ભાઇએ ભાઇની કરી કરપીણ હત્યા, કારણ હતું એક માત્ર 'જીન્સનું પેન્ટ' - Sandesh
  • Home
  • Gujarat
  • ભાઇએ ભાઇની કરી કરપીણ હત્યા, કારણ હતું એક માત્ર ‘જીન્સનું પેન્ટ’

ભાઇએ ભાઇની કરી કરપીણ હત્યા, કારણ હતું એક માત્ર ‘જીન્સનું પેન્ટ’

 | 7:35 pm IST

પેટલાદ બોડીકુવા વિસ્તારમાં જીન્સના પેન્ટની ચોરીની નજીવી તકરાર બાબતે દારૃના નશામાં વિવાદ કરીને ઝઘડો કર્યાં બાદ પિતરાઈએ ધારીયાના ઘા ઝિંકીને પિતરાઈ ભાઈનું ઢીમ ઢાળી દઈ પલાયન થઈ જવાની ઘટના બનતાં ચકચાર મચી જવા પામી છે. પેટલાદ ટાઉન પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી ભાગી છુટેલા પિતરાઈ ભાઈને પકડવા માટેના ચક્રોગતિમાન કર્યાં છે.

ચકચારી ઘટનાની પોલીસ પાસેથી મળતી વિગતો અનુસાર પેટલાદની બોડીકુવા સીમમાં તળપદા પરિવાર રહે છે. અહીં રણછોડભાઈ શંકરભાઈ તળપદા અને ઈશ્વરભાઈ શંકરભાઈ તળપદા બે સગા ભાઈઓનો પરિવાર પણ બાજુબાજુમાં ઘર રાખીને રહે છે. રણછોડભાઈના પુત્ર રમેશભાઈ ઈશ્વરભાઈનો પુત્ર નીલુ સહિત સમગ્ર પરિવાર છુટક મજુરી કરીને પરીવારનું ભરણપોષણ કરે છે. અને અવાર નવાર દારૃ પીને વિસ્તારમાં ઉગ્ર બોલાચાલી પણ કરે છે. ગતરોજ રાત્રીના ૧૦ વાગ્યાના સુમારે રણછોડભાઈ તથા તેમના પુત્ર રમેશ કામ પરથી આવ્યાં બાદ પરિવાર સાથે જમીને સુઈ ગયાં હતાં. તે દરમિયાન રમેશની નજર તેના કપડા પર પડી હતી. ખીટી પર લટકાવેલા કપડામાં તેનું જીન્સનું પેન્ટ ગાયબ થઈ ગયું હતું. આથી તેણે આ બાબતે પિતા રણછોડભાઈ સાથે વાત કરી હતી. અને રણછોડભાઈએ તેના પિતરાઈ ભાઈ નીલુ ઈશ્વર તળપદાના પુછવા માટે જણાવ્યું હતું. કદાચ તે પહેરીને ગયો હોય તેવું આથી રમેશને નીલુને પોતાના જીન્સના પેન્ટ બાબતે પુછપરછ કરી હતી. અને જણાવ્યું હતું કે તું પુછયા વગર મારૃ પેન્ટ પહેરી ગયો હોય તો પાછું આપી દે. પરંતુ રાજા પાઢમાં આવેલા નીલુએ આ વાત સાંભળી ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સામે રમેશને જણાવ્યું હતું કે તું મને ચોર કહે છે. મે તારૃ પેન્ટ લીધુ નથી છતાંય તું મારૃ નામ કેમ લે છે. અને બંને વચ્ચે ઝઘડો ઉગ્ર બન્યો હતો. તે દરમિયાન નીલુ ઘરમાં જઈને ધારીયુ લઈ આવ્યો હતો અને રમેશને જણાવ્યું હતું કે આજે તને સબક શિખવાડી દઉ છું તેમ કહીને રમેશના માથા પર અને શરીર પર ઉપરાછાપરી ધારીયાના ઘા ઝિંકી દીધી હતાં.

જોશમાં વાગેલા ધારીયાના કારણે રમેશના માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને લોહીલોહાણ હાલત લથપથ હાલમાં રોડ પર પછળાઈ પડયો હતો અને તરફડીને સ્થળ પર જ મોતને ભેટયો હતો. ઘટનાથી ગભરાઈ ગયેલા નીલુને ગંભીરતાનો ખ્યાલ આવતાં તે સ્થળ છોડીને ભાગી ગયો હતો. દરમિયાન અવાજ થવાના પગલે રણછોડભાઈ તેમના પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડી આવ્યાં હતાં. તત્કાળ એમ્બ્યુલન્સ તથા પોલીસને જાણ કરી હતી. સારવાર માટે પેટલાદ હોસ્પિટલમાં લઈ જવાયેલા રમેશને હોસ્પિટલ પહોંચતા તબીબે મૃત જાહેર કર્યો હતો. ઘટના અંગે પેટલાદ પોલીસે રણછોડભાઈ તળપદાની ફરીયાદના આધારે નીલુ ઈશ્વર તળપદા સામે હત્યાનો ગુનો નોંધી તેને પકડી પાડવા માટે ચક્રોગતિમાન કર્યાં છે. છેલ્લા કેટલાક સમયથી ચરોતરમાં નાની નાની બાબતે વિવાદ અને ઝઘડા બાદ હિંસક બનાવોનું પ્રમાણ ચિંતાજનક વધી રહેલ છે. ઉત્તરોત્તર વધી રહેલી આવી ઘટનાઓના પગલે માનસશાસ્ત્રીઓને ચિંતામાં મુકી દીધા છે. દૈનિક જીવન પદ્ધતિમાં સતત વધતા જતાં કામના દબાણ સામે ઓછી આવક અને મોટા ખર્ચા પરિવારો વચ્ચે તનાવ, ઘર્ષણ અને વિવાદનું કારણ બની રહે છે. તેવું તારણ માનસશાસ્ત્રીઓ તારવી રહ્યાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન