બજેટ ૨૦૧૮માં MSME માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો - Sandesh

બજેટ ૨૦૧૮માં MSME માટે મહત્ત્વપૂર્ણ જાહેરાતો

 | 1:28 am IST

SME વોચઃ મધુ લુણાવત

ભારતમાં જીએસટીના અમલીકરણ બાદ નાણાપ્રધાને ૧લી ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ પ્રથમ બજેટ રજૂ કર્યું, જેમાં તેમણે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) માટે વિવિધ વેરા રાહતોની જાહેરાત કરી છે. એમએસએમઇ સાચા અર્થમાં ભારતીય અર્થતંત્રોની કરોડરજ્જુ છે અને સરકારની વિવિધ નીતિઓની સૌથી પહેલી અને સૌથી વધુ અસર એમએસએમઇને જ થતી હોય છે. આ સંજોગોમાં નાણાપ્રધાને આ ક્ષેત્રની મહત્ત્વતાને સારી રીતે ધ્યાનમાં લીધી છે. એમએસએમઇની સ્પર્ધાત્મકતાને બળ આપવા તથા તેમની કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે બજેટમાં નોંધપાત્ર જાહેરાતો કરવામાં આવી છે. બજેટમાં સ્ટાર્ટ-અપ્સની અપેક્ષાઓને સંપૂર્ણપણે પૂર્ણ કરાઈ નથી, પરંતુ વેરા રાહતો જેવી પ્રસંશનીય પહેલ કરાઈ છે. બજેટ ૨૦૧૮-૧૯માં એમએસએમઇ માટે કરાયેલી કેટલીક મહત્ત્વપૂર્ણ જાહેરાતની વિગતો નીચે મુજબ છેઃ

એમએસએમઇને આવક વેરામાં લાભ

એમએસએમઇ ક્ષેત્રની વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મકતા વધારવાના ઉદ્દેશ્ય સાથે નાણાપ્રધાને રૂ. ૨૫૦ કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીઓ ઉપરનો આવક વેરો હાલના ૩૦ ટકાથી ૫ ટકા ઘટાડીને ૨૫ ટકા કર્યો છે. આ પ્રોત્સાહનોથી એસએમઇ સેગ્મેન્ટને બળ મળશે તેમજ એમએસએમઇ તેમનો કારોબાર વિસ્તારી શકશે અને સ્પર્ધા કરી શકશે. હવે એમએસએમઇ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ક્વોલિટી ઇશ્યોરન્સ અને ધોરણોનું વધુ સખતાઇથી પાલન કરવા સક્ષમ બનશે અને પરિણામે લાંબાગાળીની વૃદ્ધિ સકારાત્મક થશે. આ પ્રકારના સીધા પ્રોત્સાહનોથી એસએમઇ સેગ્મેન્ટમાં રોજગારની વધુ તકોનું સર્જન શક્ય બનશે.

મુદ્રા યોજના માટે ફાળળણી

વડા પ્રધાને ૮મી એપ્રિલ, ૨૦૧૫ના રોજ નોન-કોર્પોરેટ, નોન-ફાર્મ સ્મોલ એન્ડ માઇક્રો એન્ટરપ્રાઇઝિસને રૂ. ૧૦ લાખ સુધીની લોન પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી મુદ્રા યોજના લોન્ચ કરી હતી. આ લોનને મુદ્રા લોન તરીકે વર્ગીકૃત કરાઈ છે. એપ્રિલ, ૨૦૧૫માં લોન્ચ કરાયેલી મુદ્રા યોજના અંતર્ગત ૪.૬ લાખ કરોડની લોન ફાળવણી કરાઈ છે. મુદ્રા સ્કીમ હેઠળ એમએસએમઇ ક્ષેત્રને વધુ બળ મળ્યું છે. મુદ્રા દ્વારા સ્થાપિત રિફાઇનાન્સિંગ પોલિસી અને લાયકાતના ધોરણોથી એમએસએમઇને વધુ સારી રીતે રિફાઇનાન્સ કરવું શક્ય બનશે. વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૩ લાખ કરોડના ધિરાણનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પ્લોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ : સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ના બજેટમાં માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ (એમએસએમઇ) ઉપર પૂરતું ધ્યાન કેન્દ્રિત કર્યું છે કારણકે રોજગારની વધુ તકોનું સર્જન કરવા તથા સ્વ-રોજગારીની તકો પેદા કરવા માટે આ ક્ષેત્ર શ્રેષ્ઠ છે. એમએસએમઇ ક્ષેત્રે ૧૧૧ મિલિયનથી વધુ લોકોને રોજગારી પૂરી પાડે છે અને દેશના જીડીપીમાં લગભગ ૩૧ ટકા યોગદાન આપે છે. સ્વ-રોજગારની ક્ષમતાઓને ધ્યાનમાં લેતાં સરકારે પ્રાઇમ મિનિસ્ટર્સ એમ્પલોયમેન્ટ જનરેશન પ્રોગ્રામ માટે રૂ. ૧૮.૦૧ બિલિયનનું ભંડોળ ફાળવ્યું છે, જે વર્ષ ૨૦૧૭-૧૮ માટે રૂ. ૧૧.૯૫ બિલિયન હતું.

એમ્પલોઇ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)માં યોગદાન

નવા કર્મચારીઓ માટે સરકારે ત્રણ વર્ષ માટે એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ)માં ૮.૩૩ ટકા યોગદાન આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત સરકારે ટેક્સ્ટાઇલ, લેધર અને ફૂટવેર સેક્ટરના નવા કર્મચારીઓ માટે પ્રથમ ત્રણ વર્ષ માટે ૧૨ ટકા ઇપીએફ યોગદાનની જાહેરાત કરી હતી

એમએસએમઇ સેક્ટરને પ્રોત્સાહન આપતી નીતિઓ : ખાદી ગ્રાન્ટ હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે ફાળવણી વધારીને રૂ. ૪૧૫ કરોડ કરાઈ છે, જે ગત વર્ષે રૂ. ૨૬૫.૧૦ કરોડ હતી. રોજગાર સર્જન તથા સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે સોલર ચરખા મિશન સ્કીમ રજૂ કરાઈ છે. ફંડ ફોર રિજનરેશન ઓફ ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝ (એસએફયુઆરટીઆઇ) હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂ. ૧૨૫ કરોડની ફાળવણી કરાઈ છે, જે ગત વર્ષે રૂ. ૧૦ કરોડ હતી. આનાથી પરંપરાગત અને ગ્રામીણ ઉદ્યોગોમાં રોજગારની તકો વધારી શકાશે.

ઇનોવેશન, ગ્રામીણ ઉદ્યોગો અને એન્ટરપ્રેનિયરશિપને પ્રોત્સાહિત કરતી એસ્પાયર સ્કીમ માટે વર્ષ ૨૦૧૮-૧૯માં રૂ. ૨૩૨ કરોડનની ફાળવણી કરાઇ છે, જેથી ૧૦૦ લાઇવલીહૂડ બિઝનેસ ઇન્ક્યૂબેટર્સ અને ૨૦ ટેક્નોલોજી બિઝનેસ ઇન્ક્યૂબેટર્સની સ્થાપના કરી શકાય. આ ઉપરાંત બજેટમાં એમએસએમઇ માટે રૂ. ૩,૭૯૪ કરોડના ક્રેડિટ સપોર્ટ, કેપિટલ અને ઇન્ટરેસ્ટ સબસિડીની ફાળવણી કરાઇ છે. આજ પ્રકારે નેશનલ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટિટિવનેસ પ્રોગ્રામ માટે રૂ. ૧,૦૦૬ કરોડની ફાળવણી આવકારદાયક પહેલ છે. આનાથી ટેક્નોલોજીમાં સુધારાને બળ મળશે.

તારણ : બજેટમાં ખેડૂતો તથા એમએસએમઇ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે નોંધપાત્ર પહેલ અને ફાળવણી કરાઈ છે. ગ્રામીણ, કૃષિ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ક્ષેત્રોને લાંબાગાળે વૃદ્ધિ મળશે. નાણાપ્રધાને વૃદ્ધિ, સામાજિક વિકાસ અને રોકાણકારોના વિશ્વાસ વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કર્યો છે.