બ્રિટિશ એરવેઝની વેબસાઇટ હેક : ૩.૮૦ લાખ ગ્રાહકોનાં પેમેન્ટ ડિટેઇલની ચોરી - Sandesh
  • Home
  • Newspaper
  • બ્રિટિશ એરવેઝની વેબસાઇટ હેક : ૩.૮૦ લાખ ગ્રાહકોનાં પેમેન્ટ ડિટેઇલની ચોરી

બ્રિટિશ એરવેઝની વેબસાઇટ હેક : ૩.૮૦ લાખ ગ્રાહકોનાં પેમેન્ટ ડિટેઇલની ચોરી

 | 1:41 am IST

। લંડન ।

બ્રિટિશ એરવેજની વેબસાઇટ્સ હેકર્સ દ્વારા હેક કરવામાં આવતાં સનસનાટી મચી ગઈ છે. ૨૧ ઓગસ્ટથી ૫ સપ્ટેમ્બર વચ્ચે ટિકિટ બુક કરાવનાર લાખો પ્રવાસીઓના પર્સનલ અને ફાઇનાન્શિયલ ડેટાની ચોરી થયાનું એરલાઇન્સે જણાવ્યું હતું. પ્રાથમિક તબક્કે ૩, ૮૦,૦૦૦ ગ્રાહકોનાં બેન્ક કાર્ડ્સની વિગતો ચોરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ કંપનીની વેબસાઇટ સંપૂર્ણ સુરક્ષિત હોવાનો કંપનીએ દાવો કર્યો છે.

આશરે બે અઠવાડિયાં સુધી એરલાઇન્સની વેબસાઇટ્સમાંથી ડેટા ચોરવામાં આવ્યા હતા, જોકે તેમાં ટ્રાવેલિંગ અને પાસપોર્ટની વિગતો સામેલ નથી તેમ કંપનીએ જણાવ્યું હતું. આ કેસની તત્કાળ તપાસ હાથ ધરવામાં આવી છે. કંપનીના જણાવ્યા મુજબ ૨૧ ઓગસ્ટના રોજ ભારતીય સમય મુજબ સવારે ૩.૩૦થી લઈને ૫ સપ્ટેમ્બરના રોજ ભારતીય સમય મુજબ પરોઢિયે ૨ કલાક સુધીમાં ડેટા ચોરવામાં આવ્યા હતા, ૩,૮૦,૦૦૦ ગ્રાહકોનો ડેટા ચોરાયા હતા.

ક્લેમ કરનારને વળતર આપવા કાર્યવાહી કરાશે

કંપનીએ કહ્યું હતું કે હેક કરાયેલી વેબસાઇટને વ્યવસ્થિત કરી દેવાઈ છે અને તે સામાન્ય રીતે કામ કરે છે. કંપનીએ આ મામલે પોલીસફરિયાદ કરી છે. જે લોકોના ડેટા ચોરાયાની શક્યતા છે તેમણે પોતાની બેન્ક કે ક્રેડિટકાર્ડ આપનાર બેન્કનો સંપર્ક કરીને તેમની સૂચનાનું પાલન કરવું. તે તમામ ગ્રાહકોના સંપર્કમાં છે અને જો કોઈ ક્લેમ કરશે તો તેને વળતર અપાશે.

વેબસાઇટ્સ હેકિંગ મોટી સમસ્યા બની રહી છે

અગાઉ ભારત સરકારની કેટલીક વેબસાઇટ્સ હેક થઈ હતી. તાજેતરમાં ફેસબુકના હજારો ડેટા ચોરાયા હતા. ટ્રાવેલ કંપની એક્સ્પીડિયાની માલિકીની ઓર્બિટેજના ૮.૮૦ લાખ ગ્રાહકોના ક્રેડિટકાર્ડના ડેટા પણ ચોરાયા હતા.

;