“કોઈનામાં પરિવર્તન લાવવું હોય તો પહેલાં પોતાની જાતને બદલવી પડે છે” - Sandesh
NIFTY 10,894.70 +77.70  |  SENSEX 35,511.58 +251.29  |  USD 63.8450 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Sanskar
  • “કોઈનામાં પરિવર્તન લાવવું હોય તો પહેલાં પોતાની જાતને બદલવી પડે છે”

“કોઈનામાં પરિવર્તન લાવવું હોય તો પહેલાં પોતાની જાતને બદલવી પડે છે”

 | 4:36 am IST

ઝીરો લાઈનઃ ગીતા માણેક

“હું દેવદાસીઓની સમસ્યાઓનો ઉકેલ શા માટે ન લાવી શકું?” બાવીસેક વર્ષની યુવતીના મનમાં પ્રશ્ન આવ્યો અને તેણે નક્કી કર્યું કે દેવદાસીઓની તકલીફે અને તેમની સમસ્યાઓ દૂર કરવાનો તે પ્રયાસ કરશે. આમ તો દેવદાસી શબ્દનો અર્થ થાય છે દેવની દાસી. પ્રાચીન કાળમાં દેવદાસીઓ સંગીતકારો કે નૃત્યાંગનાઓ હતી જે મંદિરોમાં પોતાની કળા પ્રભુને અર્પિત કરતી. સમાજમાં તેમનું પ્રતિષ્ઠિત સ્થાન પણ હતું, પરંતુ સમય જતાં દેવદાસી રૂપજીવીનીનું સમાનાર્થી બની ગયું. કર્ણાટકમાં આજે પણ દેવદાસીની દીકરી દેવદાસી જ થાય એટલું જ નહીં પણ કેટલીક રૂઢી, રિવાજો અને અંધશ્રદ્ધાને લીધે કેટલીક છોકરીઓને દેવદાસી એટલે કે વેશ્યા બનાવી દેવામાં આવે છે. આ દેવદાસીઓની સ્થિતિ દયનીય હોય છે. મોટાભાગે તે અશિક્ષિત હોય છે કારણ કે સમાજે તેને નાની ઉંમરે જ આ પ્રથામાં ધકેલી દીધી હોય છે. આવી દેવદાસીઓ માટે કામ કરવાનું તે યુવતીએ નક્કી કર્યું. સમાજના તરછોડાયેલા અને પીડિત વર્ગ માટે કામ કરવાનો આ તેનો સૌ પ્રથમ અનુભવ હતો. યુવાનીમાં હોય એવો ઉત્સાહ અને માસુમિયત સાથે આ યુવતી ઉત્તર કર્ણાટકના એ વિસ્તારમાં પહોંચી ગઈ જ્યાં ધર્મના નેજાં હેઠળ યુવતીઓને દેવદાસી બનાવીને હકીકતમાં તો તેમનું શોષણ જ થતું હતું.

દેવદાસીઓનો ઉદ્ધાર કરી નાખવાના આશયથી એક દિવસ તે યુવતી હાથમાં ડાયરી અને પેન લઈને દેવદાસીઓના વિસ્તારમાં પહોંચી ગઈ. મંદિર નજીક આવેલા વૃક્ષ નીચે બેસીને ગપસપ કરી રહેલી દેવદાસીઓ પાસે પહોંચીને આ યુવતીએ કહ્યું, “નમસ્કારમ અમ્મા. હું તમને મદદ કરવા આવી છું. તમે તમારી સમસ્યાઓ મને કહો એટલે હું એને નોંધી લઉં.” આ યુવતીએ વિચાર્યું હતું કે તેમની સમસ્યાઓ લખીને પછી તુરંત તે આ બધી સમસ્યાના ઉકેલ માટે કામે વળગી જશે. “કોણ છે તું? અહીં શું કામ આવી છે? અમે તને બોલાવી નથી. તું શું કોઈ મંત્રી કે અધિકારી છે? અમે તને અમારા પ્રશ્નો કહીશું એટલે તું શું ફ્ટાફ્ટ એને ઉકેલી નાખીશ? ચાલ, ભાગ અહીંથી.” આ યુવતીના આંખમાં ઝળઝળિયાં આવી ગયા. તેને થયું કે હું તો ખરેખર આ લોકોની મદદ કરવા માગુ છું અને તેઓ મારી સાથે આવી રીતે વર્તન કરી રહ્યા છે. જોકે થોડા દિવસ બાદ ફ્રી એ જ વિસ્તારની મુલાકાત લીધી. તેણે આ દેવદાસીઓને એઇડ્સ વિશે માહિતગાર કરવાની કોશિશ કરી પણ ઊલટું આ દેવદાસીઓએ તેના પર ટમેટાં ફેંક્યા અને તેને તગેડી મૂકી. અપમાનિત થયેલી આ યુવતી ઘરે પાછી ફ્રી ત્યારે ખૂબ જ હતાશ અને નિરાશ હતી. જે ફઉન્ડેશન માટે તે સમાજોપયોગી કાર્ય કરવાની હતી તેમને પત્ર લખીને આ કામમાંથી રાજીનામું આપી દેવાનું નક્કી કર્યું.

તે આ રાજીનામું લખી રહી હતી ત્યારે જ તેના પિતા તેની પાસે આવ્યા. દીકરીને આવી હતાશ, નિરાશ અને દુભાયેલી જોઈને તેમણે તેને પૂછયું ત્યારે તે યુવતીએ બધી વાત કરી. પિતાએ પુત્રીને કહ્યું, “જરા શાંત થા. આ આઇસ્ક્રીમ ખા.” તેને ટાઢી પાડયા પછી પિતાએ તેને સમજાવ્યું કે વિશ્વભરમાં જાતીયવ્યવસાય કદાચ સૌથી જૂનો છે. સદીઓથી ચાલતી આ પરંપરાને તું એક દિવસમાં બદલી નાખવાની છો? તું એ ભૂલી ન જા કે તું એક સામાન્ય યુવતી છે. તું કંઈ એકલા હાથે આ પ્રથાને એક દિવસમાં નાબૂદ નહીં કરી શકે. પરંતુ હા, જો તું દસ દેવદાસીઓને પણ સર્વસામાન્ય મહિલા જેવું જીવન જીવવા માટે પ્રેરિત કરી શકીશ તો હું તને ખાતરી આપું છું કે તેમના બાળકોનું જીવન પણ સુધરી જશે. જો તું દસ અસહાય મહિલાઓના જીવનમાં સકારાત્મક ફેરફર લાવી શકીશ તો મને ગર્વ થશે કે હું તારો પિતા છું.

પિતાની વાત તો આ યુવતીને ગળે ઉતરી રહી હતી પણ તેણે કહ્યું, “કાકા, (તે પિતાને આ જ નામથી સંબોધતી હતી) તે લોકો તો મારી સાથે વાત કરવા પણ તૈયાર નથી, મારા પર ટમેટાં ફેંક્યા.” યુવતીના પિતા તેને હાથ પકડીને અરીસા પાસે દોરી ગયા. તેમણે તેને કહ્યું કે જરા પોતાની જાતને જો. જિન્સ, ટી-શર્ટ અને ટોપી પહેરેલી આ મોડર્ન યુવતી સાથે તે દેવદાસીઓ પોતાપણું કેવી રીતે અનુભવી શકે. જો તારે તેમના માટે કામ કરવું હોય તો પહેલાં તેમના જેવા કપડાં પહેર. સાડી, મંગળસૂત્ર, ચાંદલો અને ચોટલો વાળીને તેમની પાસે જા. હું પણ તારી સાથે આવીશ. મારા જેવા વૃદ્ધને તારી સાથે જોઈને તેમને તારા પર વિશ્વાસ બેસશે.

“પણ મારા કપડાં સાથે તેમને શું સંબંધ છે? આવા બાહ્ય ફેરફરથી કંઈ થાય એવું હું નથી માનતી.” એ વખતે પિતાએ દીકરીને મહામૂલી સલાહ આપી. “જો તારે તેમને બદલવા હોય તો પહેલાં તારે તારી અંદર બદલાવ લાવવો પડશે. તારે તારો પોતાનો અભિગમ બદલવો પડશે.”

યુવતીના મનમાં થોડોક પ્રતિરોધ આવ્યો પણ પછી તેને લાગ્યું કે તેના પિતાની વાતમાં વજૂદ હતું. આ વખતે દેવદાસીઓના વિસ્તારમાં જતાં પહેલાં તેણે પોતાનો પોશાક બદલીને સાડી પરિધાન કરી લીધી, અંબોડો વાળ્યો, માથામાં ફૂલ ખોસ્યા, મંગળસૂત્ર, બિંદી અને બંગડી પહેરી લીધી જેથી દેવદાસીઓને તે ફેરેનર ન લાગે. તેણે પોતાના વૃદ્ધ પિતાને પણ સાથે લીધા.

દીકરી કંઈ બોલે એ પહેલાં જ સમજદાર અને અનુભવી પિતાએ દેવદાસીઓ સમક્ષ પોતાની દીકરીની ઓળખાણ એક શિક્ષિકા તરીકે આપી. દેવદાસીઓના સંતાનોને ભણતર મળવું જોઈએ એવું મને લાગે છે એટલે જ હું મારી દીકરીને લઈને અહીં આવ્યો છું. તે તમને સરકાર દ્વારા મળતી વિવિધ શિષ્યવૃત્તિઓ વિશે માહિતી આપશે જેથી તમારા પર તમારા સંતાનોને ભણાવવાનો ભાર ઓછો થાય.

યુવતી પિતાને બાજુ પર લઈ ગઈ અને તેના પર તાડૂકી. “તમે ખોટું કેમ બોલ્યા? હું શિક્ષિકા નહીં સમાજસેવિકા છું. તમારે તેમને ઔએઇડ્સ વિશે વાત કરવી જોઈતી હતી.” અનુભવી પિતાએ શાંત ચિત્તે દીકરીને સમજાવ્યું કે તેમના માટે શિક્ષિકનું સ્થાન બહુ આદરપાત્ર હોય છે અને આમ પણ તું કોલેજમાં પ્રોફેસર તો છે જ. રહી વાત એઇડ્સની તો એ તો પછી પણ કરી શકાશે.

પિતાની યુક્તિ કામયાબ થઈ હતી. દેવદાસીઓને આ અજાણી યુવતીમાં વિશ્વાસ બેઠો અને તે તેમના માટે “અક્કા” એટલે કે મોટીબેન બની ગઈ હતી. આ યુવતીએ દેવદાસીઓ વચ્ચે કામ શરૂ કર્યું. પહેલાં તો થોડીક દેવદાસીઓના બાળકોને શિષ્યવૃત્તિઓ મેળવવામાં મદદ કરી. એક વખત તેમનો વિશ્વાસ સંપાદન થઈ ગયો ત્યારબાદ આ યુવતીએ તેમની સાથે એઇડ્સનો મુદ્દો છેડયો. જોકે દેવદાસીઓનો વિશ્વાસ સંપાદન કરતા આ યુવતીને પૂરાં ત્રણ વર્ષ લાગ્યા હતા. આ ત્રણ વર્ષ તે લગાતાર દેવદાસીઓના વિસ્તારમાં આવતી-જતી રહી, તેમના બાળકોને શિષ્યવૃત્તિ અપાવવા માટે મહેનત કરતી રહી. ધીમેધીમે આ “અક્કા” તેમની સૌથી વિશ્વાસુ બહેનપણી થઈ ગઈ હતી જેની સાથે તેઓ પોતાના જીવનના બધા જ દુઃખ અને પીડાઓની વાત વિના સંકોચ કરી શકતી હતી.

દેવદાસીઓની આ “અક્કા” એટલે સુધા મૂર્તિ. સુધા મૂર્તિ ગુજરાતી વાચકો માટે હવે કોઈ અજાણ્યું નામ નથી. ટાટા મોટર્સ દ્વારા નોકરી પર રાખવામાં આવ્યા હોય એવા સૌપ્રથમ મહિલા એન્જિનિયર સુધા મૂર્તિ. તેઓ ઇન્ફેસિસના ચેરપર્સન છે અને એક લોકપ્રિય લેખિકા હોવા ઉપરાંત તેઓ પરગજુ વ્યક્તિ છે. દેવદાસીઓ માટે શરૂ કરેલા કાર્યથી માંડીને આજ સુધી તેઓ સતત માનવતાના કાર્ય કરતા રહ્યા છે. દેશના અતિધનાઢય વ્યક્તિઓમાંનું આ દંપતી એટલે કે નારાયણમૂર્તિ અને સુધા મૂર્તિ પોતે ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે પણ અનેક લોકોના જીવનને તેમણે ખૂબ સમૃદ્ધ કર્યું છે. તેમની આ યાત્રાના આરંભના તબક્કાની એટલે કે દેવદાસીઓને મદદરૂપ થવાની વાત તેમણે તાજેતરમાં જ પ્રકાશિત થયેલા પુસ્તકમાં વહેંચી છે. સાચી સમાજસેવા સહેલી નથી પણ જ્યારે સંકલ્પ શુદ્ધ હોય, ભાવનામાં ખોટ ન હોય ત્યારે કેવા સુંદર ફૂલો ખીલે છે એની અને તેમની આ યાત્રામાં તેમને થયેલા હૃદયસ્પર્શી અનુભવોની વધુ વાતો આવતા અઠવાડિયે કરીશું.

[email protected]