બિહાર : ભાઈએ બીજા ભાઈના આખા પરિવારને ઊંઘમાં જ સળગાવી દીધો - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • બિહાર : ભાઈએ બીજા ભાઈના આખા પરિવારને ઊંઘમાં જ સળગાવી દીધો

બિહાર : ભાઈએ બીજા ભાઈના આખા પરિવારને ઊંઘમાં જ સળગાવી દીધો

 | 7:04 pm IST

બિહારના કટિહાર જિલ્લામાં ભાઈઓ વચ્ચે મિલકતના ઝઘડામાં રવિવારે રાત ચાર જણના એક કુટુંબને જીવતું સળગાવી દેવાયું હતું. પટનાથી ૩૦૫ કિમીના અંતરે અને કટિહાર જિલ્લાના વડા મથકેથી 6૦ કિમી પૂર્વમાં બરસોઈ પોલીસ સ્ટેશન હેઠળના કાઉન્ડી ગામમાં એક પતિ-પત્ની અને એમની બે દીકરીઓ ઊંઘતા હતા ત્યારે એમને સળગાવી દેવાયા હતા.

આ ઘટનામાં માર્યા ગયેલાઓમાં કેદાર સિંહ (45), એની પત્ની પ્રતિમા દેવી (40) અને એમની બે પુત્રીઓ ડિમ્પલ (15) અને સોની (1૦)નો સમાવેશ થાય છે. બીજી રૃમમાં સુતેલો એમનો 12 વર્ષનો પુત્ર લક્ષ્મણ ભાગવામાં સફળ થયો હતો.

લક્ષ્મણની ફરિયાદના આધારે પોલીસે એફઆઈઆર દાખલ કરી છે. લક્ષ્મણે આરોપી તરીકે પોતાના કાકા મનોજ સિંહનું નામ આપ્યું છે. મનોજ ફરાર છે. લક્ષ્મણે પોલીસને જણાવ્યું હતું કે મારા કાકા મનોજ સિંહ બાપ-દાદાઓની જમીન હડપ કરી વેચી મારવા માગતા હતા. તેઓએ આ બાબતમાં મારા બાપને ધમકીઓ આપતા હતા. રવિવારે પણ એણે મારા પિતાને માઠા પરિણામોની ધમકી આપી હતી અને રાત્રે અમારા ઘરમાં આગ ચાંપી હતી.

ગામવાસીઓના જણાવવા મુજબ મનોજ જુગારી હતો અને લોટરીમાં પૈસા વેડફતો હતો. એ પોતાના ભાઈ સાથેની સહ માલિકીની જમીન વેચી નાખવા માગતો હતો. કેદારે એનો વિરોધ કરતા એણે એની હત્યા કરી હતી.

બિહારનો કટિહાર જિલ્લો જમીનના ઝઘડામાં હત્યાઓ થવા માટે કુખ્યાત છે. બે વરસ પહેલાં આવા જ એક બનાવમાં કેટલાક ગામવાસીઓએ રાતના ઘરનો દરવાજો બહારથી બંધ કરી પતિ-પત્ની અને એમના બે બાળકોને જીવતા સળગાવી દીધા હતા.