બજેટ : રણમાં છાંયડા ઉગાડવાનું સોનેરી સપનું!   - Sandesh
NIFTY 10,410.90 -15.95  |  SENSEX 33,835.74 +-21.04  |  USD 64.8200 -0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • બજેટ : રણમાં છાંયડા ઉગાડવાનું સોનેરી સપનું!  

બજેટ : રણમાં છાંયડા ઉગાડવાનું સોનેરી સપનું!  

 | 4:13 am IST

રિવરફ્રન્ટની પાળેથી :- હર્ષદ પંડ્યા ’શબ્દ પ્રીત’

ખ્યાતનામ કાયદાશાસ્ત્રી, અર્થચિંતક અને બજેટ વિશ્લેષક નાની પાલખીવાલાએ વર્ષો પહેલાં કહેલું : Election can change the governing faces; Budgets can change the face of the state. જેટલીજીએ ૨૦૧૮-૧૯નાં બજેટમાં આ વિધાનને બરાબરનું ધ્યાનમાં રાખ્યું હોવું જોઈએ, એ વિના એમણે ગ્રામ્યલક્ષી બજેટ આપવાનું સાહસ કર્યું ન હોય!

આટલાં વર્ષો પછી જેટલીજીને હમણાં ખબર પડી કે અરે… ભારત તો ગામડામાં વસે છે! આ વર્ષનું બજેટ મારે ગામડાના ઉદ્ધાર માટેનાં સપનાં કેવાં હોય એને ધ્યાનમાં રાખીને બનાવવું પડે, જો અમારો, અમારી પાર્ટીનો અને સમય મળે તો પૂરા દેશનો ઉદ્ધાર કરવો હોય તો! અને તો બજેટ પ્રવચનની ભાષા પણ મારે હિંદી રાખવી પડે, તો જ મારાં ગ્રામ્યજનો સમજી શકે ને! અને આમ એમણે આ વર્ષનું બજેટ, ગામડાંને નહીં, ગામડાંના મતદારોને વાઇબ્રન્ટ કરવા માટેનાં એકમાત્ર ધ્યેયને કેન્દ્રમાં રાખીને રજૂ કર્યું. આને કહેવાય ગ્રામ્યપ્રેમી પ્રધાન!

જેટલીજીને હિંદીમાં બોલતા સાંભળવા એ પણ સાંભળનારના બંને કાનની ધન્યતા કહેવાય, જોકે હિંદીમાં પણ એ સારું સારું બોલી શકે છે.’ ગામડાનો અભણમાં અભણ ખેડૂત પણ મને રસપૂર્વક સાંભળી શકે અને ખાસ તો મારું બજેટપ્રવચન હિંમત રાખીને થોડુંય જોઈ શકે એ માટે મારે હિંદીમાં જ બોલવું જોઈએ ભલેને વાંચીને તો વાંચીને પણ હિંદીમાં જ બોલવું જોઈએ’ આવું વિચારીને એ હિંદીમાં બોલ્યા, એ સારું કહેવાય. ગામડાના મણસોને મતલબ કે મતદારોને લાગવું જોઈએ કે નાણાપ્રધાને આ વર્ષનાં બજેટમાં ભલે આ રીતે તો આ રીતે પણ અમારી ચિંતા તો કરી! વળી, નાણાપ્રધાન એ માત્ર બેપાંચ ઉદ્યોગપતિઓના જ નહીં, અમારા પણ છે એવો ભાવ હિંદી પ્રવચન પરથી ચોક્કસ થાય. આમેય ગામડાનાં માણસો લાગણીશીલ અને ભાવુક બહુ હોય છે. સાચો શાસક એને કહેવાય, જે જનતાની ભાવુકતાને ધ્યાનમાં રાખી પોતાની રીતે શાસન કરે!

ગુજરાતના ૨૦૧૭ના વિધાનસભાનાં ઇલેક્શન બાદ જ નાણાપ્રધાનને ખબર પડી કે દેશનો વિકાસ કરતાં પહેલાં રાજ્યોનો વિકાસ કરવો પડે અને રાજ્યોનો વિકાસ કરતાં પહેલાં ગામડાનો અને ખાસ તો ખેડૂતોનો વિકાસ કરવો પડે! આને કહેવાય સાહેબ કે ચમત્કાર વગર નમસ્કાર નથી થતા! યદા યદા હી ચમત્કાર તદા તદા હી નમસ્કાર! જેટલીજીને આ વર્ષનાં બજેટમાં ખેડૂતોનો વિચાર આવ્યો, એ ખેડૂતો માટે તો સમજ્યા, એમની સરકાર માટે ઘણું સારું કહેવાય. ગુજરાતનાં ચૂંટણીપરિણામોએ સરકારને સંકેત આપી દીધો કે જો તમારે દેશના ચહેરાને રૂડો, રૂપાળો અને ક્યૂટ બનાવવો હોય તો પહેલાં ખેડૂતો અને ગ્રામ્યજનો થકી રાજ્યોના ચહેરાને રૂડો, રૂપાળો ને ક્યૂટ બનાવો! અને તરત જ નાણાવિભાગને એ સત્ય સમજાઈ ગયું કે સરકાર ટકાવવી હશે તો હવે મંત્રજાપ બદલીને ‘ઓમ ખેડૂતાય નમઃ ઓમ ખેડૂતાય નમઃ’ના મંત્રજાપ ચાલુ કરી દેવા પડશે અને એ માટે જે તે રાજ્યના ચહેરાની સાઇઝ પ્રમાણે બજેટના ફેસિયલનો પ્રયોગ કરવો પડશે!

૨૦૧૮-૧૯નું સામાન્ય બજેટ બનાવતાં બનાવતાં જેટલીજી એવુંય વિચારતા હોવા જોઈએ કે અત્યાર સુધી ભલે અમે બે પાંચ મોટા મોટા ઉદ્યોગપતિઓને સાચવ્યા એટલે અમે અને અમારી સરકારી સચવાઈ ગયાં, પરિણામે દેશ પણ સચવાઈ ગયો પણ ૨૦૧૯માં આવી રહેલા પંચર્વિષય કસોટીકાળમાં ફરી એક વાર અમે અને અમારી સરકાર સચવાઈ જઈએ અને અમારા થકી દેશ પણ સચવાઈ જાય એ હેતુથી હવે છેવાડાનાં ગામડાના સાવ છેવાડાના વાડાના એકદમ છેવાડે રહેતા નાનામાં નાના(ઉંમરમાં નહીં સાહેબ, વિકાસમાં!) ખેડૂતને સાચવી લેવો પડશે એ વિના હવે અમે સચવાઈ શકીએ એ વાતમાં માલ નથી. ખેડૂત તો જગતનો તાત કહેવાય છે. તાતને જ જો અમે નહીં સાચવીએ તો તાતનો ઉત્પાત કેવું ભયાનક પરિણામ લાવી શકે છે એ ગુજરાતનાં ચૂંટણીપરિણામોએ દેખાડી દીધું છે બાપ, એટલે તાતને તો હવે કેમ ભુલાય? જો એને ભૂલીએ તો તો અમે જ ભુલાઈ જઈએ અને અમારે અમારી સત્તા પણ ભૂલી જવી પડે. ના, બાપા ના, આવી ભૂલ તો આ બજેટમાં અમે ભૂલથીય નહીં કરીએ. મોદીસાહેબે કેટકેટલી મહેનત કરીને અમને સત્તાભેગા કર્યા છે તો અમારી અને સાથે સાથે અમારાં બજેટનીય એ ફરજ બને છે કે અમારે અમારી સત્તા કોઈપણ બજેટે, આઇમીન કોઈપણ ભોગે બચાવી લેવાની છે.

જેટલીજી નાણાપ્રધાન બન્યા એ એક એવી ઘટના છે જેણે ઘણાબધા ધારાશાસ્ત્રીઓને અને વકીલોને ઔઇકોનોમિક્સમાં અને ફાઇનાન્સમાં રસ લેતા કર્યા છે. પ્રધાન બનેલી વ્યક્તિ શું નથી કરી શકતી? આજ સુધીના મોટાભાગના નાણાપ્રધાનોને તો એમ પણ સેસ અને ટેક્સ બંનેમાં એકસરખો રસ હોય છે આને સમ્યક્ દૃષ્ટિ કહેવાય! આ લોકોએ રાજકારણી હોવા છતાં આવી બાબતોમાં સમ્યક્ દૃષ્ટિ કેળવી હોય છે. રાજકારણના રંગે રંગાયેલી ગમે તેવી વ્યક્તિ ઇકોનોમિક્સ અને ફાઇનાન્સ વચ્ચેનો ભેદ સમજી શકતી હોય તો તમે કે હું શા માટે સમજી ન શકીએ? સામાન્ય ત્રાજવાંને માત્ર બે જ પલ્લાં હોય છે પણ સરકારી બજેટ એક એવું ત્રાજવું છે જેને ત્રણ પલ્લાં છે. (૧) રૂપિયો ક્યાંથી આવશે? (૨) રૂપિયો ક્યાં જશે અને (૩) રૂપિયાની બચત ક્યાં થશે?

કેટલાક પોલિટિકલ ફાઇનાન્સર્સ અને ઇકોનોમિસ્ટ્સનું એવું કહેવું છે કે બજેટનાં ત્રણે પલ્લાંને એક સરખો ન્યાય આપવો હોય તો ઇમ્પોર્ટ ઓછી કરો અને એક્સ્પોર્ટ વધારો! ઇન-પુટ ઓછો અને આઉટ-પુટ વધુ! દેશના પ્રખર મનીએક્સ્પર્ટ્સનું માનવું છે કે બજેટ ત્યારે જ સફળ બને કે જ્યારે તમે કમાણી વધારો અને ખર્ચ ઓછો કરો અર્થશાસ્ત્રીઓએ આવી આર્િથક સલાહ તો, બે છેડા ભેગા કરવા મથી રહેલી જનતાને આપેલી પણ નેતાઓએ અને ખુદ સરકારે આ સલાહનું અર્થઘટન પોતાના માટે એવું કર્યું છે કે અમારી કમાણીમાં વધારો થાય અને જનતાના ખર્ચમાં ઘટાડો થાય! જનતા પોતાના ખર્ચમાં ઘટાડો કરે તો જ નેતાઓની કમાણીમાં વધારો થાય એ જ દરેક બજેટનું સૂત્ર હોય છે!

નાણું બે પ્રકારનું છે (૧) પ્રાઇવેટ મની અને (૨) પબ્લિક મની. ગૃહિણી જે બજેટ બનાવે છે એમાં પ્રાઇવેટ મની હોય પણ સરકાર જે બજેટ બનાવે એમાં પબ્લિક મની હોય. પબ્લિક મની એટલે પ્રજાનું નાણું અને પ્રજા એટલે હું, બાવો અને મંગળદાસ આપણે બધાં! પબ્લિક મનીના રંગઢંગ જોવા હોય તો સાહેબ સરકારી કચેરીઓમાં જાઓ, અહીં તમને મોંઘવારી શબ્દ સાંભળવા નહીં મળે! પ્રાઇવેટ મનીને મહિનાની આખર તારીખ નડતી હોય પણ પબ્લિક મનીને તો સાહેબ ૩૬૫ દિવસ પગાર તારીખ!

બજેટ જેવું કોઈ સુંવાળુ સપનું નથી, ખરેખર!

ચૂસકી   

  • ફેબ્રુઆરી મહિનામાં દરેક નાણાપ્રધાન સાંતાક્લોઝ બની જાય છે!