બકરાની ચાલબાજી!   - Sandesh

બકરાની ચાલબાજી!  

 | 12:10 am IST

એક ગામથી દૂર વગડાઉ વિસ્તાર હતો. એ દૂર આવેલા જંગલનો છેડો હતો. અહીં જંગલી બકરાં નિરાંતે ચરતાં રહેતાં હતાં. જંગલના હરણ પણ ક્યારેક આવી ચઢતા હતા. બધા નિરાંતે રહેતા હતા. એક દિવસ એક યુવાન બકરાએ આવીને ટોળાના નેતાને કહ્યું, ‘મેં એક સિંહ જોયો. એ આપણા વિસ્તારમાં જ આવી રહ્યો છે.’

બકરાંના નેતાએ યુવાન બકરા સાથે જઈ જોયું તો એક ઘરડો થવા આવેલો સિંહ વગડામાં આવી રહ્યો હતો. એની ઉંમર થવા આવી હોવાથી તે ઊંડા જંગલમાં શિકાર નહીં કરી શકતો હોય એટલે ખુલ્લા વગડામાં બકરાંનો શિકાર કરવા આવી રહ્યો હતો.

નેતાએ બધા બકરાંને ભેગા કરી કહ્યું, ‘સિંહ બે દિવસમાં અહીં આવી પહોંચશે. આપણે બધાએ ભેગા રહેવાનું છે. તમારે બધાએ પશ્ચિમ બાજુ ઊભા રહેવાનું અને હું પૂર્વમાં એકલો ઊભો રહીશ. હું કહીશ કે કોઈએ ડરવાનું નથી આ સિંહ આપણું કંઈ બગાડી શકવાનો નથી. એનો સામનો કરો. ત્યારે તમારે બધાએ મોટે મોટેથી બેં બેં કરીને ઘોંઘાટ કરવાનો, બરાબર?’

બધા બકરાંએ કહ્યું, ‘બરાબર સરદાર!’

આ બાજુ નેતાએ ત્રણ યુવાન બકરાંને મદદમાં લીધા અને પૂર્વમાં એક ઊંડો ખાડો ખોદી કાઢયો. એમાં મોટા મોટા કાંટા ધરાવતા શૂળના ઝાંખરા પાથર્યા અને પછી ઉપર સળેકડીઓ ગોઠવીને એની ઉપર લીલું ઘાસ પાથરી દીધું.

બે દિવસ પછી સવારના પહોરમાં સિંહ આવી પહોંચ્યો. એને નવાઈ લાગી કે એને જોઈને કોઈ બકરાંએ દોડાદોડ ન કરી. બધા ભેગા થઈને ઊભા હતા. સિંહને ટગરટગર જોઈ રહ્યા હતા.

બકરાંનો નેતા બીજી દિશામાં દોડીને પહોંચ્યો અને વટથી ઊભો રહ્યો. પછી ગર્વભર્યા અવાજે બોલ્યો, ‘શાબાશ! બકરાંઓ. તમારે આ સિંહથી જરાય ડરવાની જરૂર નથી. એ આપણું કશું બગાડી શકવાનો નથી. આપણે ભેગા મળીને એનો સામનો કરીશું.’

સિંહે ત્રાડ પાડી તો સામે બધાં બકરાંઓએ પણ બેં… બેં… બેં… કરીને ગોકીરો કરી દીધો.

સિંહ મૂંઝાયો. એણે વિચાર્યું, ‘આ બકરાં ડરતાં કેમ નથી? ડરવાને બદલે સામા કેમ થાય છે?’

પછી એને ખ્યાલ આવ્યો કે એમનો નેતા એમને હિંમત આપે છે. લાવ એને જ સૌથી પહેલાં મારી નાંખું. પછી આ બધાની હિંમત તૂટી જશે!

સિંહ પૂર્વ તરફ ચાલવા લાગ્યો અને ત્રાડ પાડી. ફરી બધા બકરાંએ બેં… બેં… કર્યું.

નેતા બકરો તો રૂઆબથી ઊભો જ રહ્યો. સિંહે બરાબર લાગ ગોઠવ્યો અને મારી દીધી પેલા બકરા પર છલાંગ. એણે વિચાર્યું, ‘એક પંજો મારું તો આ બકરાના રામ રમી જશે!’

પણ આ શું!

બકરો તો ખસી ગયો.

સિંહ લીલા ઘાસ ઉપર પડયો, પડતાં જ જાણે પાતાળમાં ઉતરવા લાગ્યો.  બધા બકરાં પણ નવાઈથી જોઈ રહ્યા.

સિંહ ઊંડા ખાડામાં નીચે પછડાયો કે તરત એની દયામણી ત્રાડ સંભળાઈ. એને બાવળના કાંટા બરાબરના ભોંકાયા હતા.

બકરો ખાડાના કિનારે જઈ બોલ્યો, ‘અમે તારાથી ડરતા નથી. તું અમારું કશું જ બગાડી શકવાનો નથી.’

સિંહે બહાર નીકળવા ખૂબ ધમપછાડા કર્યા, પરંતુ ખાડો ઊંડો હતો. અને નીચે કાંટા હતા. એણે જેટલાં કૂદકા માર્યા એટલો વધારે ઘાયલ થયો. આખરે બેભાન થઈને પડી ગયો.

બકરાંઓને ખબર હતી કે એ સિંહ હવે ભૂખથી અને લોહી નીકળવાથી મરી જવાનો હતો. બધા બકરાં આનંદથી બેં… બેં… બેં… કરવા લાગ્યા. એમના ચાલાક નેતાએ એમનો બધાનો જીવ બચાવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન