Brijesh Patel's conspiracy on VIP Road in Vadodara, his wife did not call USA to collect Rs 20 lakh ransom
  • Home
  • Featured
  • વડોદરામાં ભેજાબાજ બ્રિજેશ પટેલનું મોટું કારસ્તાન, પત્નીએ USA નહીં બોલાવતા છંછેડાયેલા પતિએ ઘડ્યો કારસો, પરંતુ…

વડોદરામાં ભેજાબાજ બ્રિજેશ પટેલનું મોટું કારસ્તાન, પત્નીએ USA નહીં બોલાવતા છંછેડાયેલા પતિએ ઘડ્યો કારસો, પરંતુ…

 | 10:12 am IST

રજિસ્ટ્રર મેરેજ કરી અમેરિકા વધુ અભ્યાસ અર્થે ગયેલી પત્નીએ અમેરિકા નહીં બોલાવતાં અકળાયેલા પતિએ પત્નીની માતા પાસેથી રૂપિયા 20 લાખની ખંડણી વસુલવાની સોપારી કેન્યાના ખંડણીખોરને આપી હતી. જેમાં ખંડણીખોરના કહેવાથી રૂપિયા 5 લાખનો પ્રથમ હપ્તો લેવા આવેલા અમદાવાદના બે આરોપીને હરણી પોલીસે એરપોર્ટ પાસેથી ઝડપી પાડ્યા હતા. જ્યારે પાછળથી સોપારી આપનાર બ્રિજેશ પટેલને પણ પોલીસે દબોચી લીધો હતો. પોલીસે ત્રણેય આરોપીના કોવિડ-19ના રિપોર્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે.

વીઆઈપી રોડ પર રહેતી એક યુવતીને અભ્યાસ દરમિયાન ખંડણીખોર બ્રિજેશ મયુરભાઈ પટેલ (ઉ.વ.30. રહે. વૃદાંવન સોસાયટી, વીઆઈપી રોડ) સાથે પ્રેમસંબંધ થયો હતો. ત્યારબાદ યુવતીએ પરિવારની જાણ બહાર આરોપી બ્રિજેશ સાથે રજિસ્ટર મેરેજ કરી લીધા હતા. પ્રેમલગ્ન બાદ યુવતી વધુ અભ્યાસ અર્થે અમેરિકા ગઈ હતી. જે બાદ બ્રિજેશ તેને અવાર નવાર ફોન કરી તું મને અમેરિકા ક્યારે બોલાવે છે? તેમ કહી હેરાન કરતો હતો.

છેલ્લા ચાર મહિનાથી તે પત્નીને વીડિયો કોલ કરી ધમકી આપતો હતો કે, તું મને વહેલી તકે અમેરિકા નહીં બોલાવે તો તારા મમ્મી અને કુંટુંબને બદનામ કરી નાંખીશ.. જેથી યુવતીએ તેની માતેને વાત કરતાં તેમણે પુત્રીનો મોબાઈલ નંબર બદલાવી નાંખ્યો હતો. પત્નીનો સંપર્ક નહીં થતાં બ્રિજેશ છંછેડાયો હતો. તેણે છેલ્લા પાંચ દિવસથી પત્નીની માતાની હેરાનગતિ શરૂ કરી હતી. બે-ત્રણ દિવસ પહેલા આરોપીએ તેમના ઘરે જઈ બિભત્સ ચેનચાળા કરી તને તો હું જાહેરમાં લીલામ કરી લઈશ, તને તારા સમાજમાં મોઢું દેખાડવા લાયક નહીં રાખથું. બદનામ કરી દઈશ. તેવી ધમકી આપી હતી.

જો કે, યુવતીની માતાએ આરોપીની ધમકીને નહીં ગણકારતા બ્રિજેશે કેન્યાના ખંડણીખોરને સોપારી આપી હતી. જેને લઈ ગત તા. 16 જૂને બપોરે દોઢ વાગ્યે મૂળ મહુધાના અને હાલ કેન્યાના નૈરોબી ખાતે સ્થાપી થયેલા ખંડણીખોર ઈશ્વર સોમા રબારીએ યુવતીની માતાને વોઈસ કોલ અને મેસેજ દ્વારા ધમકી આપી કે, હું ઈશ્વર રબારી બોલું છું, તમારે તમારી દિકરીના ભવિષ્ય માટે સેટલમેન્ટ કરવું હોય તો હું જે માણસને મોકલુ તેને 20 લાખ આપી દેજો, નહીં તો તમને અને તમારી દિકરીને મારી નાંખીશું. તમારા વોટ્સએપ ચેટીંગ વાઈરલ કરી, તમને ક્યાંય સારી રીતે રહેવા દઈશું નહીં, સમાજમાં પણ તમારી બદનામી કરાવી મરવા મજબૂર કરી દઈશું. આરોપીએ ગંદા મેસેજો પણ કરતાં યુવતીની માતા ગભરાઈ ગઈ હતી. બનાવ અંગે હરણી પોલીસે ગુનોં નોંધી આરોપી બ્રિજેશ પટેલ અને અમદાવાદના દશરથ દેસાઈ તથા દુર્ગેશ પટેલની અટકાયત કરી હતી.

કેન્યાના ઈશ્વર રબારીએ અમદાવાદથી બે સાગરિતને વડોદરા મોકલ્યાં

યુવતીની માતાએ હરણી પોલીસને સંપર્ક કરતા પીઆઈ રાજેશ બારિયાએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ઈશ્વર રબારી સાથે વાતચીત કરી પહેલા પાંચ લાખ રૂપિયા આપું છું, તેમ કહેતા રબારીએ હું વડોદરા મારો માણસ મોકલું છું,, તેને રૂપિયા આપી દેજો તેમ કહ્યું હતું. દરમિયાન ખંડણીખોર ઈશ્વરના સાગરિત દશરથ ભલા દેસાઈ (રહે. સહવાસ ટેનામેન્ટ, ઓઢવ, અમદાવાદ) અને દુર્ગેશ કનુ પટેલ (રહે, કૈલાસકુંજ સોસાયટી, ઓઢવ, અમદાવાદ) ફોર્ચ્યુનર કાર લઈને રૂપિયા 5 લાખની ખંડણી લેવા આવ્યા હતા. પોલીસે નક્કી કરેલ પ્લાન મુજબ બન્ને આરોપીને એરપોર્ટ પાસે બોલાવ્યા હતા. મહિલા પાસેથી પૈસા નહીં મળતાં આરોપીઓએ તેમને સળિયો બતાવી મારી નાંખવાની ધમકી આપી હતી. તે વખતે જ પોલીસે ત્રાટકી બન્ને ઝડપી પાડ્યા હતા.

જુઓ આ પણ વીડિયો: અમદાવાદના નવા હોટ સ્પોટ વિસ્તારો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન