બ્રિટનમાં રાસાયણિક હુમલા બદલ US રશિયા ઉપર પ્રતિબંધ લાદશે - Sandesh
  • Home
  • Newspaper
  • બ્રિટનમાં રાસાયણિક હુમલા બદલ US રશિયા ઉપર પ્રતિબંધ લાદશે

બ્રિટનમાં રાસાયણિક હુમલા બદલ US રશિયા ઉપર પ્રતિબંધ લાદશે

 | 2:57 am IST

। વોશિંગ્ટન ।

અમેરિકાએ બુધવારે જાહેરાત કરી હતી કે બ્રિટનમાં આ વર્ષે પુર્વ જાસુસ અને તેની પુત્રીની ગેરકાયદે રાસાયણિક શસ્ત્રનો ઉપયોગ કરીને હત્યા કરવા કરેલા પ્રયાસ બદલ રશિયા પર તે પ્રતિબંધ લાદશે. પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ ૨૦૧૬ની ચૂંટણીમાં રશિયાના હસ્તક્ષેપની હાથ ધરવામાં આવેલી તપાસની આલોચના કરીને રશિયા અને તેના નેતાઓ સાથે સંબંધ સુધારવા પ્રયાસ કર્યા હોવા છતાં આ મહિને આગળ પર નવા પ્રતિબંધ અમલી બનશે. વિદેશ વિભાગે જણાવ્યું હતું કે અમેરિકાને ગળે એ વાત ઉતરી ચુકી છે કે સર્જી સ્ક્રીપાલ અને તેમની પુત્રી યુલિઆને ઝેર આપવા રશિયાએ નોવિચોક નર્વ એજન્ટનો ઉપયોગ કર્યો હતો. તેને પગલે રશિયા પર પ્રતિબંધ લાદવામાં આવશે. કોંગ્રેસે ૬ ઓગસ્ટના રોજ આ બાબતનું જાહેરનામુ બહાર પાડી દીધું છે અને ફેડરલ રજીસ્ટરમાં નોંધ સાથે ૨૨ ઓગસ્ટથી  પ્રતિબંધ અમલી બનશે.

પ્રતિબંધને પગલે રાષ્ટ્રીય સુરક્ષા જોખમમાં મુકતી સામગ્રીની રશિયા ખરીદી કરી શકે તેવા નિકાસ લાયસન્સ આપવાનો ઇનકાર થશે. અમેરિકાએ અગાઉ  ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનના સાવકા ભાઈની હત્યા માટે મલેશિયાના કૌલાલમ્પુર એરપોર્ટ ખાતે  રાસાયણિક શસ્ત્રનો ઉપયોગ થયાની હકીકત બહાર આવતાં અમેરિકાએ આ પ્રકારના પ્રતિબંધ જ અમલી બનાવ્યા હતા. સ્ક્રીપાલ અને તેની પુત્રી પર માર્ચમાં ઈંગ્લેન્ડના સાલિસબરી ખાતે નોવિચોક મિલીટરી ગ્રેડ નર્વ એજન્ટથી હુમલો થયો હતો.

;