કહેવાય, જે મહિનામાં એક જ દિવસે – કાં તો આખર તારીખે કાં તો એકથી દસ તારીખ સુધીમાં જ દેખાય અને એ પછી ક્ષય પામતા ચંદ્રની જેમ ધીમે ધીમે અદૃશ્ય થઈ જાય છે પણ ‘ઉપર’ની, ‘નીચે’ની કે કોઈપણ ‘સાઇડ’ની જે કાંઈ ઇન્કમ હોય છે એ તો નિરંતર વહેતો પ્રવાહ છે, જે કોઈપણ ક્ષણે તરસ છિપાવી શકે છે!

ડાયલટોન : 

– તમે મૂછો રાખવાનું ક્યારથી બંધ કર્યું?

– લગ્ન પછી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન