બીટી કપાસ ઉપર ગુલાબી ઈયળનું આક્રમણ - Sandesh
  • Home
  • Gujarat
  • બીટી કપાસ ઉપર ગુલાબી ઈયળનું આક્રમણ

બીટી કપાસ ઉપર ગુલાબી ઈયળનું આક્રમણ

 | 3:43 am IST

સુરેન્દ્રનગર, તા.૧

ઝાલાવાડ પંથકમાં શ્રાવણ માસની શરૂઆત થવા છતાં સમગ્ર જિલ્લામાં અપુરતા અને નહીવત વરસાદે બીટી કપાસના ર,૩૧,ર૬પ હેકટરના વાવેતર ઉપર ખતરો સર્જેલો છે. હજુ અપુરતા વરસાદની આફત ઝળુંબી રહી છે. ત્યાં છેલ્લા અઠવાડીયાથી જિલ્લાના મુળી, ચોટીલા, સાયલા, વઢવાણ, લીંબડી, ચૂડા, ધ્રાંગધ્રા પંથકમાં બીટી કપાસના ફલાવરીંગના સમયે એકાએક ગુલાબી ઈયળનો ઉપદ્રવ જોવા મળતા જગતાતના જીવ પડીકે બંધાઈ ગયા છે. અંદાજે એક દસકા બાદ એકસાથે સમગ્ર જિલ્લાના બીટી કપાસના વાવેતર બાદ ઉત્પાદન પૂર્વે ગુલાબી ઈયળ જોવા મળતા ખેતીવાડી વિભાગ પણ વિમાસણમાં મુકાયુ છે. આ ઈયળના ઉપદ્રવથી જિલ્લામાં બીટી કપાસના ઉત્પાદન ક્ષેત્રે નિકંદન નીકળી જવાની ભિતી વ્યકત કરાઈ છે. આ અંગે ખેતીવાડી અધિકારી વાદી અને બારડે જણાવ્યુ હતુ કે, છેલ્લા એક દસકામાં કયારેય ન દેખાયેલ ગુલાબી ઈયળે એકાએક બીટી કપાસમાં દેખા દેતા સર્વે કામગીરી હાથ ધરી છે. અને ખેડૂતોને આ રોગચાળા થી બચવા અવગત કરવામાં આવ્યા છે. તેમ છતાં બીટી કપાસના ઉત્પાદન અને વાવેતર વચ્ચે બે-ત્રણ માસનો ગાળો રાખવો જોઈએ. જેથી કરીને ઈયળોને સતત ખોરાક ન મળી શકે. આમ, સામાન્ય સમજદારી કેળવી ઈયળના ઉપદ્રવને અટકાવવા પગલાં લઈ શકાય.

કેવી રીતે ઉપદ્રવ થાય છે ?

બીટી કપાસમાં સામાન્ય રીતે બીજી કે ત્રીજી વીણ બાદ ગુલાબી ઈયળ દેખા દેતી હોય છે. રાજકોટ, જુનાગઢ અને જામનગરમાં ગત વર્ષે બીટી કપાસમાં ગુલાબી ઈયળે આ વિસ્તારોમાં કપાસના ઉત્પાદનને ખોરવી નાંખ્યુ હતુ. ત્યારે ઝાલાવાડમાં ફલાવરીંગ પિરીયડ પૂર્વે ગુલાબી ઈયળે દેખા દેતા તંત્ર અને જગતાતમાં દોડધામ મચી છે. ઝાલાવાડમાં નર્મદા નહેર પિયત સુવિધા વધવાની સાથે ખેડૂતો જુનના પ્રારંભે બીટી કપાસનું વાવેતર કરવાના બદલે જાન્યુઆરી થી આગોતરા કપાસનું વાવેતર શરૂ કરી દેતા ઈયળોને સતત ખોરાક મળી જતા આ ચક્ર સંધાતુ જોવા મળ્યુ છે.

બીટી કપાસના વાવેતરમાં ગેપ ઉભો કરવો

ઝાલાવાડમાં નર્મદાની સિંચાઈ સુવિધા વધતા ખેડૂતો સતત વાવેતરની નિપજ લેવાની લ્હાયમાં કપાસનું વાવેતર ચાલુ રાખે છે. પરંતુ જાન્યુ.-ફેબ્રુ. બાદ બે થી ત્રણ મહિના વાવેતર કર્યા વિના ખેત જમીનને પડતર રાખી તપવા દેતો આ પ્રકારની ઈયળનો ઉપદ્રવ અટકાવી શકાય છે. અર્થાત ઈયળના મહામારથી બચવા ખેડૂતે બે થી ત્રણ માસ જમીન પડતર રાખી જુનના પ્રારંભે બીટી કપાસનું વાવેતર શરૂ કરવુ જોઈએ.

તંત્રએ ત્રણ ટીમો બનાવી

જિલ્લામાં આ વર્ષે બીટી કપાસનું સમયસર વાવેતર થઈ ગયુ છે, પરંતુ અપુરતો અને અનિયમીત વરસાદ થકી મુખ્ય પાક એવા કપાસના પાકમાં ફલાવરીંગ પૂર્વે ગુલાબી ઈયળે દેખા દેતા ઉત્પાદન ઉપર ખતરો તોળાયો છે. આમ, ઈયળના ઉપદ્રવથી જગતાતના મોઢે આવેલ કોળીયા ઝુંટવાઈ જવાની ભિતી સેવાતા તંત્રમાં પણ દોડધામ મચી જવા પામી છે. આ અંગે ખેતીવાડી વિભાગે જુદી-જુદી ત્રણ ટીમો બનાવીને તાલુકા કક્ષાએ સર્વેનો ધમધમાટ શરૂ કરાવ્યો છે. તેમ છતાં ઈયળના અટકાવ કે નાશ માટે ખેડૂતોને જરૂરી દવા છંટકાવની સુચના આપવામાં આવી છે.

ઉપદ્રવને અટકાવવા શું કરવુ ?

ગુલાબી ઈયળનો નાશ માટે હેકટરે ૪૦ ફોરોમોન ટ્રેપની ગોઠવણી કરીને કપાસના અડધા છોડે લ્યુર ર૦ દિવસે બદલવુ, ઈંડાનો નાશ કરવા પ્રોફેનોફોસ પ૦ પીસી લીટર પાણીમાં ૧૦ મીલી ભેળવીને છંટકાવ કરવો, રંગ બદલતી ત્રીજા અવસ્થાની ગુલાબી ઈયળના નાશ માટે (વધારે ઈયળ દેખાય તો) ડેલ્ટામેથીન ૧ ટકા પ્લસ ટ્રાયસ ફોસ ૩પ ટકા, પીસી ૧૦ મીલી પ્લસ ડીડીવીપી ૧૦ મીલી, ૧૦ લીટર પાણીમાં અથવા તો કવીનાલફોસ રપ ઈસી ર૦ મીલી પ્લસ ડીડીવીપી ર૦ મીલી ૧૦ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો, અને સાથે બીવેરીયા પાવડર ૮૦ ગ્રામ લીટર પાણીમાં ભેળવીને છંટકાવ કરવો, આ રાસાયણીક દવા સાથે ૧૦ લીટર પાણીમાં ૩૦ મીલી લીંબોળીનું તેલ (એઝાડીરેકટીન ૧પ૦૦ પીપીએમ) છંટકાવ કરવુ.