BSP Chief Mayawati’s Diatribe Against Congress A Bid For Hard Bargain
  • Home
  • Featured
  • કોંગ્રેસ પર આક્રમક વલણ પાછળ માયાવતીનો આ છે ‘માસ્ટર પ્લાન’

કોંગ્રેસ પર આક્રમક વલણ પાછળ માયાવતીનો આ છે ‘માસ્ટર પ્લાન’

 | 11:32 am IST

મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તિસગઢ વિધાનસભાની ચૂંટણી પર કોંગ્રેસ સાથે તાલમેલ કરવાની તમામ શક્યતાઓને ફગાવી આક્રમક વલણ અખત્યાર કરનારી બહુજન સમાજ પાર્ટી અધ્યક્ષા માયાવતી હવે પોતાના જુના રૂપમાં પરત ફરતા જણાય છે. કોંગ્રેસ પર માયાવતીના આક્રમક વલણને આ ત્રણેય રાજ્યોમાં વધારે બેઠકો મેળવવાની કવાયત તરીકે જોવાઈ રહી છે. આમ પણ માયાવતી ભારતીય રાજકારણમાં બેઠકોની ફાળવણી મામલે વધારે પડતા કડક માનવામાં આવે છે જેની ઝલક આજથી ઘણા વર્ષો પહેલા 1996માં જોવા પણ મળી ચુકી છે.

1996માં માયાવતીએ અવિભાજીત ઉત્તર પ્રદેશની ચૂંટણીમાં 300થી વધારે બેઠકો પરથી ચૂંટણી લડી હતી જ્યારે કોંગ્રેસને માત્ર 125 જ બેઠકો ફાળવી હતી. હવે માયાવતીના વલણથી એકવાત તો સ્પષ્ટ છે કે, ઉત્તર પ્રદેશમાં ગઠબંધનનું ચિત્ર આ ત્રણેય રાજ્યોમાં ગઠબંધન અંતિમ આકાર લે ત્યાર બાદ જ નક્કી થશે. માયાવતીએ બુધવારે ગ્રેંડ ઓલ્ડ પાર્ટી કોંગ્રેસને જાતિવાદી અને સાંપ્રદાયિક ગણાવતા આરોપ લગાવ્યો હતો કે, તે નાના રાજકીય પક્ષોનો ખાતમો કરવા ધારે છે.

છેલ્લા થોડા જ સમયની અંદર માયાવતીએ કોંગ્રેસ પર કરેલો આ બીજો મોટો પ્રહાર હતો. આ અગાઉ માયાવતીએ ક્રુડ ઓઈલના ભાવ વધારાને લઈને એનડીઓએની સાથો સાથ યૂપીએ સરકારની નીતિઓને જવાબદાર ઠેરવી દીધી હતી. પરંતુ હવે જ્યારે ત્રણ રાજ્યોની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે માયાવતી અહીં પણ કર્ણાટક મોડલની માફક ક્ષેત્રીય દળો સાથે સમજુતી કરી શકે છે. એ સ્થિતિમાં કોંગ્રેસને નુંકશાન વેઠવાનો વારો આવી શકે છે.

કર્ણાટક મોડલ વડે બીએસપી આપી ચુકી છે આંચકો

કર્ણાટકમાં બીએસપીએ જેડીએસ સાથે ગઠબંધન કરી ના માત્ર પોતાનો વોટ શેર વધાર્યો પણ પાર્ટીના એક ઉમેદવારને પણ જીતાડી કુમારસ્વામી સરકારમાં મંત્રી બનાવી દીધા. હવે કોંગ્રેસના નેતાઓને પણ અહેસાસ થઈ રહ્યો છે કે, જો બીએસપીએ અન્ય કોઈ પાર્ટી સાથે ગઠબંધન ના કર્યું હોત કે અલગથી ના લડી હોત તો પોતાની સ્થિતિ વધારે સારી હોત.

ગુજરાતમાં પણ કોંગ્રેસે નુંકશાન વેઠવું પડેલું

ગુજરાત વિધાનસભા ચુંટણીમાં પણ કોંગ્રેસ ભાજપને રોકવામાં સફળ રહી નહોતી. કોંગ્રેસે 20 બેઠકો 2000 મતોના અંતરથી ગુમાવવી પડી હતી અને આ તમામ બેઠકો પર બીએસપીને 2000થી વધારે મત મળ્યાં હતાં. ઉત્તર પ્રદેશમાં બીએસપી ભલે 2014ની લોકસભામાં એક પણ બેઠક નહોતી મળી પરંતુ તેને 21 ટકા મત જરૂર મળ્યાં હતાં.

તેવી જ રીતે 2017ની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં બીએસપીની બેઠકો 81થી ઘટીને માત્ર 19માં થઈ ગઈ હતી પરંતુ તેનો વોટ શેર તો 21 ટકા યથાવત રહ્યો હતો. માયાવતીએ વોટ બેંકની ત્રીજી પરીક્ષા તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં જોવા મળી. માયાવતીના સમર્થન બાદ એકજુથ થયેલા વિપક્ષે ભાજપને 4 બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપને પરાજય આપ્યો હતો. આમ બીએસપીએ સાબિત કરી આપ્યું કે, ગઠબંધનની સ્થિતિમાં તે પોતાની મતબેંક તેના સાથી રાજકીય પક્ષને સફળતાપૂર્વક ટ્રાંસફર કરાવી શકે છે.

માટે જ માયાવતીની પોતાની વોટબેંક પર પકડ જોઈ અન્ય રાજકીય પક્ષો તેમની સાથે ગઠબંધન રચવા આતુર છે. એક તરફ સમાજવાદી પાર્ટી કે જે પોતાની કટ્ટર વિરોધી બીએસપી સાથે 23 વર્ષની રાજકીય દુશ્મનાવટ ભુલીને બેઠકો જતી કરીને પણ 2019માં જોડાણ કરવા આતુર છે તો બીજી બાજુ કોંગ્રેસ પણ ત્રણ રાજ્યોમાં હાથી પર સવારી કરવા થનગની રહ્યું છે. પરંતુ માયાવતીનું વલણ શું હશે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન